Editorial

જંક ફૂડના પ્રચાર અને પ્રસાર પર નિયંત્રણો મૂકાવા જ જોઇએ

છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરમાં પેકેજ્ડ ફૂડ કે જંક ફૂડનો વપરાશ હદ બહાર વધ્યો છે અને જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ હવે એક વૈશ્વિક વાસ્તવિકતા બની ગયું છે. ભારત પણ સ્વાભાવિક રીતે જ આમાંથી બાકાત નથી. ભારતમાં જંક ફૂડ ઉદ્યોગ વર્ષે ૪૦ ટકાના દરે વિકસી રહ્યો છે અને ફાસ્ટ ફૂડના માથા દીઠ વપરાશની દષ્ટિએ ભારતનો વિશ્વના દેશોમાં દસમો ક્રમ આવે છે, આ બાબત સૂચવે છે કે ભારતમાં જંક ફૂડનો વપરાશ કેટલી હદે વધી ગયો છે. કેટલાક આંકડાઓ ચોંકાવનારા છે. એક અંદાજ પ્રમાણે દેશમાં ૯૩ ટકા બાળકો સપ્તાહમાં એક વખત તો પેકેજ્ડ ફૂડ ખાય જ છે અને ૧૪થી ૧૭ વર્ષના પ૯ ટકા બાળકો દિવસમાં ઓછામાં ઓછા એક વખત તો પેકેજ્ડ ફૂડ ખાય છે કે પેકેજ્ડ પીણું પીએ છે.

આજે સ્થિતિ એવી થઇ ગઇ છે કે ઘણા બાળકોને ઘરે રાંધેલો ખોરાક ગમતો જ નથી અને તેઓ આવા પેકેજ્ડ ફૂડ ખાઇને જ પેટ ભરી લે છે. પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આ જંક ફૂડનો વધુ પડતો વપરાશ ખૂબ હાનિકારક છે. આ ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ફૂડને જંક ફૂડ પણ કહેવામાં આવે છે તે બરાબર જ છે. આમાંના ઘણા પેકેજ્ડ ફૂડ તો કચરા જેવા જ હોય છે. નાના બાળકોને ખૂબ ભાવતા ભૂંગળીઓ જેવા જંક ફૂડમાં તો પ્લાસ્ટીક જેવા પદાર્થની મિલાવટ થતી હોવાનું પણ બહાર આવ્યું હતું. અને જે પેકેજ્ડ ફૂડમાં આવી મિલાવટ ન હોય તેમાં પણ તેને લાંબો સમય સાચવી રાખવા માટે વપરાતા પ્રિઝર્વેટિવ્ઝ તો નુકસાનકારક બને જ તેવી ઘણી શક્યતાઓ હોય છે. આ જંક ફૂડને કારણે મેદસ્વિતા વધે છે. બાળકો સ્થૂળ થઇ રહ્યા છે તે તો એક મોટું જોખમ છે જ, પરંતુ જંક ફૂડના કારણે બાળકોમાં અને મોટેરાઓમાં પણ આરોગ્યની બીજી પણ અનેક સમસ્યાઓ સર્જાઇ શકે છે.

