World

પાકિસ્તાનને 24માં વડાપ્રધાન મળ્યા, શાહબાઝ શરીફે બીજી વખત કમાન સંભાળી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનને (Pakistan) પોતાના 24માં નવા વડા પ્રધાન મળી ચૂક્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ પાકિસ્તાનની નવી ચૂંટાયેલી સંસદમાં સરળતાથી બહુમતી મેળવી લીધી છે. તેમજ બંને પક્ષોએ સર્વસંમતિથી શેહબાઝ શરીફને (Shehbaz Sharif) વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

આ બીજી વખત છે જ્યારે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે શેહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા તેમના ભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ નવાઝ સમક્ષ એવી શરત મૂકી કે શાહબાઝને બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળે.

તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. હવે તેઓ સતત બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. 72 વર્ષીય શેહબાઝને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના ઉમેદવાર તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. તેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા છે.

શાહબાઝે કહ્યું, ઇમરાને….
શાહબાઝે કહ્યું કે મારા મોટા ભાઇ નવાઝે ક્યારેય દેશને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું નથી. અગાઉની સરકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કે તેઓએ સમગ્ર વિપક્ષને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શરીફે વધુમાં કહ્યું આ નેતૃત્વ અને તે નેતૃત્વમાં આ જ તફાવત છે. અમે ક્યારેય બદલાની રાજનીતિ વિશે વિચાર્યું નથી. અમારા શાસનમાં ક્યારેય કોઇ ઇમારત નષ્ટ થઇ નથી. પરંતુ એ શરમજનક છે કે દેશે એ દિવસ જોયો 9 મે ના રોજ આર્મી હેડક્વાર્ટર અને સરકારી ઇમારતો પર હુમલો થયો.

પીટીઆઈ નેતાને માત્ર 92 વોટ મળ્યા
શાહબાઝના હરીફ અને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) વતી ઓમર અયુબ ખાનને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ તેમને 336 સભ્યોના ગૃહમાં માત્ર 92 મત મળ્યા હતા. જ્યારે પીટીઆઈના અપક્ષ સમર્થકોએ 93 બેઠકો જીતી છે. પાકિસ્તાનમાં સંસદનું નવું સત્ર બોલાવાયા બાદ પીટીઆઈ સમર્થિત સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

દરમિયાન શાહબાઝને પીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હવે શેહબાઝ શરીફ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ઈવાન-એ-સદર ખાતે વડાપ્રધાન પદના શપથ લેવડાવશે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સંસદનું વિસર્જન થયું તે પહેલાં શહેબાઝે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

Most Popular

To Top