Dakshin Gujarat

શાકભાજીના ભાવ સાંભળતા જ ગૃહિણીઓની આંખો પહોળી થઈ જાય છે અને બોલી પડે છે, હૈ..મા..

સુરત: ચોમાસાની સિઝનમાં વરસ્યો નહીં અને હવે સપ્ટેમ્બરમાં (September Heavy Rain) વરસી રહેલો પાછોતરો વરસાદ ભારે હેરાન કરી રહ્યો છે. રસ્તાઓ પર ઠેરઠેર પાણી ભરાઈ જવાના લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી તરફ જગતનો તાત ખેડૂતને (Farmers) પણ આ પાછોતરો વરસાદ પસંદ પડી રહ્યો નથી. છેલ્લાં પખવાડિયાથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ખેતરોમાં પાક નષ્ટ થઈ રહ્યો છે, જેની અસર શાકભાજીની કિંમતો (Vegetable prices rose due to rains) પડી છે.

  • એકતરફ પેટ્રોલ-ડીઝલની કિંમત લિટરે 100 સુધી પહોંચી જતા આમેય મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું છે તે હવે શાકભાજીના ભાવ વધતા થાળી પણ બેસ્વાદ બની ગઈ છે

પાક ઘટી જતા શાકભાજીના ભાવમાં પખવાડિયામાં 3 ગણો વધારો જોવા મળ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભારે વરસાદને લીધે શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થતાં બહાર ગામના રાજ્યોમાંથી આવતી શાકભાજીના હોલસેલ અને રીટેલના ભાવો આસમાને પહોંચ્યા છે. એકતરફ પેટ્રોલ-ડીઝલની કિંમત લિટરે 100 સુધી પહોંચી જતા આમેય મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું છે તે હવે શાકભાજીના ભાવ વધતા થાળી પણ બેસ્વાદ બની ગઈ છે.

સુરત એપીએમસી (Surat APMC Market) માર્કેટમાં રીટેલના સોદા ઉંચકાતા શહેરની શાકભાજી માર્કેટોમાં છૂટક શાકભાજીના ભાવો ગરીબ અને મધ્યમવર્ગના ગજા બહાર પહોંચ્યા છે. સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પખવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા શાકભાજીનો પાક ખરાબ થયો છે. તેને લીધે તુવેર, પાપડી, ભીંડા, પરવર, ટામેટા, ગુવાર, ચોળી, વટાણા, ટીંડોરા, કારેલા અને રીંગણના ભાવો 2થી 3 ગણા વધ્યા છે. હજી વરસાદ ચાલુ રહેશે તો શાકભાજીની શોર્ટ સપ્લાઇ થઇ શકે છે. કર્ણાટક અને તામિલનાડુથી આવતા ટામેટાનો ભાવ માલની અછતને લીધે વધ્યો છે.

વરસાદ ચાલુ રહેશે તો શાકભાજીના ભાવો હજી વધી શકે છે

સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે તો શાકભાજીના ભાવ હજી વધી શકે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવા સાથે શાકભાજીનો પાક બગડી જતા કેટલીક શાકભાજીની આવક એપીએમસીમાં ઓછી થઇ છે. તે જોતા ભાવો નજીકના દિવસોમાં ઘટવાની શકયતા ઓછી છે.

સુરત એપીએમસીમાં મણ શાકભાજીના ભાવો 3 ઘણા બોલાયા
શાકભાજી 25 ઓગસ્ટનો ભાવ 25 સપ્ટેમ્બરનો ભાવ

  • તુવેર 800 થી 1000 1300 થી 1400
  • પાપડી 260 થી 300 1000 થી 1200
  • ભીંડા 260 થી 300 600 થી 700
  • પરવર 160 થી 200 650 થી 700
  • કારેલા 140 થી 160 300 થી 400
  • ટામેટા 160 થી 220 500 થી 600
  • ગુવાર 660 થી 700 900 થી 1000
  • ચોળી 500 થી 550 1050 થી 1150
  • વટાણા 1300 થી 1400 2300 થી 2400
  • ટીંડોરા 200 થી 220 700 થી 800
  • રીંગણ 160 થી 200 700 થી 800

શાકભાજી માર્કેટોમાં છૂટક શાકભાજીના ભાવો આસમાને
શાકભાજી કિલોનો ભાવ

  • તુવેર 120
  • પાપડી 150
  • ભીંડા 60 થી 80
  • પરવર 60 થી 80
  • ટામેટા 50
  • ગુવાર 120
  • ચોળી 120 થી 140
  • વટાણા 200 થી 220
  • ટીંડોળા 150
  • રીંગણ 120

Most Popular

To Top