Top News

More Posts

   The Latest

Most Popular

ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના નવા ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ માત્ર આઠ ધોરણ જ અભ્યાસ કરેલો છે તેને લઈ મઝાક શરૂ થઈ હતી. આ જ પ્રકારે મંત્રી પ્રદીપ પરમાર સહિત અન્ય મંત્રીઓ પણ દસમા સુધી જ ભણ્યા છે તેવો ઉલ્લેખ થતો હતો. હર્ષ સંઘવી ગૃહરાજય મંત્રી હોવાને કારણે યુપીએસસી પરીક્ષા પાસ કરી આઈપીએસ થયેલા અધિકારીને હવે આઠમું પાસ હર્ષ સંઘવીને સલામ કરવી પડશે તેવી ટીખ્ખળ થઈ રહી હતી. આવું પ્રજા જ  માને છે તેવું નથી. અધિકારીઓનો મોટો વર્ગ ખાનગીમાં નારાજગી વ્યકત કરે છે. તેમના મતે તેમને જે રાજનેતા સાથે કામ કરવાનું તેમની શૈક્ષણિક લાયકાત પોતાના કરતાં ઓછી હોવાને કારણે તેમને સમજ પડતી નથી. આમ આ તેમનો અંતિમ મત છે, પણ આપણે જે શાસન વ્યવસ્થા સ્વીકારી છે તેમાં અધિકારી અને રાજનેતા આ બન્નેનું સરખું મહત્ત્વ છે. કોઈ એકબીજા કરતાં ઉતરતા નથી.

યુપીએસસી અને જીપીએસસી પરીક્ષા પાસ કરી જે અધિકારીની ભૂમિકામાં બેઠા છે તેમને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છે તે પણ સનાતન સત્ય નથી અને રાજનેતા ઓછું ભણેલા છે તેઓ અક્કલ બુઠ્ઠા છે તેવું પણ નથી. અધિકારીએ પોતે જે વિષયનો અભ્યાસ કર્યો છે તેનું જ્ઞાન છે જયારે રાજનેતાએ વગર અભ્યાસે વર્ષો સુધી પ્રજાના પ્રશ્ન માટે કામ કર્યું છે તેનો અનુભવ છે. આમ સુચારુ રાજવ્યવસ્થા માત્ર જ્ઞાનના આધારે ચાલતી નથી. તેના માટે જ્ઞાનની સાથે પ્રજાના પ્રશ્નનો અનુભવ પણ એટલો જ જરૂરી છે. આમ જ્ઞાન અને અનુભવ ભેગા થાય તો પ્રજાનું કલ્યાણ થઈ શકે છે. જેઓ યુપીએસસી-જીપીએસસી પરીક્ષા પાસ કરે છે તેઓ પણ સલામને પાત્ર છે કારણ કે રાત દિવસ ચોટી બાંધી તેઓ મહેનત કરે છે. લાખો વિદ્યાર્થીઓમાંથી માંડ પાંચસો -હજાર સરકારી વ્યવસ્થા માટે સીલેકટ થાય છે. એક આઈએએસ-આઈપીએસ અધિકારીએ  એક પદ મેળવવા માટે એક વખત પરીક્ષા પાસ કરવાની હોય છે ત્યારે સરપંચથી લઈ વડા પ્રધાન સુધીના રાજનેતાને પ્રજાની પરીક્ષામાં દર પાંચ વર્ષે પાસ થવાનું હોય છે.

