SURAT

સુરત: સાત મહિના પહેલા કામ કરતો કારીગર ગોડાઉનમાંથી 2.70 લાખના બેલ્ટ ચોરી ગયો

સુરત : કતારગામના (Katargam) વસ્તાદેવડી રોડ ઉપર સાત મહિના પહેલા કામ કરતો એક કારીગરે પોતાના બે મિત્રો સાથે મળીને બેલ્ટના (Belt) ગોડાઉનમાંથી રૂા.2.70 લાખની કિંમતના બેલ્ટ ચોરી જતા પોલીસ ફરિયાદ (Poliec Complaint) નોંધાઇ હતી. વેપારીની દુકાને ખરીદવા આવેલા બે ઇસમોએ બજારમાં તેઓના બેલ્ટ 20 રૂપિયા ઓછા ભાવે મળતા હોવાથી વેપારીએ સ્ટોક ચેક કર્યો ત્યારબાદ ચોરીની ઘટના બહાર આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજકોટના જેતપુરના બોરડી ગામના વતની અને સુરતમાં મોટા વરાછા ઋષિ બંગ્લોઝમાં રહેતા અશ્વિનભાઇ વ્રજલાલભાઇ દુધાત્રા મહિધરપુરાના સ્વાતી ચેમ્બર્સમાં ત્રિનેત્ર ટ્રેડીંગ નામથી બેલ્ટ તેમજ પોકેટનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત અશ્વિનભાઇ કતારગામની વસ્તાદેવડી રોડ ઉપર એક ગોડાઉન પણ ધરાવે છે. બે દિવસ પહેલા અશ્વિનભાઇની દુકાને બે ઇસમો આવ્યા હતા અને તેઓએ બેલ્ટ ખરીદવા માટે આવ્યા હતા.

બંને ઇસમોએ અશ્વિનભાઇને કહ્યું કે, તમારા આ જ બેલ્ટ બજારમાં 20 રૂપિયા સસ્તો મળે છે અને તમે વધુ ભાવ લો છો..? આ સાથે જ અશ્વિનભાઇએ પોતાના ગોડાઉનમાં જઇને તપાસ કરી હતી અને ત્યારે સ્ટોકમાં કેટલાક બેલ્ટના પાર્સલો ઓછા જોવા મળ્યા હતા. ત્યારબાદ અશ્વિનભાઇએ ભાગીદારો મારફતે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ફૂટેજમાં 7 મહિના પહેલા ગોડાઉનમાં કામ કરતો રફીકઅલી લીયાકતઅલી સૈયદ (રહે. લિંબાયત) ડુપ્લિકેટ ચાવી વડે ગોડાઉનનું શટર ખોલતા નજરે પડ્યો હતો, અને થોડીવાર બાદ થ્રી-વ્હીલર ટેમ્પોમાં જયેશભાઇ તેમજ અન્ય એક ઇસમ ત્રણેય મળીને બેલ્ટના પાર્સલો ટેમ્પોમાં મુકતા હતા. બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ભેસ્તાન બસ ડેપોની ઓફિસમાંથી કંડક્ટર કલેક્શનના 1.95 લાખ ચોરી ગયો
સુરત : સિટી લિંક લિમિટેડના ભેસ્તાન ડેપોમાં આશરે છ મહિનાથી કડંક્ટર તરીકે નોકરી કરતા મિતેશ ભિકનરાવ પવાર ઓફિસનો કેમેરો નીચો કરી ઓફિસમાં પ્રવેશ કરી કલેક્શનના રૂપિયા ૧.૯૫ લાખ ચોરી કરી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા વધારે તપાસ હાથ ધરાઈ છે.
ડિંડોલી ખાતે લેક સિટી કરાડવા ગામના તળાવની પાસે રહેતા ૩૦ વર્ષીય ધર્મેશ વિનોદભાઇ ભાવસાર સુકાની એચ.આર.મેનેજમેન્ટ પ્રા.લિ. માં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ કંપની સુરત સિટી લિંક લિમિટેડના સિટી બસમાં ફેર કલેક્શનની કામગીરી કરે છે. તેમની ઓફીસ નાનપુરા ખાતે આનંદ હોસ્પિટલની બાજુમાં પોર મોહલ્લામાં આવેલી છે. હાલ ધર્મેશ ભેસ્તાન ખાતે આવેલી સુરત સિટી લિંક લિ.ના બસ ડેપોમાં ડેપો સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમની ઓફિસમાં કંપની તરફથી યોગેશ નીગોટ તથા વિજય સાલુંકે કામ છે. જેઓ કલેક્શન કરવામાં મદદ કરે છે. ભેસ્તાન બસ ડેપોમાં સિટી લિંકની ૭૨ બસો ચાલે છે. જેમાં બંને શિફ્ટના થઇ કુલ ૧૪૪ કંડક્ટર નોકરી કરે છે. બંને શિફ્ટના કંડક્ટરનું કલેકશન રાત્રે નવથી સાડા બાર સુધીમાં જમા કરાવી જાય છે. ગત ૭ ઓક્ટોબરના રાત્રે કુલ ૧.૯૫ લાખનું કલેક્શન એક પ્લાસ્ટિકની બોરીમાં મૂકી બોરી ટેબલના ખાનામાં રાખી લોક કરી ગયા હતા. ચાવી ધર્મેશના ખિસ્સામાં મુકી અને તેની સાથેના બે કર્મચારી ઓફીસ વર્ક કરી સુઇ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે આશરે સાડા પાંચ વાગે ત્રણેય જાગી ગયા હતાં. બસ ડેપો પર રહેલા બસોમાં કડંક્ટર ચડાવી બસો રવાના કરી હતી. ધર્મેશે ખાનુ ખોલતા ટેબલના ખાનામાં મુકેલા પૈસાની થેલી ગાયબ હતી. મેનેજર મહેન્દ્રભાઇ જાવરે તથા ભાવિકભાઇને ફોન કરી ચોરીની જાણ કરી હતી. ઓફીસની બહાર ગેટ પર લાગેલા સી.સી.ટી.વી કેમેરાના વિડીયો ફૂટેજ જોતા કંપનીમાં કંડક્ટર તરીકે નોકરી કરતા મિતેશ ભિકનરાવ પવાર (રહે.પ્લોટ નં.બી/૮૩ ઉમિયાનગર નવાગામ ડિંડોલી) રાત્રીના ત્રણ વાગે ભેસ્તાન ડેપો પર આવ્યો હતો. અને ઓફિસની બહા૨ લાગેલો સી.સી.ટી.વી કેમેરો નીચો કરી ઓફીસમાં પ્રવેશ કર્યો હતો. આશરે ૧૦ મિનીટમાં પૈસાની થેલી ચોરી કરી હાથમાં લઇ ઓફીસની બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેના આધારે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top