Business

પાલ કોટનની રોમાંચક ચૂંટણી: ખેડૂત સમાજના પ્રમુખને ચોર્યાસી ડેરીના પ્રમુખે જોરદાર ટક્કર આપી

સુરત: ધી પાલ ગ્રુપ કો.ઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિ.(પાલ કોટન મંડળી, જહાંગીર પુરા)ની 20 પૈકીની 13 બેઠકો માટે જહાંગીરપુરા જિનમાં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી ભારે ખેંચતાણ અને રોમાંચ વચ્ચે ઊંચુ મતદાન થયુ હતુ.

વર્ષોથી પાલ કોટન મંડળી (ના પ્રમુખપદે સત્તા ભોગવનાર જૂના જોગી અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકરલાલ પટેલ(પાલ)ને હરાવવા માટે તાલુકા અને જિલ્લા સ્તરના ભાજપના તમામ આગેવાનોએ એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. જયેશ પાલના એકચક્રીય શાસનને ટક્કર આપવા માટે છેલ્લા આઠ વર્ષથી ચોર્યાસી ડેરીના પ્રમુખ અને ભેંસાણ કોળી પટેલ સમાજની વાડીના પ્રમુખ નરેશ રણછોડ પટેલને ભાજપા સમર્થિત પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમની ઉમેદવારીને લીધે સીટી વિસ્તારમાં આવેલા પાલ-અડાજણ, છાપરાભાઠા, સરોલી અને ચોર્યાસી તાલુકાના શહેરી વિસ્તારમા આવેલા મતદારોએ નરેશ પટેલના સમર્થનમાં વ્યાપક મતદાન કરતા ચૂંટણી રોચક બની હતી.

શહેરી વિસ્તારમાં આવેલી બેઠક પાલ, પાલનપોર, લિમલામાં થયેલા 269 મતના કુલ મતદાનમાંથી નરેશ પટેલને 215 જ્યારે જયેશ પાલને 49 મત મળ્યા હતા. એવીજ રીતે ભેંસાણ-છાપરાભાઠા બેઠક પર નરેશ પટેલને 165 અને જયેશ પાલને 90 મત મળ્યા હતા. તે ઉપરાંત ઓલપાડ તાલુકાના તેનારાંગ, ઘનસેર, છીણી, ડભારી અને મોર બેઠક પર પડેલા 323 મતોમાંથી 206 મત નરેશ પટેલને અને 101 મત જયેશ પાલને મળતા આ બે બેઠકોની જંગી લીડને પગલે નરેશ પટેલ છેલ્લા રાઉન્ડમાં નરેશ પટેલે 37 મતની લીડ લીધી હતી. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ગામોના આધારે વર્તમાન પ્રમુખ જયેશ પાલે ચૂંટણી જંગમાં ઝંપલાવી શહેરી વિસ્તારમાં પ્રચાર કર્યો નહતો. તેનો દેખીતો લાભ ભાજપના સંગઠનના આધારે નરેશ પટેલને મળ્યો હતો. જોકે ચૂંટણી પહેલા જ નરેશ પટેલે દાવો કર્યો હતો કે પાલ, કવાસ- ભાટપોર- લીમલા, વેલુક, નરથાણ, અડાજણ, છાપરાભાઠા, અનુ.જાતિ- અનુ.જનજાતિ અને ચોર્યાસી તાલુકાની ગામોની મહિલા અનામત બેઠકો પર તેમની પેનલના સાત ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે 13 બેઠકો માટે મતદાન થયુ હતુ. નવમા રાઉન્ડના અંતે નરેશ પટેલ, જયેશ પાલ સામે 37 મતોની લીડથી આગળ રહ્યા હતા.

જહાંગીરપુરા જીનમાં વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જામ્યો
પાલ-કોટનની ચૂંટણીમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ અને જિલ્લાના જૂના જોગી એવા સહકારી આગેવાન જયેશ પટેલ( પાલ)ને ચૂંટણીમાં પરાજિત કરવા ભાજપના ધારાસભ્યો, સહકારી આગેવાનો, કોર્પોરેટરો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિતની ફોજ ઉતારી દેવામાં આવતા તેનો દેખાવ પરિણામમાં જોવા મળ્યો હતો. મોટાભાગે એક તરફે રહેતી ચૂંટણી કટોકટ બની હતી. ભાજપે ચોર્યાસી ડેરીના ચેરમેન એવા કદાવર અગ્રણી નરેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતારતા જયેશ પાલને મત મેળવવા ગામે ગામ પ્રચાર કરવો પડ્યો હતો.

આ વખતની ચૂંટણીમાં સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ તેમની સાથે ન હોવાથી તેમને મતદારોના સમર્થનમાં મોટો ફટકો પડ્યો હતો. જયેશ પાલ તરફે દર્શન નાયક અને ખેડૂત સમાજના અગ્રણી રમેશ ઓરમાએ મોર્ચો સંભાળ્યો હતો.

Most Popular

To Top