ગાંધીનગર,
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેશે.
કેબીનેટ પ્રવકત્તા અને સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ સોમનાથ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહયું હતું કે અનેક આક્રમણો છતાં સોમનાથ મંદિર આસ્થા અને અસ્મિતાનું અડગ પ્રતિક બનીને ઉભું રહ્યું છે. તેમણે જણાવ્યું કે, 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી અને હવે તેના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી 11 મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પહોંચશે. ત્રિવેણી હેલિપેડથી વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી લગભગ એક કિલોમીટરનો રોડ શો યોજાશે, જેમાં 12 જ્યોતિર્લિંગના બેકડ્રોપ સાથે વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ અને લોકનૃત્યો રજૂ કરવામાં આવશે. માર્ગ દરમિયાન લોકો વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરશે.મંદિર પરિસરમાં ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત વેશભૂષામાં વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે. સાથે જ બંગાળી પરિવારો પણ પરંપરાગત અંદાજમાં આવકાર આપશે. વડાપ્રધાનશ્રી મંદિર ખાતે કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે.
આ પ્રસંગે ભારતીય વાયુસેનાની ઈન્ડિયન એરફોર્સની ‘સૂર્યકિરણ’ ટીમ દ્વારા વિશેષ એર-શો યોજાશે તેમજ મંદિર પરિસરમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. ઉપરાંત 75 વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ એક્ઝિબિશન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મંદિર પરિસરના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ વડોદરા ખાતે જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.
વાઘાણીએ તાજેતરના રાજકીય પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, દેશના ત્રણ રાજ્યોમાં ભાજપને મળેલી જીત વિકાસની રાજનીતિ પર લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે પશ્ચિમ બંગાળમાં પ્રાપ્ત થયેલી જીતને “આઝાદી બાદની બીજી આઝાદી સમાન” ગણાવી હતી.તેમણે આશા વ્યક્ત કરી હતી કે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવનો અનોખો અનુભવ બની રહેશે.