Business

શૈક્ષણિક ધામ તરીકે વિકાસ પામતું ઉચ્છલ તાલુકાનું ગામ મોહિની

મહારાષ્ટ્રના નંદુરબારની સરહદને અડીને આવેલું અંતરિયાળ વિસ્તારનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મોહિની. જે સુરતથી પૂર્વ દિશામાં સુરત-ધુલિયા સ્ટેટ ધોરી માર્ગને જોડતા ઉચ્છલ-નિઝર ધોરી માર્ગે જતા નારણપુર ગામ આગળથી પસાર થતા કરોડ ગામે જતા માર્ગ પર આવેલું છે. ઉચ્છલ તાલુકા મથકેથી પૂર્વ દિશામાં આશરે ૧૭ કિમીના અંતરે, જ્યારે સુરતથી ૧૨૫ કિમીના અંતરે આ ગામ આવે છે. ગામની પશ્ચિમ દિશામાં કુંભરાડ ગામ આવેલું છે. પૂર્વ દિશામાં ધુપી, આરકાટી સહિતનાં ગામો, ઉત્તરે આમકુટી, જામવાન, ટોકરવા વગેરે ગામો, જ્યારે દક્ષિણ દિશામાં ચંદાપુર, વાઘસેપા ગામ આવેલાં છે. મોહિની ગામ ચારેબાજુ લીલાછમ ખેતરોથી છવાયેલું છે. નાની નાની ટેકરીઓની હારમાળા વચ્ચેથી નીકળતો સૂરજનો પ્રકાશ અને વહેતાં ઝરણાનાં કુદરતી સૌંદર્યથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીં કુદરતે મન મૂકીને ખુલ્લા હાથે સૌંદર્ય રેડ્યું હોય તેવો આભાસ આ ગામની આજુબાજુની છવાયેલી લીલોતરી જોઇને જ થાય છે

ગામનું નામકરણ

મોટાં શહેરોથી લઇ નાનાં ગામડાંનાં નામો સ્થાનિક પરિવેશ, કોઈ વ્યક્તિ પરથી કે કોઈ ઘટના પરથી પડતા હોવાની લોકવાયકા અથવા ઈતિહાસમાંથી જાણવા મળે છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોહિની ગામના નામકારણ અંગે કોઈ લેખિત દસ્તાવેજ મળ્યો નથી. વર્ષો પહેલાં આદિવાસી સમુદાય નાની નાની ટોળીઓમાં પોતાપોતાનાં પશુઓને લઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચારવા માટે ફરતા હતા. ખેતી પણ ‘શિફ્ટિંગ’ પ્રકારની કરતા હતા. જીવન જીવવા માટે જેને જ્યાં અનુકૂળ જગ્યા મળી ત્યાં વસવાટ કરતા હતા. એ સ્થળે વિપરીત પરસ્થિતિ નિર્માણ થાય તો તે જગ્યા છોડી પોતાનાં કુટુંબ કબીલા સાથે બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. આવો જ કિસ્સો મોહિની ગામના સંદર્ભમાં ગામના લોકો પાસેથી સાંભળવા મળ્યો છે. વર્ષો પહેલો હાલમાં જ્યાં ગામે લોકોએ વસવાટ કર્યો છે એ સ્થળ ગાવતુંડો (ગામીત જાતિ)નો ગોવાળિયો ભેંસો લઇ ચારવા માટે આવ્યો હતો. સ્થાનિક દહેવાલી(વસાવા) ભાષામાં ગામીતોને ‘ગાંવતુડો’ કે ‘ગાંવતો’ તરીકે ઓળખે છે અને ભેંસને ‘મોહળી’ના નામથી ઓળખે છે. આજુબાજુના લોકોએ આ ‘મોહળી’(ભેંસ)ના નામ પરથી ‘મોહિની’ ગામનું નામ પડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ગામ કોણે વસાવ્યું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ ધીરે ધીરે સરકારી દફ્તરે સરકારી અધિકારીઓને પોતાને ઉચ્ચારણ અને બોલવામાં અનુકૂળ રહે એ માટે પોતાની ભાષા પ્રમાણે ‘મોહિની’ નામ પાડવામાં આવ્યું હતું. ગામમાં નિશાળ ફળિયું, વલકા ફળિયું, દવાખાના ફળિયું, ડુંગરી ફળિયું, દવાખાના ફળિયું આમ પાંચ ફળિયાં આવેલાં છે. આ ગામમાં વસાવા અને કાથુડ આદિવાસી સમુદાય વસવાટ કરે છે. કાથુડનો જાતિનો આદિમ જૂથમાં સમાવેશ થાય છે. આદિમ જૂથના પરિવારો હજુ સુધી વસાવા સમુદાયની તુલનામાં ખૂબ જ ઓછો વિકાસ થયેલો છે. આ સમુદાયમાં શિક્ષણના અભાવે મોટા ભાગનું આર્થિક જીવન મજૂરી પર જ નિર્ભર છે. તેઓ મોટા ભાગે ખેતીકામના મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વિકાસ માટે ખેતરોનાં કાચા માર્ગો પાકા બનાવવા જરૂરી

