Science & Technology

પ્લાસ્ટિકના કચરામાંથી આવી વસ્તુ પણ બની શકે? ઇંજીનિયરોએ આશ્ચર્યમાં મુકી દીધાં

આજે પ્લાસ્ટિક પ્રદૂષણની (Plastic pollution) સમસ્યા (Problem) સમગ્ર વિશ્વની સામે એક મોટો પડકાર બની ગઈ છે. આનો સામનો કરવા માટે ઘણા દેશોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ પણ લગાવ્યો છે. આ સાથે દુનિયાભરના (Worldwide) વૈજ્ઞાનિકો પુનઃ ઉપયોગ (Reuse) થઈ શકે તે માટે અનેક પ્રકારની ટેકનોલોજી (Technology) વિકસાવી રહયા છે. તેવામાં યુનિવર્સિટી ઓફ પુડુચેરી (University of Puducherry) ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી ત્રણ સીટવાળી ખુરશીનું એટલે કે એક બેન્ચનું (bench) નિર્માણ કર્યું છે.

  • પ્લાસ્ટિકના કચરામાંથી ત્રણ સીટવાળી ખુરશીનું એટલે કે એક બેન્ચનું નિર્માણ કરાયું
  • આ બેન્ચને બે દિવસીય વર્કશોપમાં લોન્ચ કરવામાં આવી હતી
  • આ શોધ ખરેખર પ્લાસ્ટિકના કચરામાંથી છુટકારો મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે

આજના યુગમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે – જેમ કે પ્લાસ્ટિકની બોટલ, રેપર, સ્ટ્રો, કેરી બેગ વગેરે. લોકો તેનો ઉપયોગ કરીને તેને ફેંકી નાંખે છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે, કારણ કે તેને નાશ પામવા માટે ઘણા વર્ષો લાગી જાય છે. પ્લાસ્ટિકમાં રહેલા ઝેરી રસાયણો માનવ હોર્મોન્સને બદલી શકે છે. તેની સાથે તે પાણી પણ બગાડે અને દરિયાઈ જીવોના જીવન માટે પણ જોખમરૂપ બની જાય છે. પ્લાસ્ટિકના પ્રદૂષણને રોકવાની સૌથી મોટી રીતોમાંની એક રિસાયક્લિંગ છે. યુનિવર્સિટી ઓફ પુડુચેરી ખાતે સ્થિત સેન્ટર ફોર પોલ્યુશન કંટ્રોલ એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગએ (CPCEE) પ્લાસ્ટિકના કચરામાંથી ત્રણ સીટવાળી ખુરશીનું એટલે કે એક બેન્ચનું નિર્માણ કર્યું છે.

સીપીસીઇઇએ આ બેન્ચના ઉત્પાદનમાં પ્લાસ્ટિકના કચરા જેવા કે બોટલ, રેપર, કરી બેગ, સ્ટ્રો, બ્રશ, કવર વગેરેનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે આ કચરો યુનિવર્સિટી કેમ્પસમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્લાસ્ટિકના કચરા સિવાય આ બેન્ચને મલ્ટી લેયર પેકેજિંગ અને રેતીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ પ્રયોગ માટે સીપીસીઇઇ અને મેટ્રો ગ્રુપની કંપનીઓએ સાથે મળીને કામ કર્યું હતું. ઇંજીનિયરોએ પહેલા કચરો એકઠો કરી તેમાંથી પ્લાસ્ટિકનો કચરો અલગ કર્યો. ત્યારબાદ તેને ધોયા પછી પેલેટ કર્યો અને અંતે બેન્ચના ઉત્પાદન માટે થર્મલ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. સીપીસીઇઇના ઇંજીનિયરોનું કહેવું છે કે આ પ્રકારનું રિસાયક્લિંગ પ્લાસ્ટિકનું આયુષ્ય વધારે છે અને તે સમુદ્રમાં ઓછા અંશે પ્રદૂષણ ફેલાવે છે.

આ બેન્ચને તાજેતરમાં સીપીસીઇઇ અને રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ અને રમત મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય વર્કશોપમાં લોન્ચ કરવામાં આવી હતી. આ વર્કશોપ દરમિયાન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોટેક્ટીંગ ધ એન્વાયર્નમેન્ટ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ શોધ ખરેખર પ્લાસ્ટિકના કચરામાંથી છુટકારો મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Most Popular

To Top