Entertainment

‘એ માલિક તેરે બંદે હમ’ અને ‘હમકો મનકી શકિત દેના’નાં સંગીતકાર વસંત દેસાઇ તેરે સૂર ઔર મેરે ગીત

ગમે તે કહો, મોટા બેનર, જાણીતા સ્ટાર્સવાળી ફિલ્મો સાથે જોડાઓ તો ‘સાંભા’ પણ યાદગાર બની જાય છે. પ્રતિભા હોવી પૂરતી નથી તેનું યોગ્ય માળખામાં હોવું મહત્વનું છે. સંગીતકાર વસંત દેસાઇ વિશે તમે એવું કહી શકો. તેઓ પણ જયદેવ, ચિત્રગુપ્ત જેવા પ્રતિભાશાળી સંગીતકાર હતા. જેમ કે R.K.ના શંકર જયકિશન, નવકેતનના સચિનદેવ બર્મન તેમ વ્હી. શાંતારામની ફિલ્મ કંપનીના તેઓ સંગીતકાર હતા એમ કહી શકો. વ્હી. શાંતારામ આમ અમુક બાબતે ચિંગુશ હતા. સંગીતકાર, હીરો-હીરોઇન, સહકલાકારો માટે વધારે રૂપિયા ન ખર્ચે અને બને ત્યાં સુધી મરાઠી પ્રતિભાનો વધારે આધાર રાખે. તેમને બે સંગીતકાર મુખ્ય રહ્યા – સી. રામચંદર્ અને વસંત દેસાઇ.

સ્પર્ધા તો દરેક સમયે હોય જ પણ વસંત દેસાઇ પોતાનામાં મશગુલ રહી કામ કરતા રહેવાના આગ્રહી હતા. બધા નૌશાદની વાત બહુ કરે છે પણ રાગ-રાગિણીઓ પર નવા વિશુધ્ધ હિન્દુસ્તાની સંગીત બાબતે સમાધાન ન કરનારા સંગીતકારોમાં વસંત દેસાઇ પણ છે. તેઓ રાજકપૂર, દેવઆનંદ, દિલીપકુમારથી માંડી શમ્મી કપૂર, રાજેશ ખન્ના જેવા સ્ટાર્સની ફિલ્મોના સંગીતકાર ન થયા હોય યા તેમના ગીત પર હેલન, બિન્દુ વગેરે ન નાચ્યાં હોય એટલે ઓછા આંકવા તે તો બજારૂ શરત થઇ કહેવાય. વસંત દેસાઇ જે સંગીતમાં વિશ્વાસ ધરાવતા હતા, તે વિશ્વાસને બજાર બદલી ન શકયું. પશ્ચિમી વાદ્યો અને ઓરકેસ્ટ્રાથી જ સંગીત સર્જી શકાય એવું તેઓ માનતા ન હતા.

વસંત દેસાઇ શરૂઆતમાં અભિનેતા અને ગાયક તરીકે પણ સક્રિય હતા. પ્રભાતની શરૂના વર્ષોની ફિલ્મો ‘માયા મછિન્દર’ (1932), ‘અમ્રીત મંથન’ (1934), ‘ધર્માત્મા’ ((1935), ‘સંત જ્ઞાનેશ્વર’ (1940), ‘સંત તુકારામ’ (1936), ‘કંકુ’ (1937), ‘માઝા મુલગા’ (1938), ‘માનુષ’ (1939), ‘શેજારી’ (1941) વગેરે ફિલ્મોમાં તેમણે અભિનય કરેલો. હિન્દીમાં કયારેક જ તક મળી. કારણ કે વ્હી. શાંતારામ મુંબઇ આવ્યા પછી તેઓ પણ મુંબઇ આવ્યા. વ્હી. શાંતારામ ‘માનુષ’ બનાવવાની તૈયારીમાં હતા અને વસંત દેસાઇને કહેલું કે આ ફિલ્મમાં તમે શાંતા આપ્ટે સાથે હીરો હશો. વસંત દેસાઇ તો ખુશ થઇ ગયા. બે દિવસ પછી ફિલ્મની જાહેરાત થઇ તો તેમાં હીરો તરીકે શાહુ મોડક લેવાયેલા હતા. ઘવાયેલા વસંત દેસાઇએ નક્કી કર્યું કે હવે મારે કયારેય અભિનય કરવો જ નથી, બસ સંગીત આપીશ. આ નિર્ણય ફિલ્મસંગીત માટે તો સારો જ પૂરવાર થયો.