સરકાર ખેડૂતોનાં વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. દરેક ગામનાં ખેડૂતોને પાકા રસ્તા સાથે જોડીને બજાર સુધી ખેડૂતોનાં માલ વેચવાની સુવિધા ઊભી કરી આપી હોવાનાં બણગાં ફૂંકે છે. ખેડૂતોના વિકાસ માટે ખેતીને જોડતા પાકા રસ્તાની ખૂબ જ જરૂર છે. ખેતીમાંથી ઉત્પાદિત થતી શાકભાજી સહિત અનેક વસ્તુઓ સમયસર બજારમાં પહોંચાડી શકાય. કાચા રસ્તાને લીધે સમય અને પૈસાનો પણ બગાડ થાય છે. તેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ મોહિની ગામના ખેડૂતોની ખેતી કાચા માર્ગ સાથે જોડાયેલી છે. ચોમાસા દરમિયાન ખેતરે જવા માટે ખેડૂતો માટે કફોડી સ્થિતિમાં મુકાઇ જાય છે. બળદગાડું અને હળ લઇને જતા કાદવ-કીચડમાંથી જવું પડે છે. તેથી સમયસર ખેતરે પહોંચી શકાતું નથી. અમરસિંગભાઇ નંદરિયાભાઇ વસાવાના ખેતરથી રાજુભાઇ મગનભાઇ વસાવાના ખેતર સુધી બે કિમીનો અંતર ખેતીનો રસ્તો પાકો બનાવવા તેમજ આ રસ્તા પર આવેલા બે કોઝવે બનાવવા માટે માપણી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી.

શૈક્ષણિક સુવિધા 

ધોરણ-૧થી ૧૨ સુધીની શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી લઇ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સ્થાપ્ના કરવામાં આવી છે. તાપી જિલ્લાની એકમાત્ર મોહિની ગામની પ્રાથમિક શાળાને “સ્કૂલ ઓફ એક્સલેન્સ”નું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી સરકાર દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) દ્વારા નવી સ્કૂલ બનાવવા માટે ફંડની જોગવાઇ પણ કરી છે. ગામમાં બે આંગણવાડી સેન્ટર પણ આવેલાં છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગામ સહિત અહીં આજુબાજુનાં ગામના બાળકો ભણવા માટે આવે છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે રેસિડેન્સી માટે ક્વાર્ટસ બાંધવામાં આવ્યાં છે. આ ગામે શિક્ષણનો થયેલા વિકાસથી આજુબાજુનાં ગામડાંમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.

આર્થિક જીવન

ગામના લોકોનું મુખ્ય આર્થિક જીવન ખેતી, પશુપાલન અને મજૂરી ઉપર આધારિત છે. આ બંને વ્યવસાય અરસ પરસ એકબીજા સાથે સંકળાયેલા છે. ખેતીની જમીન કાળી, ભૂરી પ્રકારની જોવા મળે છે. હજુ પણ મોટા ભાગની ખેતી માટે ચોમાસા ઉપર આધાર રાખવો પડે છે. આ ગામમાં નાના અને સીમાંત ખેડૂતો છે. મોટા ભાગના લોકો મજૂરી માટે શહેરો તરફ પ્રયાણ કરે છે. ફક્ત ૮૨ ખેડૂત ખાતેદાર તરીકે જમીન ધરવે છે, બીજા ખેડૂતો પાસે થોડી ગણી ખેતી હોવાથી ખેતી સાથે જોતરાયેલા છે. ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસિત થયેલો જોવા મળે છે. ગામની દૂધ મંડળી પણ આવેલી છે. જેમાં સવાર-સાંજ ૨૫૦ લીટર દૂધ ગાય અને ૨૭૯ લિટર દૂધ ભેંસનું મળી કુલ ૫૨૯ લિટર જેટલું દૂધમંડળીમાં ભરાય છે. મહિને આશરે ૫થી ૬ લાખ રૂપિયા પેમેન્ટ ગામના સભાસદોને ચૂકવવામાં આવે છે. કેટલાક લોકો શેરડીની ખેતી કરતા હોવાથી સુગર ફેક્ટરીના સભાસદ પણ બન્યા છે. ખેતીમાં મુખ્ય પાકો ડાંગર, ઘઉં, જુવાર, દાદરગોટી, તુવેર, અડદ, ચણા, મગ વગેરે જ્યારે તૈલબીયાં પાકોમાં મગફળી, સોયાબીન, કપાસ વગેરે પકવે છે. જ્યારે રોકડિયા પાકોમાં શાકભાજીઓ પકવે છે. નજીકમાં ખેડૂતોને શાકભાજી સહિતની વસ્તુઓ પહોંચાડવામાં નજીકમાં કોઇ બજાર ન હોવાથી નવાપુર કે વ્યારા, સોનગઢ સુધી લંબાવવું પડે છે અથવા ફેરિયા તરીકે ગામે ગામ વેચવું પડે છે.

