Entertainment

અજય દેવગણ સાથે ‘મૈદાન’માં ઉતરેલી પ્રિયમણી

જેમ હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓ દક્ષિણની ફિલ્મોમાં સ્ટાર બની છે, તેમ દક્ષિણની અભિનેત્રીઓ પણ હિન્દી ફિલ્મની સ્ટાર બનતી આવી છે. હવે અજય દેવગણનો હાથ પકડી પ્રિયમણી પણ હિન્દીના મેદાનમાં ઉતરી રહી છે. અલબત્ત આ તેની પહેલી હિન્દી ફિલ્મ નથી. અગાઉ ‘રાવન’, ‘રકતચરિત્ર-2’, ‘ચેન્નાઇ એકસપ્રેસ’, ‘અતિત’માં તે આવી ચૂકી છે. પણ પહેલીવાર તેને મોટી ભૂમિકા મળી છે. તેલુગુ, તમિલ, મલયાલમ ફિલ્મોમાં તે સ્ટાર છે પણ હિન્દી ફિલ્મો માટે તે નવી જ રહી છે. હવે અજય દેવગણ તેને ખાસ બનાવે તો ખબર નથી.

વિદ્યા બાલનની જરા દૂરની સગી એવી પ્રિયમણી હકીકતે ‘મૈદાન’માં નહોતી. પસંદ તો કરાયેલી કિર્તી સુરેશ પણ તે પાત્રની જરૂરિયાતથી વધારે યુવાન દેખાતી હતી અને ફિલ્મમાં એવી અભિનેત્રીની જરૂર હતી જે મા દેખાય. મનોજ વાજપેયી સાથે ‘ધ ફેમિલી મેન’માં આવી ચૂકેલી પ્રિયમણી 37ની હોવાથી ‘મૈદાન’ માટે એકદમ પર્ફેકટ હતી. આમ પણ આ ફિલ્મના નિર્માતા બોની કપૂર છે, જે સાઉથની એકટ્રેસ પર વધારે ભરોસો કરતા આવ્યા છે. એકટ્રેસ તરીકે તૈયાર હોય એટલે ચિંતા નહીં અને ફી પણ ઓછી લે. હીરો કેન્દ્રી ફિલ્મ હોય એટલે હીરોઇનના ભાગે કામ પણ ઓછું હોય.

જો કે આ ફિલ્મ કોરોનાના કારણે ખાસ્સો સમય અટવાયેલી રહી. તેનો અફસોસ અજય દેવગણથી વધારે પ્રિયમણીને છે. પ્રિયમણીને જે આનંદ છે તે એ વાતનો કે પહેલીવાર હિન્દીમાં તેને મોટી ભૂમિકા મળી છે અને તે પણ અજય દેવગણ સાથે. તે કહે છે કે અજય એક ફેબ્યુલસ એકટર છે. તે ફિલ્મમાં હું તેની પત્ની બની છું. અજય સર સાથે 10થી 12 દિવસ જ કામ કર્યું છે, પણ ખૂબ મઝા આવી છે. ફિલ્મ તો ભારતના પ્રથમ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ વિશે છે, પણ ફિલ્મમાં હું એ કોચની તાકાત છું – ડ્રાઇવિંગ ફોર્સ છું.

આજકાલ એકથી વધુ ભાષામાં ફિલ્મ રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલે છે અને ‘મૈદાન’ તો બંગાળીમાં પણ ડબ્ડ થઇ રજૂ થઇ રહી છે. કારણ કે કોલકાતામાં ફૂટબોલ સૌથી વધુ લોકપ્રિય છે. પ્રિયમણીએ આ ધાર્યું નહોતું. હવે તે પહેલીવાર બંગાળના પ્રેક્ષકો સામે પણ જશે. અત્યારે 3 કન્નડ, એક તેલુગુ અને એક તમિલ ફિલ્મમાં કામ કરી રહેલી પ્રિયમણી હિન્દીમાં વધારે કામ કરવા ઉત્સુક છે અને એટલીની એક હિન્દી ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે આવી રહી છે. ‘મૈદાન’ રજૂ થવાનો આનંદ તે એ રીતે પણ ઉજવશે કે ચોથી જૂને જ તેની બર્થડેટ છે.

Most Popular

To Top