SURAT

સચિનમાં 4 પુત્રીનો પિતા કીશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

સુરત : શહેરના સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષની કીશોરી જે રીક્ષામાં (Auto) નોકરી (Job) પર જે આવ જાવ કરતી હતી તે રીક્ષાના ચાલકે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.

સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી હોજીવાલા ખાતે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. આ કીશોરી અબ્દુલ હમીદ હાસીમ મધિ (રહેવાસી-જુમ્મા મસ્જીદ ફળીયુ, લાજપોરગામ તા-ચૌર્યાસી) ની રીક્ષામાં આવજાવ કરતી હતી. કીશોરીના પરિવારે સચિન પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક અબ્દિલ હમીદની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ રીક્ષા ચાલકે કીશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને પછી તેને ઘરે મુકી ગયા પછીના સમયે પણ પીછો કરતો હતો. બાદમાં તેને ભગાડી ગયો હતો. રીક્ષા ચાલકને ચાર પુત્રી છે. અને બે પુત્રીઓના લગ્ન પણ થઈ ગયા છે. સચિન પોલીસે અપહરણનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સગીરાને ચોકલેટની લાલચે બાથરૂમમાં લઇ જઇને છેડતી કરનાર આરોપીને 5 વર્ષની સજા
સુરત : વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે 17 વર્ષિય સગીરાને ચોકલેટની લાલચ આપીને બાથરૂમમાં લઇ જઇ છેડતી કરનાર આરોપીને કોર્ટે તક્સીરવાર ઠેરવ્યો હતો અને 5 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો હતો. આ કેસની વિગત મુજબ વરાછા વિસ્તારમાં રહેતી એક મહિલા કચરો વીણવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત તા. 08-11-2021ના રોજ મહિલાની પાસે વધારે કચરાના પોટલા હોવાથી તેઓએ તેમની 17 વર્ષિય પુત્રીને બરોડા પ્રિસ્ટેજ પાસે બાથરૂમ નજીક ઊભી રાખીને એક પોટલો પોતાની સાથે લઇ ગયા હતા.

આ દરમિયાન તકનો લાભ લઇને મુળ અમરેલીના મોટાલીલાયા તાલુકાના ભોરીંગડા ગામના વતની અને સુરતમાં વરાછા માતાવાડી પાસે કમલપાર્ક સોસાયટીમાં રહેતો સંતોષ ઉર્ફે સંજય વિનુભાઇ ચૌહાણ સગીરાને ચોકલેટની લાલચ આપીને નજીકના બાથરૂમમાં લઇ ગયો હતો અને ત્યાં પોતાનું પેન્ટ ખોલીને સગીરાને ગુપ્તભાગ બતાવ્યો હતો. આ ઉપરાંત સંજયે સગીરાના કપડા કાઢીને તેણીના ગુપ્ત ભાગોએ પણ છેડતી કરી હતી. સગીરાએ રડારડ કરતા સંજયે તેણીનું મોંઢુ દબાવી દીધું હતું. આ દરમિયાન સગીરાએ વધુ જોરથી બુમો પાડતા આજુબાજુમાંથી લોકો આવી ગયા હતા અને સંજયને પકડી પાડ્યો હતો. આ સાથે જ વરાછા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સંજયની ધરપકડ કરી પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુરેશ પાટીલ દ્વારા દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી સંજયને તક્સીરવાર ઠેરવીને 5 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો હતો, આ ઉપરાંત ભોગબનનારને રૂા.50 હજાર વળતર આપવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ કરાયો હતો.

Most Popular

To Top