પ્રાથમિક શાળાનાં જર્જરિત મકાનો બાળકો માટે જોખમી

મોહિની પ્રાથમિક શાળાને ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું બિરુદ્વ પ્રાપ્ત થયું છે. ત્યારે વર્ષો જૂના બનાવવામાં આવેલી શાળાનાં મકાનો જર્જરીત બન્યાં છે. આ પ્રાથમિક શાળામાં કુલ ૧૬૯ જેટલાં બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. આ જર્જરીત મકાનો શાળાના પ્રાંગણમાં છે. હાલ આ ઓરડા બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ ઓટલા પર બાળકોની સતત અવરજવર થતી રહે છે. એવા સમયે આ જર્જરીત મકાન તૂટી પડે તો મીરકોટ પ્રાથમિક શાળાના બનાવની ઘટનાનું પુનરાવર્તન થાય તેવી શક્યતા વર્તાઇ રહી છે. હાલ કરોનાકાળમાં મોટા ભાગની સ્કૂલો બંધ છે. પરંતુ સ્કૂલ જ્યારે ચાલુ થાય એ સમયે બાળકની આ મકાન નીચે અવરજવર થાય તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સ્થાનિક તંત્ર દ્વારા આ મકાનોને તોડી નવાં મકાનો બનાવવાની વહેલી તકે કાર્યવાહી હાથ ધરે એ જરૂરી બન્યું છે.

શબને અગ્નિદાહ માટે સ્મશાનગૃહ બનાવવા માંગ

આદિવાસી પરંપરામાં માણસનાં મૃત્યુ પછી શબને જમીનમાં દાટવા અને અગ્નિદાહ આપવાની બંને પરંપરા જોવા મળે છે. સ્મશાનભૂમિ માટે ફાળવેલી જમીન સમયે સમયે ઓછી થતી જતી હોય છે. શબને દાટવા માટે જમીન અછત સર્જાઇ તેવી શક્યતા વર્તાઇ રહી છે. તેથી મૃત શબને અગ્નિદાહ આપવા માટે ગામડે ગામડે સરકારી યોજનાથી સ્મશાનગૃહ માટે યોજના અમલમાં છે. પરંતુ મોહિની ગામ માટે આ યોજનાનો લાભ મળ્યો નથી. તેથી ગામ લોકોએ સ્મશાનભૂમિમાં સ્મશાનગૃહ બનાવવાની માંગ કરી છે.

