Dakshin Gujarat

સાપુતારામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ પર નદીઓ વહી, નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી ભરાયુ. જ્યારે ડાંગરનાં ખેતરોને પુર ઢસડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ (Rain) તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગમાં (Dang) ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદીને સાંકળતા 10થી વધુ અને ખાપરી નદીને જોડતા પાંચથી વધુ નીચાણવાળા કોઝવે નદીનાં ઊંડા પાણીમાં ગરક થતા 25થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયું હતું.

ડાંગનાં ગામડાઓમાં સોમવારે સાંજથી વરસાદી માહોલ જામતા નદી, નાળા, વહેળા, ઝરણાઓ ગાંડાતુર બની વહેતા થયા હતા. જેના પગલે અંબિકા, ગીરા, ખાપરી, પુર્ણા નદીઓ ગાંડીતૂર બની બંને કાંઠે વહેતી થઈ હતી. મંગળવારે સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, સાકરપાતળ, માંળુગા, વઘઇ, ભેંસકાતરી, ઝાવડા, બરડીપાડા, કાલીબેલ, સુબિર, પીપલાઈદેવી, સિંગાણા, ચીંચલી સહિત સરહદીય અને પૂર્વપટ્ટીનાં પંથકોમાં સવારથી જ વરસાદ તૂટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. જાહેર માર્ગો સહીત અંતરીયાળ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સાપુતારાનાં કેચમેન્ટમાં મંગળવારે ધોધમાર વરસાદથી પ્રથમ વખત અંબિકા નદીમાં રેલ આવી હતી.

અંબિકા નદીમાં રેલ આવતા શામગહાન, ભૂરાપાણી સહિત નદી કાંઠાનાં ગામોમાં આદિવાસીઓનાં ઘરોમાં પાણી ભરાયા હતા. સાથે નદી કિનારે આવેલા ડાંગરનાં ક્યારડાઓને ગાંડાતૂર પુર ઘસડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયું હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાકમાં સાપુતારામાં 197 મી.મી. અર્થાત 7.88 ઈંચ, આહવામાં 88 મી.મી. અર્થાત 3.52 ઈંચ, વઘઇમાં 49 મી.મી. અર્થાત 2 ઈંચ અને સુબિરમાં 43 મી.મી. અર્થાત 1.72 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આટલા કોઝવે પાણીમાં ગરકાઉ થઇ ગયા
સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદથી મોડી સાંજે ઘોડવહળ કોઝવે, સૂપદહાડ કોઝવે, આહેરડી કોઝવે, ચીખલદા કોઝવે, સુસરદા કોઝવે, ભૂરાપાણી કોઝવે, ચીરાપાડા કોઝવે, બોરીગાવઠા કોઝવે, માનમોડી કોઝવે અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં ગરક થઈ જતા 20થી વધુ ગામડાઓ વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બની પ્રભાવિત બન્યા હતા. ડાંગ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે અંબિકા નદીને સાંકળતા 10થી વધુ કોઝવે અને ખાપરી નદીને જોડતા પાંચથી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ જતા જનજીવન ખોરંભે ચડ્યું હતું. ઉપરાંત શામગહાનથી આહવાના જાખાના કોઝવે તથા સાપુતારાથી વઘઇના બારીપાડા કોઝવે પર ઘુંટણ સુધી માર્ગમાં પાણી ભરાય જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

  • ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • સાપુતારા 8 ઈંચ
  • આહવા 3.52 ઈંચ
  • વઘઇ 2 ઈંચ
  • સુબિર 1.72 ઈંચ

Most Popular

To Top