Columns

ખુશીને પૂછીએ પ્રશ્ન

એક દિવસ લાગણીઓની સભામાં બીજી બધી લાગણીઓએ ખુશીની ઈર્ષ્યા કરતાં કટાક્ષભર્યો પ્રશ્ન કર્યો, ‘ખુશી બધા જ તને મેળવવા માંગે છે, તને જ ભોગવવા ઈચ્છે છે અને તેમ છતાં હકીકત છે કે તું જલ્દી કોઈને હંમેશ માટે મળતી નથી.આવું કેમ કરે છે.લોકો જેટલા વધુ ને વધુ તને મેળવવાની કામના કરે છે તું એટલી વધારે દૂર જાય છે. શું કામ આવું અભિમાનભર્યું વર્તન કરે છે.’ ખુશી ધીમેથી ઊભી થઈ. પોતાની બાજુ સમજાવવા માટે એકદમ ધીમા અવાજમાં બોલી, ‘હું ખુશી છું…એક એવી લાગણી જેને બધા મેળવવા ઈચ્છે છે.પણ મને મેળવવા આંખ બંધ કરી દોડતા લોકો જાણતા નથી કે મારી પાછળ દોડવાથી હું નહિ મળું કારણકે હું કંઈ સ્પર્ધાનું અંતિમ બિંદુ કે ઇનામ નથી જેને તમે જીતી શકો.સતત મને કોઈ પણ ભોગે મેળવી લેવાની ઈચ્છા રાખતા લોકો જાણતા નથી કે મને મેળવી નહિ શકો કારણ કે હું કોઈ વસ્તુ કે પદાર્થ નથી, જેને તમે ખરીદી શકો.એક વાર મને મેળવી લઈને પોતાની કરી લેવાનો માલિકીભાવ ધરાવતા લોકો જાણતા નથી કે હું કંઈ સોના ચાંદી ઝવેરાત કે પૈસા નથી, જેને તમે તિજોરીમાં મૂકી શકો.’ નફરત બોલી, ‘ખુશી, આમ અઘરી પહેલી જેવી વાતો ન કર.કબૂલ કર કે બધા તને મેળવવા ઈચ્છે છે એટલે તને અભિમાન આવી ગયું છે. તું ભાવ ખાય છે અને આવું અઘરું અઘરું બોલી પોતાની કિંમત વધારી રહી છે.’

ખુશી હસી અને બોલી, ‘હું મારી કોઈ કિંમત વધારી નથી રહી.મારી કિંમત તો દરેક જણ પોતે જ નક્કી કરે છે અને જે કિંમત નક્કી કરે તે હું માન્ય જ રાખું છું અને હું તો કોઇથી દૂર નથી હું તો બધાના હદયમાં બધી લાગણીઓ સાથે બેઠી જ છું. જરૂર છે માત્ર મારો સાચો અનુભવ કરવાની.જે મનુષ્ય દરેક ઘડી સાચા પ્રેમ, સ્નેહ, કૃતજ્ઞતા, સાથે વિતાવે છે હંમેશા હું તેની સાથે જ રહું છું.જેને ખુશ રહેવું છે તે સતત દોડવાનું છોડી જરા સ્થિર થઈ પ્રેમ, દયા, અનુકંપા રાખે. હું તરત મળી જઈશ.મને મેળવવાની આશા રાખતા લોકો જરા બીજાને ખુશીની એક ક્ષણ આપે. હું તેને તરત મળી જઈશ.પોતે ખુશી મેળવી લેવા કરતાં બીજાના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ જે કરશે તેનો સાથ હું ક્યારેય નહિ છોડું.જો તમારે ખુશ રહેવું છે તો દયા અને કરુણા બધા પ્રત્યે રાખો અને જો તમારે બધાને ખુશ રાખવા છે તો પણ દયા, પ્રેમ, કરુણા રાખો તો હું ઢગલાબંધ મળીશ.’ ખુશીએ સમજાવ્યું.ખુશ રહેવા અને ખુશી મેળવવા અન્યને ખોબો ભરી ખુશી આપો અને ઢગલાબંધ ખુશી મેળવો.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top