બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દરભંગામાં કોંગ્રેસ, આરજેડી અને સપા પર તીખા પ્રહારો કર્યા. તેમણે રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવને નિશાન બનાવીને INDI ગઠબંધનને “ત્રણ વાંદરાઓ” ગણાવ્યા.
દરભંગાના કેઓટી વિસ્તારમાં યોજાયેલી આજ રોજ તા. 3 નવેમ્બર સોમવારે જાહેર રેલીમાં યોગી આદિત્યનાથે ભાજપ ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ, આરજેડી અને સપા ત્રણેય રામ વિરોધી પાર્ટીઓ છે.
યોગીએ યાદ અપાવ્યું કે કોંગ્રેસે રામના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. આરજેડીએ રામ મંદિર રથયાત્રા રોકી હતી અને સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં રામભક્તો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે “જે રામનો વિરોધ કરે છે. તે આપનો પણ વિરોધી છે.
યોગીએ મહાગઠબંધન પર કટાક્ષ કરતાં કહ્યું “ગાંધીજીના ત્રણ વાંદરાઓ ખરાબ ન બોલવા, ખરાબ ન સાંભળવા અને ખરાબ ન જોવાની પ્રેરણા આપતા હતા. પરંતુ આજના ત્રણ વાંદરાઓ પપ્પુ, ટપ્પુ અને અપ્પુ ખોટું બોલે છે, ખોટું સાંભળે છે અને ખોટું જ જુએ છે. પપ્પુ (રાહુલ) સારી રીતે બોલી શકતો નથી, ટપ્પુ (તેજસ્વી) સત્ય જોઈ શકતો નથી અને અપ્પુ (અખિલેશ) સત્ય સાંભળી શકતો નથી.”
યોગીએ આરોપ મૂક્યો કે આ ત્રણેય નેતાઓ બિહારમાં માફિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને રાજ્યની સુરક્ષાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ જ્યારે પણ સત્તામાં આવે છે. ત્યારે બિહાર સળગવા લાગે છે.