Surat Main

સુરતમાં ગણેશ મંડળો માત્ર 10×10નો મંડપ અને 4 ફૂટની નાની પ્રતિમાની સ્થાપના કરવાની રહેશે

સુરત : કોરોનાકાળ (Corona pandemic)ના દોઢ વર્ષ બાદ હવે ધીમે ધીમે કોરોનાની અસરમાંથી લોકો બહાર આવી ગયા છે. રાજ્યમાં કોરોનાનો કહેર પણ એકદમ ઘટી ગયો છે. ત્યારે સરકારે નિયત કરેલી ગાઇડ લાઇન (Guideline)ના પાલન સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ (Ganesh utsav)ની ઉજવણી માટે છુટ આપી હોય સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ શહેરમાં ગણેશ ઉત્સવ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સમિતિના સંચાલકોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગણેશોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાની પરવાનગી આપવા સાથે સુરતમાં પણ પોલીસ કમિશનર દ્વારા નિયત કરાયેલી ગાઈડલાઈન મુજબ જ ઉજવણી કરવાની પરમિશન અપાશે. તેમજ શહેરમાં ગણેશ મંડળો દ્વારા માત્ર દસ બાય દસનો મંડપ અને ૪ ફૂટની નાની પ્રતિમાની સ્થાપના (ganesh sthapna) કરવાની રહેશે. જો કે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ત્રીજી લહેર આવે તો ગાઈડલાઈન બદલાઈ પણ થશે છે તેવી પણ ભીંતી વ્યકત કરી હતી. તેમજ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની પ્રતિમાઓને પ્રોત્સાહન આપવા માટે ૧૫૦૦ રૂપિયાની પ્રતિમા ૯૦૦માં આપવાનું જાહેર કરાયું છે. તેની સાથે માટીનું કુડું અપાશે. તેમાં તુલસીના બીજ માટીમાં નાંખેલા હશે. જેથી જે ભક્તો ઘરે કે સોસાયટીમાં વિસર્જન કરશે, કુંડામાં તુલસીનો છોડ આપોઆપ ઉગવા લાગશે.

સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિ પ્રમુખ અંબરીશાનંદજી, સાધુ સમાજના મહંત બટુકગીરી, મહંત સીતારામદાસ, લક્ષ્મણજ્યોતિ મહારાજ અને અભય મહારાજની ઉપસ્થિતમાં જણાવાયું હતું કે, પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ગણેશ ઉત્સવની ઉજવણી માટે મંજુરી માંગવામાં આવી છે. સમિતિ દ્વારા ગણેશ મંડળોને માત્ર ૧૦ બાય ૧૦થી મોટો મંડપ નહીં બનાવવા, ૪ ફૂટ કે તેથી નાની પ્રતિમા સ્થાપિત કરવા, માટીની મૂર્તિને પ્રાધાન્ય આપવા વગેરે ગાઇડલાઇન આપવામાં આવી છે. તેમજ માટીની પ્રતિમાઓને નદી કીનારે વિસર્જિત કરવાની પરવાનગી અપાશે. જાહેરમાં સ્થાપના કરે તે મંડળે ફરજિયાત પરમીટ લેવાની રહેશે. ઘરે કે સોસાયટીમાં સ્થાપના કરી ત્યાં જ વિસર્જન કરવાના હશે તો પરમીટની જરૂર રહેશે નહી.

કોરોનાની સ્થિતિ ચાલુ હોવાથી સરકારી ગાઈડલાઈનનું પાલન જરૂરી
સમિતિના પ્રમુખ સ્વામી અંબરીશાનંદે જણાવ્યું હતું કે ઉત્સવ ઉજવવાની પરવાનગી મળી પણ હજુ કોરોનાની સ્થિતિ ચાલુ છે. તેથી સરકારી ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. નદી, તળાવ કે દરિયામાં વિસર્જન માટે માટીની મૂર્તિ હશે તો જ વિસર્જન કરવા દેવાશે. ૧૬ ઓગસ્ટે ભાગળ પર મંડપ તૈયાર કરાશે. સમિતિ દ્વારા ઘરે ઘરે ગણેશ વિસર્જનનો સંકલ્પ કરાવવા માટે સમિતિના સભ્યો ફરશે. આ વર્ષે ૧૫ હજારથી વધુ પ્રતિમા સ્થપાવાની શક્યતા છે.

Most Popular

To Top