સિંધુ દુર્ગના એક ગામ સાવંતવાડીમાં 1912માં જન્મેલા વસંત દેસાઇના શરૂના વર્ષો તો લાવણી, પવાડા જેવા લોકનાટ્‌ય અને તેના સંગીત ઉપરાંત દશાવતારી નાટકો માણવામાં ગયેલા. વળી તેમના નાના કીર્તનકાર હતા. પણ વ્હી. શાંતારામ પાસે તેઓ પહેલીવાર ગયેલા ત્યારે તો લાંબા વાળ વધારીને ગયેલા. તે વખતે ડાયલોગ બોલતી વેળા માથુ ઝટકાવે ત્યારે ‘ઝુલ્ફા ઘુમે’ એટલે પ્રભાવ વધી જતો. વસંત દેસાઇ એકટર બનવા તૈયાર હતા. શાંતારામજી પૂછે, ‘કૈસા કામ ચાહતે હો?’ વસંત દેસાઇએ માથુ ઝટકાવી ઝુલ્ફા આગળ લાવી કહ્યું, ‘એકટર.’ વ્હી. શાંતારામ અંદર અંદર જરાક હસ્યાને બોલ્યા, ‘રખ તો લેતા હું, મગર સબ કામ કરના પડેગા’ ને બસ તેઓ વ્હી. શાંતારામ સાથે જોડાઇ ગયા.

અભિનયથી શરૂઆત કરી ખરી પણ અબ્દુલ કરીમ ખાં, ગોવિંદરાવ તાંબે સહિત પાસે તેઓ સંગીત શીખતા હતા. એટલે 1932માં પ્રભાતે જ્યારે તેમની પ્રથમ બોલતી ફિલ્મ ‘અયોધ્યા ચા રાજા’ બનાવી તો તેમાં વસંત દેસાઇએ પહેલીવાર ગાયું. મા. ક્રિષ્ના રાવ અને કેશવરાવ ભોલે પ્રભાતમાં સંગીત આપતા તો વસંત દેસાઇ સાથે રહેતા. આ દરમ્યાન તેઓ ઉસ્તાદ ઇનાયત ખાં, ડાંગર બંધુ પાસે ય શીખ્યા એટલે ધ્રુપદ, ધમાર કેળવાયું અને 1940થી તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોના આર્ટિસ્ટ થઇ ગયા. આ સમયે પ્રભાત સમેટાયું ને વ્હી. શાંતારામ રાજકમલ સ્ટૂડિયો શરૂ કરી રહ્યા હતા અને ‘શકુંતલા’ બનાવવાની યોજના કરી રહ્યા હતા.

ત્યારે વસંત દેસાઇને કહ્યું કે આમાં તારે સંગીત આપવાનું છે અને બસ, પછી તો વ્હી. શાંતારામની ‘જીવનયાત્રા’, ‘ડો. કોટનીસ કી અમર કહાની’, મતવાલા શાયર રામજોશી’, અંધો કી દૂનિયા’, ‘દહેજ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘તુફાન ઔર દીયા’ અને ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મોના સંગીતકાર તેઓ જ હતા. તેમણે વ્હી. શાંતારામ સિવાયની ય ફિલ્મોમાં સંગીત આપ્યું. જેમાં ‘ઝાંસી કી રાની’, ‘દો ફૂલ’, ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’, ‘અર્ધાંગિની’, ‘સંપૂર્ણ રામાયણ’, ‘ભરત મિલાપ’ ઉપરાંત ઋષિકેશ મુખરજીની ‘આશીર્વાદ’, ‘ગુડ્ડી’ ઉપરાંત ગુલઝારની ‘અચાનક’ અને વિકાસ દેસાઇ – અરુણા રાજેની ‘શક’ છે. આ ઉપરાંત ‘શ્યામચી આઇ’ સહિતની વીસેક મરાઠી ફિલ્મો નૌશાદે દેશના સુપ્રસિધ્ધ શાસ્ત્રીય ગાયકો પાસે ગવડાવ્યાનું યાદ રાખનારાઓ યાદ કરી શકે કે વસંત દેસાઇએ ઉસ્તાદ આમીર ખાં પાસે રાગ અડાનામાં ‘ઝનક ઝનક પાયલબાજે’ ગવડાવેલું અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પાસે ‘ગુંજ ઉઠી શહેનાઇ’માં તેમણે જ શરણાઇ વગડાવેલી.

રાગો આધારીત ગીતોમાં ‘જૈન સે નૈન નાહી મિલાઓ (રાગ-માલગુંજી), ‘મેરે એ દિલ બતા’ (રાગ-ભૈરવી), ‘જો તુમ તોડો પિયાં’ (ભૈરવી), ‘નિર્બલ સે લડાઇ બલવાન કી’ (માલકૌસ), ‘તેરે સૂર ઔર મેરે ગીત’ (બિહાગ) ‘સન સનન સનન સનન’ (ચન્દ્રકૌસ ફિલ્મ ‘સંપૂર્ણ રામાયણ’), ‘ઝીર ઝીર બરસે સાવની અંખિયા’ (ખમાજ), ‘ઇક થા બચપન’ (ગુર્જર તોડી), ‘બોલે રે પપીહરા’ (મિયાં ડી મલ્હાર), ‘હમકો મનકી શકિત દેના’ (કેદાર).

