Gujarat

ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે: નરેન્દ્ર મોદી

ભરૂચ: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભરૂચના (Bharuch) આમોદથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ.૮ર૦૦ કરોડથી વધુનાં વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યાં હતાં, જેમાં જંબુસરમાં અંદાજે રૂ.૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વપ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત, અંકલેશ્વર એરપોર્ટ ફેઝ-૧ કામગીરીનું ખાતમુહૂર્ત સહિત અનેક કામો માટે વિકાસની વધુ એક વધુ ભેટ આપી છે.

વડાપ્રધાન દ્વારા ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્ર અને નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.૭૦.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચના વાલિયા, છોટા ઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને બનાસકાંઠાના અમીરગઢમાં રૂ. ૧૨૭.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક, વલસાડ જિલ્લાના કઠવાડી-દાંતી ખાતે રૂ.૮૯.૯૮ કરોડના ખર્ચ આકાર લેનાર સી-ફૂડ પાર્ક તથા મહિસાગરના ખાંડીવાવ ખાતે રૂ.૧૭૬.૯૪ કરોડના ખર્ચે સ્થપાનાર એમએસએમઇ પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. ભરૂચ શહેરમાં રૂ.૧૧૭.૫૩ કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી., રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ.૩૧૫ કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, જૂના જમાનામાં એક સમયે ભરૂચ ખારીશીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિનાં સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમોર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટ્વીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે. આજે ગુજરાત ખેતી, ઉદ્યોગો, કોસ્ટલ લાઈન, બંદરો, સમુદ્રી વ્યાપારથી ધમધમતું થયું છે, અને બે દશકામાં ગુજરાત સર્વાંગી વિકાસ સાથે ગુણાત્મક પરિવર્તનનું સાક્ષી બન્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશના કુલ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત ૨૫ ટકો હિસ્સો ધરાવે છે એ રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. દવા ઉત્પાદનમાં અગ્રેસર ગુજરાતે કોરોના કાળમાં દેશની મોટી સેવા આ દવાઓ-વેક્સિન મારફત કરી છે તેને પણ વડાપ્રધાને બિરદાવી હતી. વર્ષ-૨૦૧૪માં ભારતની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં દસમા ક્રમે હતી તે આજે ઈંગ્લેન્ડને પાછળ રાખી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. ભારત ઉપર ૨૫૦ વર્ષ સુધી શાસન કરનારો દેશ આજે પાછળ રહી ગયો છે. આટલી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાનો શ્રેય દેશના નાના-મોટા સર્વ ઉદ્યમીઓને જાય છે.

PM મોદીએ આદિવાસી બાંધવોને જણાવ્યું હતું કે, વીસ વર્ષ પૂર્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવવા માટે પણ વલખા મારવા પડતા હતા એવી વિકટ સ્થિતિ હતી. અને પેટનો ખાડો પૂરવા કાળી મજૂરી અને લોકોએ હિજરત કરતા હતા. જો કે, અમારી સરકારે ભલભલા ખેરખાંઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે, આ શાંતિનો લાભ તમામ લોકોને મળ્યો છે. તેના કારણે માતાઓના મને ભરપૂર આશીર્વાદ મળ્યા છે.

સરદાર સરોવર પ્રોજેક્ટની માફક ભરૂચના ભાડભૂત બેરેજને અટકાવવાની સાજિશના અર્બન નકસલીઓના ભૂતકાળના પ્રયાસો ગુજરાતની સમજદાર જનતા ક્યારેય સફળ નહીં થવા દે એવું પણ વડાપ્રધાને સાફ શબ્દોમાં અંગુલીનિર્દેશ કર્યો હતો. દેશનાં અનેક રાજ્યોમાં નકસલવાદનાં દુષ્પરિણામો આપણે જોયાં છે. પરંતુ ગુજરાતમાં ઉંમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ, રોજગાર, પાણી જેવી પાયાની સુવિધાઓ આપી આદિવાસી યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળ થયા છીએ તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરી આ દિવાળીના પર્વે સ્વદેશી આતશબાજીની ખરીદી કરીને ગરીબ કારીગરોના ઘરોમાં ઉજાસ ફેલાવવા અને બારેય મહિના ફટાકડાની ચમકારા સમાન આગવી ચમકની તેમને ભેટ આપવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં રૂ.૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્ક ડ્રગ પાર્ક ૨૦૦૦ એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો અને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતો ઔદ્યોગિક પાર્ક બનશે. રાજ્ય સરકારે આ પાર્ક માટે રૂ.૪૫૦ કરોડ જેટલી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક થકી સ્થાનિક વિસ્તાર સહિત ગુજરાતને વડાપ્રધાનએ મોટી સોગાદ આપી છે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નાણામંત્રી કનુ દેસાઈ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, GIDCના એમ.થેન્નારસન, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.

Most Popular

To Top