ગામમાં ગટર યોજના બનાવવી જરૂરી

ગામમાં વધતી વસતીના લીધે ગીચતાનું પ્રમાણ પણ વધ્યું છે. વર્ષો પહેલાં છૂટાછવાયાં ઘરો હતાં. વર્તમાન સમયમાં એકબીજાને અડીને આવેલાં છે. વર્ષો પહેલાં પીવાનું પાણી લેવા માટે દૂર આવેલ કૂવા કે હેડપંપ પાસે જવું પડતું હતું. હાલના સમયે સરકારે પીવાના પાણીની સુવિધા માટે ભૂગર્ભ ટાંકીઓ, સિન્ટેક્સથી મિનિ પાઇપલાઇન વડે ઘર ઘર સુધી નળની સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીનો વપરાશ પાણ વધી ગયો છે. લોકોની જીવન જીવવાની શૈલીમાં પણ બદલાવ આવ્યો છે. પાણીનો વપરાશ પણ વધ્યો છે. પાણીનો ઉપયોગ કર્યા પછી વેસ્ટેજ પાણીના નિકાલ માટે ગટર યોજના ન હોવાથી ખુલ્લી જગ્યા કે રસ્તા પર પાણીનો નિકાલ કરવામાં આવે છે. આમ, ખુલ્લી જગ્યાએ ગટરનું પાણી છોડવાથી ખાડા ખાબોચિયામાં પાણી ભરાઇ રહે છે. તેથી ચોમાસામાં મચ્છર સહિત અનેક જીવજંતુઓનો ત્રાસ વધે છે. ગીચ વસતીને કારણે પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે. ભૂલેચૂકે કોઇ રોગચાળો ફાટી નીકળે તો ખૂબ જ મોટી જાનહાનિ નોતરે તેમા શંકાનું કોઇ સ્થાન નથી. આ ગામે શિક્ષણ માટે તાલુકાનાં અલગ અલગ ગામોથી વિદ્યાર્થીઓ આવે છે. આ વિદ્યાર્થીઓ રોગનો ભોગ બને તેવી શક્યતા રહેલી છે. હાલ કરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. દેશના લોકોએ સંકટમાં ચૂકવેલી જાનહાનિનું ગામમાં ગંદકીથી સામૂહિક રોગચાળાનું પુનરાવર્તન થાય તેવી શંકાઓ મનમાં ઊઠી છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચી સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. પરંતુ ગામડામાં ગટર લાઇનના અભાવે પાણીથી ગંદકી સર્જાઇ છે. ત્યારે સરકારનો સ્વચ્છતા અભિયાન ગામમાં સાકાર થયેલો દેખાતો નથી. સરકારે સ્વચ્છતા અભિયાન માટે ફાળવેલાં નાણાં શહેરો પૂરતાં જ સીમિત હોય તેવું ગામના લોકોને લાગી રહ્યું છે. જો ગામડાં માટે ફાળવવામાં આવ્યાં હોય તો મોહિની ગામને કેમ ફાળવવામાં આવ્યાં નથી ? સ્થાનિક તંત્ર કેમ ઓરમાયું વર્તન દાખવી રહી છે? ગામના લોકોએ સવાલો ઉઠાવ્યા છે.

મોહિની ગ્રુપ ગ્રામ પંચાયત અલગ કરવા રજૂઆત

મોહિની ગ્રુપ પંચાયતમાં કુંભરાડ, મોટા વાઘસેપા, ધુપી, મોહિની, આમકુટી, જામવાણ, ચંદાપુર, ટોકરવા, કાટીસકૂવા, નવા અને જૂના વડગામ આ બાર જેટલાં ગામોનો સમાવેશ થાય છે. તેથી ખૂબ જ મોટી પંચાયત હોવાને લીધે વિકાસનાં કામો માટે ન્યાય મળી શકતો નથી. સરપંચના સહી-સિક્કા માટે તેમજ દરેક ગામમાં કઈ પણ કામમાં હાજરી આપવા ખૂબ જ લાંબું થવું પડે છે. તેથી સમય અને પૈસાનો બગાડ થાય છે. ત્રણ વર્ષ પહેલાં મામલતદારને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવી ગ્રામજનોઓએ રજૂઆત કરી છે.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થી માટે હોસ્ટેલ જરૂરી

મોહિની ગામે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની સુવિધા કરવામાં આવી છે. પરંતુ હોસ્ટેલની સુવિધા ઊભી કરવામાં આવી નથી. આ વિસ્તાર સહિત તાલુકાના અનેક ગામડાઓમાંથી વિદ્યાર્થી ભણવા માટે આવે દરરોજ આવ-જા કરે છે. આ વિસ્તારના મોટા ભાગના વિદ્યાર્થીના વાલીઓ મજૂરી અર્થે બહાર ગામે જતા હોઈ છે. તેથી માતાપિતા વિના બાળકની હાલત કોફોડી થઈ જતી હોય છે. વળી, ગામડાઓમાં લાઈટની સમસ્યા ખૂબ જ રહે છે. ઉપરાંત વિદ્યાર્થી પાસે પૂરતા પ્રમાણમાં પુસ્તકોના અભાવ હોય છે. હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે રહેતા હોય તો સાથે હોમવર્ક કરવામાં એકબીજાનો સાથ સહકાર મળી રહે છે. વિવિધ પરિક્ષાઓની તૈયારી કરવાની પ્રેરણા મળી રહે છે. તેથી શાળાની સાથે વિદ્યાર્થી રેસિડેન્સી માટે હોસ્ટેલની સુવિધા કરવી પણ ખૂબ જ જરૂરી છે.