વસંત દેસાઇના સમયમાં જ સી. રામચન્દ્ર, ઓ.પી. નાયર, શંકર-જયકિશન, સચિનદેવ બર્મન, મદન મોહન, સલીલ ચૌધરી સહિતના પ્રભાવી સંગીતકાર છે, પણ વસંત દેસાઇ તો વસંત દેસાઇ જ રહે છે. લતાજીએ ‘સભુદ્રા’ ફિલ્મમાં અભિનય કરવા સાથે ગીત ગાયું છે અને એ ગીત વસંત દેસાઇનું કમ્પોઝ કરેલું છે. તેમણે મરાઠી લોકસંગીતનો ય ખાસ્સો ઉપયોગ કર્યો છે. તેમણે ઘણી ગઝલો પણ કમ્પોઝ કરી છે. ‘ઝનક ઝનક પાયલ બાજે’માં મન્ના ડે પાસે રાગમાલા પણ ગવડાવેલી. આ ફિલ્મમાં સામતા પ્રસાદ જેવા તબલાવાદક, પં. રામનારાયણ જેવા સારંગીવાદક, પં. શિવકુમાર શર્મા સમા સંતુરવાદક ઉપરાંત ગુદઇ મહારાજ પાસે તબલા વગાડાવેલા.

‘દો આંખે બારહ હાથ’નું સંગીત પણ કેવી રીતે ભુલી શકો? પરંતુ વ્હી. શાંતારામ ઉપરાંત ત્યારના મોટા બેનર, મોટા સ્ટાર્સની ફિલ્મો તેમને ભાગ્યે જ મળી. પણ તેમણે પોતાના સંગીતથી અમુક ફિલ્મોને મોટી બનાવી તેમાં ‘ગુંજ ઉઠી શહનાઇ’ પણ ગણી શકો. ‘હોલે હોલે ઘુંઘટ પટ ખોલે’, ‘જીવન મેં પિયા તેરા સાથ રહે’, ‘તેરે સુર ઔર મેરે ગીત’, ‘કહ દો કોઇ ન કરે યહાં પ્યાર’ (રાગ જોગિયા), ‘તેરી શહનાઇ બોલે’, ‘દિલ કા ખિલૌના હાય તૂટ ગયા’ (ભૈરવી) અને ‘અખિંયાં ભુલ ગઇ હૈ સોના’ – આ ફિલ્મમાં બિસ્મિલ્લા ખાન અને અબ્દુલહલીમ જાફર ખાંએ રાગ કેદારમાં શરણાઇ સિતારની જૂગલબંદી કરેલી. તેમણે જ ‘આશીર્વાદ’માં અશોકકુમાર પાસે રેલગાડી છુટ છુક છુક ગવડાવેલું. લતાજી જ્યારે તેમના માટે ગાવાના ન હતા ત્યારે વાણી જયરામ પાસે ‘બોલે રે પપીહરા’ ગવડાવ્યું.

વસંત દેસાઇના બે ગીતો સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાયા કરે છે. ‘એ માલિક તેરે બંદે હમ’ અને ‘હમ કો મનકી શકિત દેના.’ તેમની મરાઠી ફિલ્મોમાંથી ‘શ્યામચી આઇ’નું સંગીત ખૂબ જ લોકપ્રિય બનેલું. ‘અમર ભૂપાલી’માં લતાજી પાસે ‘ઘનશ્યામ સુંદરા’ ગવડાવેલું જે મરાઠી પ્રજાના ઘરેઘરમાં પ્રાર્થના ગીત બન્યું છે. આ લેખને તમે અધૂરો જ માનજો. કારણ કે વસંત દેસાઇ વિશે બધું કહી શકાયું નથી. બાકી તેમણે અનેક દસ્તાવેજી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. પંડિત નહેરુ શિવાજી પાર્કમાં એક દશેરા વખતે આવેલા, ત્યારે એક લાખ બાળકો પાસે તેમણે સમૂહ ગાન કરાવેલું. આવા સંગીતકાર વીસ મુદ્દાના કાર્યક્રમ માટે ગીત રેકોર્ડ કરાવી પેડર રોડના ઘરે લિફટમાં જઇ રહ્યા હતા અને કરુણ મૃત્યુ પામ્યા. મૃત્યુ તો મૃત્યુ છે, પણ સંગીત તો સંગીત છે. આજેય શાળામાં ‘હમકો મન કી શકિત દેના’ ગાનારાને ખબર નહીં હશે કે આ વસંત દેસાઇનું સ્વરાંકન ગાઇ રહ્યા છે. જેમ ‘એ મેરે વતન કે લોગો’નું સ્વરાંકન સી. રામચન્દ્રનું છે એ ઘણાને યાદ ન હશે એમ જ!
બ.ટે.

Most Popular

To Top