Editorial

નિક્કી હેલી જો અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો પાકિસ્તાનની ખેર નથી

બાર વર્ષ પહેલા બનેલી એક ઘટના ઉપર નજર કરીએ તો પંજાબથી અમેરિકા સ્થાયી થયેલા શીખ માતા પિતાની પુત્રી નિક્કી હેલીએ સાઉથ કેરોલિનાના ગવર્નર તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ એક એવો ઇતિહાસ રચાયો હતો કે તેઓ અમેરિકામાં ગર્વનર તરીકે શપથ લેનારી ભારતીય મૂળની પહેલી મહિલા હતી. તે સમયે પંજાબ મૂળની મહિલા અમેરિકામાં ગવર્નર બનતા પંજાબ તથા સમગ્ર ભારતમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. કોલમ્બિયામાં બર્ફિલું તોફાન ચાલું હોવા છતા પણ શપથવિધિ સમારોહ યોજાયો હતો. તેમના શપથ સમારોહમાં અનેક કોંગ્રસમેન ઉપસ્થિત રહ્યા હતા. નિક્કી હેલી પ્રથમ ભારતીય મહિલા અમેરિકી ગવર્નર બની નિક્કી હેલી બીજી ભારતીય અમેરિકી ગવર્નર હતાં. આ પહેલાં ભારતીય મૂળના પ્રથમ અમેરિકી ગવર્નર લુઈસિયાનાના બોબી જિન્દાલ હતાં.

હવે નિક્કી હેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના મેદાનમાં છે અને આ મહિલા ઉપર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીની જાહેરાત કરનાર રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ તેમના ચૂંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે અમેરિકામાં તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેમનું એપ્રૂવલ રેટિંગ રાષ્ટ્રપતિ બાઈડેન કરતાં પણ વધારે છે. વધતી લોકપ્રિયતા વચ્ચે હેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનની સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. હેલીએ બાઈડેન સરકાર વતી વિદેશ મોકલાતી મદદને લઈને આકરા પ્રહાર કર્યા હતા. એક ઓપિનિયન લેખમાં તેમણે કહ્યું કે અમેરિકા દર વર્ષે ૪૬ અબજ ડૉલરનો ખર્ચ કરે છે જેનાથી ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોને ફાયદો મળે છે. તેમણે કહ્યું કે હું મારા શત્રુઓને મદદ તરીકે મોકલાતી ફન્ડિંગનો સંપૂર્ણપણે અંત લાવી દઈશ.

બાઈડેન સરકારે પાકિસ્તાનને સૈન્ય સહાય કરવાનું ચાલુ રાખ્યું છે અને અમેરિકી કરદાતાઓના પૈસા હજુ પણ કમ્યુનિસ્ટ ચીન પાસે કેટલાક હાસ્યાસ્પદ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત કાર્યક્રમના નામે જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે બેલારુસને પણ મદદ કરીએ છીએ જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનનો સૌથી ખાસ મિત્ર છે.  અમે ક્યુબાને મદદ કરીએ છીએ જ્યાંની સરકારે અમને આતંકવાદના પ્રાયોજક ગણાવ્યા છે. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં અમારો વિરોધ થાય છે અને ત્યાં આતંકી સંગઠનો પણ સક્રિય છે છતાં ત્યાં મદદ મોકલાય છે.

તેમની આ વાતથી એટલું તો ફલિત થઇ જાય છે કે, જો તેઓ રાષ્ટ્રપતિ બને તો પાકિસ્તાનની ખેર નથી. કારણ કે, તેઓ પાકિસ્તાનને એક રૂપિયાની પણ આર્થિક મદદ કરવા તૈયાર નથી. તેમણે હાલમાં પાકિસ્તાનને અમેરિકા તરફથી જે સહાય મળી રહી છે તેની પણ આકરી ટિકા કરી હતી. પાકિસ્તાન એમ પણ આર્થિક સંકટનો ઐતિહાસિક સામનો કરી રહ્યું છે. જો હેલી પ્રેસિડન્ટ બનશે તો તે પાકિસ્તાન માટે પડ્યાં પર પાટું જેવી હાલત થશે. અમેરિકાના રાજકારણમાં મૂળ ભારતીયોના દબદબાની વાત કરીએ તો અમેરિકાની સંસદના ચાર મૂળ ભારતીય સંસદસભ્યો રાજા કૃષ્ણમૂર્તિ, પ્રમિલા જયપાલ, અમી બેરા અને રો ખન્નાની અમેરિકાની સંસદની સમિતિના સભ્ય તરીકે બિરાજે છે.

અમેરિકાના રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા પ્રભાવને તે પ્રતિબિંબિત કરે છે. અમેરિકા અને ચીનના સામ્યવાદી પક્ષ વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધા માટે સંસદની પ્રવર સમિતિમાં સભ્ય તરીકે સેવા આપવા માટે રાજા કૃષ્ણમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. અન્ય મૂળ ભારતીય કોંગ્રેસમેન રો ખન્નાને પણ આ નવી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. લોક પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કેવિન મેકકાર્થી દ્વારા 118મી કોંગ્રેસમાં અમેરિકાની આર્થિક, તકનીકી અને સુરક્ષા સ્પર્ધાને નીતિગત તપાસ અને વિકાસના હેતુ માટે તેની રચના કરવામાં આવી હતી.

મૂળ ભારતીય સંસદ સભ્ય પ્રમિલા જયપાલને ઇમિગ્રેશન, સિક્યુરિટી અને એન્ફોર્સમેન્ટ બાબતે ગૃહની ન્યાયિક સમિતિની પેટાસમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિ, ઇમિગ્રેશન કાયદો અને નીતિ, નેચરલાઈઝેશન, સરહદી સુરક્ષા, શરણાર્થી પ્રવેશ, સરહદ સિવાય ઇમિગ્રેશન અને અન્ય મુદ્દાઓ અંગે અધિકારક્ષેત્ર ધરાવે છે. અન્ય મૂળ ભારતીય કોંગ્રેસમેન અમી બેરાને 118મી કોંગ્રેસ માટે ઈન્ટેલિજન્સ અંગે ગૃહની કાયમી પસંદગી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઈન્ટેલિજન્સ સમિતિને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી, નેશનલ ઈન્ટેલિજન્સ, નેશનલ સિક્યુરિટી એજન્સી અને મિલિટરી ઈન્ટેલિજન્સ સહિતની ગુપ્તચર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાનો અધિકાર છે. અમી બેરા વિદેશ બાબતોની સમિતિ અને વિજ્ઞાન, અવકાશ અને ટેક્નોલોજી સમિતિમાં પણ છે.

Most Popular

To Top