Business

ઠેલવું કે ખેંચવું

બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વહેતી માથાવંગા નદીના કાંઠા પર, શિકારપુર બી.ઓ.પી.ની હદમાં કિચુઆડાંગા ગામમાં હસન બાઉલ રહે છે..૧૯૭૫ સુધી હસન બંગલાદેશના નાગરિક હતા. પણ માથાવંગા નદીએ વહેણ બદલતા બીલગુતાને અડોઅડ આવેલ ગોરોજન ગામ નદીના પેટમાં સમાઈ ગયું. લોકો ભારતના કિચુઆ -ડાંગાના નવા બનેલા બેટ પર આવી વસ્યા. અન્ય બાઉલ કરતા હસન થોડા જુદા પડે છે. તેઓ બાઉલ તો હતા જ પણ ગામના ભાણેજ પણ થતા. તેથી લોકો તેમને વિશેષ આદર અને માન આપતા.

હસન લોકોનાં પ્રશ્નોનો સહજ અને સરળતાથી ‘બાઉલશાહી’ રીતે ઉત્તર આપતો. એક પ્રસંગ તેના આશ્રમમાં અમને લઇ જનાર સિરાજ ડ્રાઈવરે કહ્યો. ‘મારા મોટાભાઈ ફરીદ ગામની હાટબજારમાં માલ સમાન ગોદામથી દુકાન સુધી, રેંકડા દ્વારા પહોચાડવાનું કામ કરતા, પણ ૪૦ વર્ષની ઉંમરમાં પણ તેને થાક લાગી જતો. તેથી મારી મા ચિંતા કરતી. એક વખત તેને તે ચિંતા હસન પાસે વ્યક્ત કરી. બે દીવસ પછી હસન બાઉલે મારા ભાઈ ફરીદને બોલાવ્યો. કૈક સલાહ આપી. પણ પછીના અઠવાડિયામાં તો જાણે ચમત્કાર થઈ ગયો! મારો ભાઈ ફરીદ માથાવંગા નદીની પુન્તો માછલી જેવો તરવરાટવાળો થઈ ગયો !

 મેં પૂછ્યું,‘તેણે ફરીદને શું કોઈ દવા આપી? જડીબુટ્ટી આપી?’ સિરાજે કહ્યું, ‘અમે તો ઘણીવખત ફરીદને પૂછ્યું છે, પણ તેણે અમને કહ્યું નથી, તમે આજે આશ્રમે જઈ જ રહ્યાં છો, તો ત્યાં હસન બાઉલને જ પૂછી લેજો ને! ’અમને સીરજની વાત યોગ્ય લાગી. આશ્રમમાં પહોંચી, આરામ કરી સાંજે અમે હસનને પૂછ્યું કે તમે ફરીદનું દુઃખ કઈ રીતે દુર કર્યું હતું ? હસન હસ્યા અને પછી બોલ્યા,‘તમે જાણો છો ને કે ફરીદ એક રેકડાવાળો છે.

તેની મા એ મારી પાસે તેની તબિયત અંગેની ચિંતા જણાવ્યા પછી મેં બે દિવસ સુધી તેની દિનચર્યા જોઈ. શારીરિક રીતે તો તે મજબુત લાગ્યો, પણ અંગત કારણોસર કૈક ચિતાના લીધે થોડો ઢીલો પડ્યો હતો. તે સમયે મેં તેણે બોલાવીને કહ્યું ,‘તું રેકડામાં સામાન લાદીને નીકળ, ત્યારે રેંકડો- બળદ આગળ જોતરીને ચલાવીએ – તેમ રહેવું, રેંકડો પાછળ રાખી ખેંચીને લઇ જવો અને સામાન ઉતારી જયારે ખાલી થયેલ રેંકડો થાય ત્યારે રેંકડો આગળ રાખી પાછળ પાછળ તારે રહીને, ધક્કો મારીને લઇ જવો.’ તેને મારા પર અત્યંત પ્રેમ અને શ્રદ્ધા. તેણે તેમ જ કર્યું તો થોડા સમયમાં સ્વસ્થ થઈ ગયો.

મેં કહ્યું,‘પણ બાઉલ, આટલી જ સલાહ માત્રથી કોઈ સ્વસ્થ થોડો થઈ જાય? મને કારણ સમજાવ! બાઉલ બોલ્યો, ‘આ મનેર માનુષના ખેલા છે! કૈક ચિંતાથી ઘેરાયેલ હોય તેવા સમયે આપણું દૈનિક,સાદું કાર્ય પણ કપરું લાગે, મન મુંઝાયા જ કરે, તે મનુષ્યનો સ્વભાવ છે. તેનો રેકડાથી બોજ ફેરવવાનો ધંધો તેણે કપરો લાગવા માંડ્યો હતો. બોજ ભરેલા રેકડાને તે ઠેલાતો ઠેલાતો, બોજ આગળ રાખી રાખીને ચાલે તો  તેની નજર સામે બોજનો ગંજ જ દેખાયા કરે, જો બળદની જેમ જોતરાઈને બોજને પાછળ રાખે તો સીધો રસ્તો જ દેખાય!

બોજ વિષયક ખ્યાલ કે વિચાર જ ન આવે! ખેંચવાવાળાની સામે કશું નહી, ફક્ત રસ્તો અને ધ્યેય જ હોય છે. ખેંચવાવાળો વધુ આશાવાદી રહે છે. તેનાથી વિપરીત ઠેલવાવાળાને ધ્યેય અને રસ્તાનાં દર્શન પહેલા બોજ સતત નજરમાં જ રહે છે. તે નિરાશા ઉત્પન્ન કરે છે.’ પછી હસન બોલ્યા,‘જેવું રેકડાનું તેવું જ જીવનનું, સમસ્યાને ધકેલો નહી, વહન કરો, તે હળવી લાગવા માંડશે!’ 

Most Popular

To Top