અધિકારીને પ્રજાની પરીક્ષામાં પાસ થવાનું હોતું નથી. અધિકારીને પ્રજાને નારાજ કરવાનું પરવડી શકે નહીં કારણ પ્રજા નારાજ થાય તો રાજનેતા નાપાસ જાહેર થાય છે. અનેક વખત મેં જોયું છે અધિકારી પ્રજાનું નાનું મોટું કામ હોય ત્યારે નિયમાવલિ લઈ બેસે છે. જયારે રાજનેતા નિયમોની વચ્ચે રહીને પણ કઈ રીતે પ્રશ્નનો ઉકેલ આવે તે દિશામાં વિચારે છે. હજી થોડા મહિના પહેલાં મારે મારા આધારકાર્ડનું સરનામું બદલવાનું હતું. હું તે માટે સંબંધિત અધિકારીઓ પાસે ગયો, તેમણે મને કયા કયા દસ્તાવેજની જરૂર છે તેની યાદી પકડાવી કહ્યું, આ લેતાં આવો, મેં યાદી જોઈ. હું મુંઝાઈ ગયો કારણ હું ટ્રસ્ટના મકાનમાં રહેતો હોવાને કારણે મારા નામે લાઈટ બીલથી લઈ ટેકસબીલ ન્હોતું, સરનામું બદલવા માટે આ દસ્તાવેજ મહત્ત્વનો હતો, હું ફરી મારી સમસ્યા લઈ અધિકારી પાસે ગયો. તેમણે મને કહ્યું, આ દસ્તાવેજ વગર શકય જ નથી. મેં વિનંતી સાથે કહ્યું કે મારા જેવી જ સ્થિતિ બીજા કોઈની હોય તો કોઈ રસ્તો તો હશે  અધિકારીએ નન્નો ભણી દીધો. હું એક રાજનેતાને મળ્યો. તેમણે મને કહ્યું લો, આધાર કાર્ડમાં સરનામું બદલવું છે તે કયાં મોટો પ્રશ્ન છે. આધાર કાર્ડ માટે એક બીજી વ્યવસ્થા પણ છે કે તમારા વિસ્તારના કોર્પોરેટર-ધારાસભ્ય જો પ્રમાણિત કરી આપે કે તમે આપેલા સરનામે રહો છો, સરનામું બદલાઈ શકે છે કારણ સ્થાનિક કોર્પોરેટર-ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોથી પરિચિત હોય છે. હું મારા કોર્પોરેટર પાસે ગયો. તેમણે મને પ્રમાણિત કરી આપ્યો અને મારું કામ થઈ ગયું. આ એક નાની ઘટના અને નાનું કામ છે, પણ રાજનેતા પ્રશ્ન અને ઉકેલ બન્નેથી વાકેફ હોય છે અને તેમને પ્રશ્ન કરતા ઉકેલમાં વધુ રસ હોય છે. અધિકારીના પદ ઉપર બેઠા પછી અધિકારીને લોકોના પ્રશ્નની રાજનેતા કરતાં  સંવેદનશીલતા ઓછી હોય છે કારણ અધિકારીને પ્રજાની વચ્ચે જવાનો ભાગ્યે જ અવકાશ મળે છે, જયારે રાજનેતા માટે લોકોની વચ્ચે રહેવું જરૂરી હોય છે. કોરોનાકાળમાં રેમડીસીવીર ઈન્જેકશનની તંગી હતી. લોકો સરકારી હોસ્પિટલમાં કતાર લગાવી ઊભા હતા.

તંત્ર નિયમ પ્રમાણે કામ કરી રહ્યું હતું, લોકોના જીવન-મરણનો પ્રસંગ હતો. તંત્ર ઈન્જેકશન પૂરાં પાડવામાં નિષ્ફળ જઈ રહ્યું હતું. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.  આર. પાટીલ  ઈન્જેકશનનો જથ્થો લઈ આવ્યા. તેમણે સુરતમાં લોકોને ઈન્જેકશન વહેંચ્યાં.પાટીલ ઈન્જેકશન કયાંથી અને કેવી રીતે લાવ્યાં તે અંગે ખૂબ વિવાદ થયો. મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો, પણ પ્રાથમિકતા લોકોને ઈન્જેકશન મળે તેની હતી. જો સી. આર. પાટીલ આટલો મોટો જથ્થો લઈ આવ્યા તો તંત્રમાં બેઠેલા અધિકારી કેમ આવું કરી શકયા નહીં તે પણ એક પ્રશ્ન છે.

સી. આર. પાટીલ રોજે રોજ લોકોની વચ્ચે જતાં હતા, તેઓ લોકોના પ્રશ્ન જોતા અને અનુભવતા હતા, સુરતના સનદી અધિકારીઓ પણ લોકો માટે કામ કરતા હતા પણ તેઓ પોતાની ચેમ્બરમાં બેસી પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાજનેતા રસ્તા ઉપર ઊતરી સ્થિતિનો તાગ મેળવી તંત્રમાં રહેલા અધિકારીને વાકેફ કરતા હતા. આમ રાજનેતાના શિક્ષણ કરતાં તે પ્રજાના પ્રશ્નને કેટલું સમજે છે અને તેના ઉકેલ માટે કેવું કામ કરે છે તે મહત્ત્વનું છે અને કોઈ અધિકારીને એવું લાગે કે આપણે રાજનેતા કરતાં હોંશિયાર હોવા છતાં આપણે ઓછું ભણેલા નેતાના હાથ નીચે કામ કરવું પડે છે તો અધિકારીને રાજીનામું આપી રાજનેતા થતાં કોણ રોકે છે, કરો નવી શરૂઆત.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top