Comments

રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી: વિપક્ષી એકતાની ધરી કોણ બનશે?

વિરોધ પક્ષો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિજયરથને રોકવાનો ઇરાદો સાચે જ ધરાવતા હોય તો તેમની પાસે લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી પહેલાં એક સારો અવસર – આ વર્ષના જુલાઇમાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી સ્વરૂપે આવે છે. સંખ્યાબળ શાસકપક્ષ અને તેના સાથીઓની ખાસ્સી તરફેણ કરતું હોવાથી બધા વિરોધ પક્ષો એક મંચ પર ભેગા થાય તે માટે સૌથી પહેલાં કોંગ્રેસે પોતાનું ઘર વ્યવસ્થિત કરવું પડશે અને વિરોધ પક્ષોએ પણ વ્યવસ્થિત થવું પડશે અને પોતાનો સંયુકત ઉમેદવાર રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ઉતારવો પડશે. રાષ્ટ્રપ્રમુખપદની આગામી જુલાઇની ચૂંટણી વિરોધ પક્ષ ખાસ કરીને કોંગ્રેસને આ તક પૂરી પાડે છે.

રાષ્ટ્રપ્રમુખપદ અને રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં સૌથી મહત્ત્વનો મુદ્દો વિરોધ પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગીનો રહેશે. પ્રમુખપદના ઉમેદવાર કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી હોવા જોઇએ? અન્ય પક્ષ ઉપરાષ્ટ્રપ્રમુખપદ માટે કોંગ્રેસનો ઉમેદવાર પસંદ કરે તો કોંગ્રેસ રાષ્ટ્રપ્રમુખ પદ માટે અન્ય ઉમેદવારને ટેકો આપવા સંમત થશે? આ બધા મુદ્દાઓનો સમાન હિત ધ્યાનમાં રાખી મળી-સમજીને ઉકેલ લાવવો પડશે; નહીં તો રાષ્ટ્રપ્રમુખપદ માટે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવામાં તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, આમઆદમી પક્ષ – આપ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ વગેરે અખાડા કરશે અને આની અસર ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પર પડશે.

પ્રાદેશિક પક્ષો, ખાસ કરીને તૃણમૂલ કોંગ્રેસ, આપ, વગેરે તો વડા પ્રધાનપદના અભરખા રાખે છે. વિરોધપક્ષો રાષ્ટ્રપ્રમુખપદ માટે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા તૈયાર નથી કારણ કે ૨૦૧૭ માં તેમણે શ્રીમતી મીરાં કુમારને ટેકો આપ્યો જ હતો. હવે કોંગ્રેસે બધે જ નિરાશાજનક દેખાવ કર્યો છે ત્યારે રાષ્ટ્રપ્રમુખપદના વિપક્ષી ઉમેદવાર અન્ય પક્ષમાંથી હોય – ઘટે એમ મનાય છે. કોંગ્રેસનાં પોતાનાં ઠેકાણાં કયાં છે? આવા તર્ક મોટે ભાગે ચાલતા નથી. વાસ્તવિકતા અને વ્યવહારુતા આધારિત નીતિ તર્ક પર સવાર થાય છે અને જયારે વિરોધ પક્ષની સામે મોદી જેવા ખંધા રાજકારણી હોય અને તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષ બેફિકર હોય.

આ સંજોગોમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રચેલી રાજકીય બાબતોની સમિતિ સહિતની ત્રણ સમિતિઓ પર ધ્યાન આપવું ઘટે. ઉદયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચિંતાના પરિપાકરૂપે સમિતિમાં સોનિયા પાછા મેદાને પડયા છે અને રાહુલ ઉપરાંત ગુલામનબી આઝાદ, અંબિકા સોની, દિગ્વિજયસિંહ આનંદ શર્મા જેવી પીઢ નેતાઓ છે. વિપક્ષો માટે સંદેશો એ છે કે સોનિયા જ કોંગ્રેસનું જહાજ ચલાવશે. તેમણે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – યુ.પી.એ.ને પણ સાચવી લીધું છે.
હવે આઝાદ અને તેના સાથીઓનું મહત્ત્વ વધશે અને તેઓ સંભવિતપણે પ્રાદેશિક પક્ષો સાથેના પોતાના સંબંધોનો કોંગ્રેસના હિતમાં ઉપયોગ કરશે.

૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી નજરમાં રાખીને રચાયેલું રાજકીય બાબતોનું જૂથ અત્યારે પક્ષમાં એકતા આડેના અવરોધો દૂર કરવામાં પ્રવૃત્ત છે અને વિરોધ પક્ષો સાથે મંત્રણા કરવા સગવડદાયક પરિસ્થિતિ રચવા પ્રયાસ કરે છે. ખાસ કરીને રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર માટેની એકતાના કેન્દ્રમાં કોંગ્રેસ રહેશે? રાજકીય બાબતોની સમિતિના નેતા તરીકે રહી સોનિયા ગાંધી પોતાને વધુ સ્વીકૃત બનાવી પક્ષને વિપક્ષી એકતાની ધરી બનાવવા માંગે છે? વિપક્ષી એકતાની સફર સહેલી નથી. રસ્તા પર ખાડા ટેકરા વધુ છે. કારણ કે વિપક્ષોમાં સમગ્ર ભારતમાં અસ્તિત્વ ધરાવતો પક્ષ કોંગ્રેસ જ છે છતાં કેટલાક પ્રાદેશિક પક્ષો માનશે નહીં.

આ સમગ્ર મથામણનાં કાળાં વાદળોમાં એક જ રૂપેરી કોર છે: રાષ્ટ્રપ્રમુખપદ માટેની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના એન.ડી.એ.ના ઉમેદવારને બિનહરીફ નહીં ચૂંટાવા દેવાની વિપક્ષોની અત્યારે દેખાતી મકકમતા. આવું થશે તો કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં વધુ શકિત સાથે ઊતરશે. વિરોધપક્ષોએ પોતાની ગાડી પાટા પર રાખવી હશે તો આ તક ઝડપી જ લેવી પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top