SURAT

સચીનની રૂદ્રાશ સિન્થેટિક્સના ડિરેક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, ફેક્ટરીમાંથી આ પ્રતિબંધિત વસ્તુ મળી

સુરતઃ સુરત જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માં રેડ કરતા 350 કિલો(અંદાજિત કિ. રૂ.૨૦૭૨)નો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ખેતી અધિકારી દ્વારા કંપનીના બે ડિરેકટરો વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • સચીન જી.આઈ.ડી.સી. વિસ્તારની રૂદ્રાક્ષ સિન્થેટીકસ પ્રા.લી.માંથી 350 કિલોનો નીમકોટેડયુકત સબસીડીયુકત ખાતરનો જથ્થો મળી આવ્યો હતો
  • કંપનીના બે ડિરેકટરો મિતુલ મહેતા અને નિલેશ વસાવૈ વિરૂધ્ધ સચીન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. ૨૪/૧૨/૨૦૨૨ના રોજ સંયુકત ખેતી નિયામકની સુચનાના આધારે સચીન GIDC ખાતે પ્લોટ નં. ૫૫૩૫, રોડ નંબર ૫૫, સચીન જી.આઇ.ડી.સી.ખાતે આવેલી રૂદ્રાક્ષ સિન્થેટિક્સ પ્રા.લી.માં ખેતીનિયામક કચેરીના અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીમાં કલર સ્ટોરની અંદર GNFC કંપની દ્વારા ઉત્પાદિત ૪૫ કિલો ભરતી વાળી કંપની પેકિંગમાં ટેકનિક્લ યુરિયાની ૧૨ બેગ જોવા મળી હતી. બેગો ઉપર લાલ રંગના ચોરસ પટ્ટા દોરેલા જેમાં સફેદ રંગથી “TECTINICAL URELA બંન્ને બાજુ પ્રીન્ટ હતી તેમજ બેગ ઉપર કાળા આકારમાં TECHNICAL GRADE UREA FOR INDUSTRIAL USE ONLY પ્રિન્ટ તથા નીચે લાલ રંગમાં GNFC કંપનીની લોગો અને નામ પ્રિન્ટ હતી.

વધુમાં કલર સ્ટોરમાં એક નાના કાળા રંગની પ્લાસ્ટીકની પીપ જેની ક્ષમતા અંદાજીત ૫૦ કિલો ખોલતા પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા (એક K″ ની આશરે કિંમત રૂપીયા ૫.૯૨) હોવાનું જણાયું હતું. કલર સ્ટોરની વધુ તપાસ કરતા બીજા પ્લાસ્ટીકના આવા જ પ્રકારના કુલ નંગ-૨૪ પીપો જોવા મળ્યા હતા. જેને એક પછી એક ખોલતા કાળા રંગના પ્લાસ્ટીકના પીપ કુલ નંગ-૮ માં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ખેતવપરાશ માટેના સરકાર દ્વારા આપવામાં આવતાં સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાનું જણાયું હતું.

સબસીડીયુક્ત નીમકોટેડ યુરિયા હોવાની શંકાના આધારે તમામ નવ જેટલા નમુનાઓ બારડોલીની રાસાયણિક ખાતરની પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે તમામ નમુનાઓ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ પૃથક્કણ અહેવાલો નીમ કોટેડ યુરીયા ટેસ્ટમાં પોઝીટીવ જાહેર થતા સરકારના સબસીડીયુકત ખેતવપરાશન અંગેનું નીમકોટેડ યુરીયા ખાતર હોવાનું ફલીત થયું હતું.

આ અંગે તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ રૂદ્રાક્ષ સિન્થેટિકસ પ્રા.લી.ને કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં કંપનીના ડિરેકટર મિતુલ મહેતાએ પૃથ્થકરણ અહેવાલો સાથે સહમત ન હોવાનું જણાવીને રીએનાલીસીસની માંગણી કરી હતી. જેથી આ સેમ્પલ ખેતી નિયામકદ્વારા એનાલીસીસ માટે પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં આઠ નમુનાઓમાં નીમ ઓઈલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું.

જેથી સુરત સીટીના ખેતી અધિકારી વિશાલ કોરાટે આ અંગે તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં રૂદ્રાક્ષ સિન્થેટીકસ ડિરેકટર મિતુલ મહેતા તથા નિલેશભાઈ વિસાવે વિરૂધ્ધ સરકારના સબસીડીયુકત નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે ગેરકાયદેસર વપરાશ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ સચીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર ડી.કે.સોલંકી કરી રહ્યા છે.

Most Popular

To Top