બાળકોમાં વધતી સ્થૂળતા અંગેની ચિંતાઓ વચ્ચે ગ્રાહક બાબતોનું મંત્રાલય બાળકોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવતી જંક ફૂડની જાહેરાતો પર કાપ મૂકવાની એક દરખાસ્ત પર વિચારણા કરી રહ્યું છે અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અંગેની એક નવી માર્ગદર્શિકા ટૂંક સમયમાં બહાર પડી શકે છે એવા અહેવાલ હાલમાં આવ્યા છે તે આવકાર્ય છે. આ સંદર્ભમાં એક સૂચન મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરની એક બેઠકમાં કરવામાં આવ્યું હતું જ્યાં ગેરમાર્ગે દોરતી જાહેરાતો અંગેની સૂચિત ગાઇડલાઇન્સ પર ચર્ચા થઇ હતી. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સૂચનોમાં ટીવી પર બાળકોના કાર્યક્રમો દરમ્યાન જંક ફૂડની જાહેરાતો અટકાવવી, જાહેરાતોમાં આરોગ્યના યોગ્ય ખયાલોને ઉત્તેજન આપવું અને જંક ફૂડમાંના પોષક તત્વોની માહિતી દર્શાવવી વગેરેનો સમાવેશ થાય છે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેના એ આંકડાઓ પણ ટાંક્યા હતા જે દર્શાવતા હતા કે દેશના બાળકોમાં સ્થૂળતા વધી રહી છે. વધુમાં ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ   ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પ્રિ-પેકેજ્ડ ફૂડ્સના પેકેટો પર પોષણની માહિતીઓ દર્શાવવા અંગેના નિયમો રજૂ કર્યા જ છે. વધુમાં નીતિ આયોગે પણ તેના ૨૦૨૧-૨૨ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે સરકારે વધુ પ્રમાણમાં ખાંડ, ચરબી અને નમક ધરાવતા ખાદ્યો પર વધુ વેરા નાખવા, જંક ફૂડના પેકેટોના આગળના ભાગે લેબલિંગ કરાવવા જેવા પગલાઓ ભરવા જ જોઇએ. ગ્રાહકોની સુરક્ષા બાબતની ગાઇડ લાઇનો અંગેની ચર્ચા વિચારણ સમાપ્ત થઇ ગઇ છે અને જાહેરાતો અંગેની જોગવાઇઓ સહિતની બાબતો અંગે છેવટનો નિર્ણય ટૂંક સમયમાં લેવાઇ શકે છે. એમ જણાય છે કે આ મહિનાના અંત ભાગે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળની આ જાહેરાતો બહાર પડી શકે છે. આ એક આવકાર્ય બાબત છે. જંક ફૂડની જાહેરાતોનો જે રીતે મારો ટીવી પર ચાલી રહ્યો છે અને બાળકો આ જાહેરાતોથી પ્રેરાઇને જંક ફૂડ ખાવાના આદી બની રહ્યા છે તે જોતા ટીવી પરની આવી જાહેરાતો પર નિયંત્રણો મૂકાવા જ જોઇએ.

આજના ઝડપી યુગમાં ફાસ્ટ ફૂડ એ ખાવા માટેના તૈયાર, તરત ઉપલબ્ધ એવા ખોરાક તરીકે લોકપ્રિય બન્યું છે, અને તે સ્વાભાવિક પણ છે. આ ફાસ્ટ ફૂડ કે પેકેજ્ડ ફૂડના કેટલાક લાભો પણ છે. સારી કંપનીઓના પેકેજ્ડ ફૂડમાં એકંદરે સ્વચ્છતાની ખાતરી મળી રહે છે અને મશીનરી વડે જ પેક કરાતા આવા ખોરાકમાં સ્વચ્છતાના ધોરણો સચવાતા હોય તેવી આશા પણ રાખી શકાય છે. પરંતુ બીજી બાજુ આવા પેકેજ્ડ ફૂડના આરોગ્ય લક્ષી નુકસાન ઘણા છે. સ્થૂળતા ઉપરાંત પાચનની સમસ્યાઓ પણ જંક ફૂડથી સર્જાઇ શકે છે. આ ઉપરાંત માનસિક ઉચાટ જેવી સમસ્યાઓ પણ જંક ફૂડનો વધારે પડતો વપરાશ કરતા લોકોને થઇ શકે છે. અને કેટલાક જંક ફૂડ તો કેન્સર જેવી ભયંકર આરોગ્યલક્ષી સમસ્યાઓ સર્જવા સુધી પણ જઇ શકે છે એમ કહેવાય છે. બાળકો આ પેકેજ્ડ ફૂડ કે જંક ફૂડની લતે ચડીને ઘરનું સાત્વિક ભોજન ખાવાનું બિલકુલ છોડી દે તે બાબત તો ખૂબ ભયંકર છે અને તેથી જ આ જંકફૂડના થઇ રહેલા બેફામ પ્રચાર પર નિયંત્રણો મૂકવાની તાકીદે જરૂર છે જ અને તે દિશામાંની સરકારની હિલચાલ આવકાર્ય છે.

Most Popular

To Top