Dakshin Gujarat

સુરતથી માસમા જતા પોલીસ જમાદારના પુત્રને ત્રણ શખ્સોએ રસ્તા પર અટકાવી ઢોર માર માર્યો

સાયણ: સુરતના (Surat) ડીઆરબી કોલેજમાં (DRB College) ભણતો 19 વર્ષીય યુવક રવિવારે પોતાના ઘરે માસમા (Masma) જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યાઓએ તેની કારનો (Car) પીછો કરી તેને જબરદસ્તી અટકાવી ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવક પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે.

હજીરાના જમાદારના પુત્રની સ્વીફ્ટ કારને ઘેરી લઈ જબરદસ્તી અટકાવી માર્યો, પિતા પોલીસમાં હોવાનું કહ્યું ત્યારે હુમલાખોરો ભાગી ગયા

ઓલપાડ તાલુકાના માસમા ગામે પાંચ નંબરના મધુવન બંગ્લોઝમાં રહેતા કિરણભાઇ શાલીગ્રામ પાટીલ હાલ હજીરા અદાણી પોર્ટ ઉપર કસ્ટમ વિભાગમાં એ.એસ.આઈ.તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર જયદીપ પાટીલ(ઉં.વ.૧૯) સુરત શહેરના વેસુ ખાતેની ડી.આર.બી.કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરે છે.

ગત રવિવાર તા.૩૦ મી જુલાઈના રોજ જયદીપ પાટીલ તેની સ્વીફ્ટ કાર નં.જીજે-૦૫,આરઈ- ૨૧૨૨ હંકારી રાત્રે-૧૧ કલાકના સુમારે સુરતથી માસમા ગામે ઘરે જઈ રહ્યો હતો ત્યારે સરોલી બ્રીજ રોડ પરથી ઉતરતી વખતે એફ.ઝેડ.સિરીઝ નંબરની એક બાઇક ઉપર બે અજાણ્યા ઇસમોએ કાર સામે બાઈક લાવી કારને ઉભી રાખવા ઇશારો કર્યો હતો.

જયદીપ પાટીલે બાઈકને ઓવરટેક કરી કાર હંકારી તળાદ પેટ્રોલ પંપ પાસે આવ્યો ત્યારે ત્યાં રોડ ઉપર ઉભી રહેલr હોન્ડા અમેઝ કારના ચાલકે પણ તેની કાર ઉભી રાખવા ઇશારો કર્યો હતો પરંતુ તેણે કાર ઉભી ન રાખતા માસમા ગામ નજીક સિધ્ધેશ્વરી બંગ્લોઝ સામેના રોડ ઉપર ઘેરી હતી. જેથી તે સમયે જયદીપ પાટીલે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર રોડના ડીવાઇડર સાથે અથડાવી કારમાં જ બેસી રહ્યો હતો.

જયદિપે કારનો દરવાજો અને કાચ ન ખોલતા અમેઝ કારનો ચાલક સ્વીફ્ટ કારની બોનેટ ઉપર ચઢ્યો અને લાત મારી કાચ તોડી ત્રણે ઈસમોએ કારમાંથી જયદીપને બહાર આવવા કહ્યું હતું. તેમ છતાં જયદીપ કારના દરવાજાનો લોક કરી બેસી રહેતા આ ત્રણે શખ્સોએ જયદીપના વાળ ખેંચી, ગંદી નાલાયક ગાળો બોલી તેની સાથે મારા-મારી કરી ધમકી આપી હતી.

‘આજે તો તને પતાવી જ દઈશું..’, એવું કહી ઝપાઝપી કરી હતી. દરમ્યાન જયદીપ પાટીલે ગળામાં પહેરેલી સોનાની ચેઈન પણ તૂટી જતા ક્યાંક પડી ગઈ હતી. જો કે તે સમયે જયદીપે આ શખ્સોને કહ્યું હતું કે, ‘મારા પિતા પોલીસમાં છે’. જેથી ત્રણે શખ્સો ત્યાંથી કાર અને બાઇક લઇ ફરાર થઈ ગયા હતા.

પિતા કિરણ પાટીલને ફોન કરતા તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ મામલે જયદીપ પાટીલે બીજા દિવસે ઓલપાડ પોલીસ મથકમાં તળાદ ગામના ત્રણે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ત્રણે શખ્સો વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ મથકના હે.કો.પ્રિયંક નટવર આહિર કરી રહ્યા છે.

Most Popular

To Top