યોગ સાધના માટે તાલીમ કેન્દ્ર

ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં યોગ પ્રત્યે જાગરૂકતા આવે, લોકો યોગ કરતા થાય, તે માટે યોગ ક્ષેત્રે રસ ધરાવતા નવયુવાનોને અને યોગ થકી સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી શકે એ માટે યોગ કલાસ ચલાવવામાં આવે છે. ઉચ્છલ તાલુકાના નવયુવાનોને યોગની તાલીમ માટે મોહિની ગામે યોગ તાલીમ ક્લાસ ચલાવવામાં આવે છે. દરેક યોગ ટ્રેનરોને એક મહિનાની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. એક મહિનાની તાલીમ મેળવ્યા પછી તેઓને ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીંથી તાલીમ મેળવ્યા પછી પોતાના ગામમાં સવાર-સાંજ ચોગ ક્લાસ ચલાવવામાં આવે છે. સમયે સમયે આવા યોગ ટ્રેનરોની મોહિની ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. હાલમાં આઝાદીના ૭૫મા અમૃત મહોત્સવમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં ૫૦૦થી વધારે યોગ તાલીમાર્થીઓએ ભાગ લીધો અને યોગને ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પ પણ લીધો હતો. ગામમાં સવાર-સાંજ યોગના ક્લાસ ચાલે છે. જેમાં ગામના દરેક આયુ વર્ગના લોકો યોગ કેન્દ્રમાં આરોગ્યની સાર સંભાળ રાખે છે. તેથી યોગ સાધના માટે આસ્થાનું કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે.

ગામમાં સરકારી સુવિધા

મોહિની ગામમાં કુલ ૧,૭૮૩ જનસંખ્યા ધરાવે છે. જેમાં પુરુષો ૮૭૪ અને મહિલા ૯૦૯ જેટલી સંખ્યાનો સમાવેશ થાય છે. અહીં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે છે. ગામમાં કુલ વસાવા સમુદાયના ૩૫૦ અને કાથુડ આદિમ જૂથના ૯ પરિવાર આવેલા છે. ગામમાં કુલ ૧૧૦૦ મતદાર છે. આંગણવાડી કેન્દ્રનાં બે સેન્ટર આવેલાં છે. શિક્ષણ માટે પ્રાથમિક શાળાથી લઇ ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે, ધોરણ-૧થી ૧૨ સુધીની સુવિધા કરવામાં આવી છે. ગામ સહિત તાલુકાના અન્ય ગામોમાંથી ગરીબ આદિવાસીઓનાં બાળકો સ્થાનિક કક્ષાએ શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ મેળવતા બાળકોના વાલીઓ મજૂરી અર્થે બહાર ગામ જતા હોય છે. ત્યારે તેવા વાલીઓના બાળકોને રહેવા માટે ગ્રામીણમિત્ર દ્વારા હોસ્ટેલ પણ ચલાવાઈ રહી છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(પી.એચ.સી.)ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. પાણીની સુવિધા માટે ઘર દીઠ નળની સુવિધા કરવામાં આવી છે. બોરની સાથે ૧૫ જેટલી સિન્ટેક્સ ટાંકી, ૧૫ જેટલા હેડપંપ પણ છે. ગામમાં ચાર સી.સી.રોડ અને ચાર ડામર રોડ બનાવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, શ્રમયોગી આવાસ યોજના, સરદાર આવાસ યોજના સરકારની તમામ આવાસ યોજનાના લાભો તમામ પરિવારોને મળ્યાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ગામમાં કુલ ૮૨ ખાતેદાર ખેડૂત છે. નારપુરણથી ગામના ઉકાઇ જળાશયમાંથી ઉદવહન સિંચાઇ યોજના કેટલાક ખેડૂતોને લાભ મળ્યો છે. ગામમાં નરેગા અંતર્ગત ૧૦ ખેડૂતોને આવરી લઇ જૂથકૂવાની સુવિધા પણ કરવામાં આવી છે. આવા બીજા અન્ય જૂથકૂવા પાણ અહીં બનાવવા જરૂરી છે.

ગામમાં સ્ટ્રીટ લાઈટ મૂકવા માંગ ઊઠી

ગામમાં વીજપોલ પર એલ.ઈ.ડી. લાઈટ મૂકવામાં આવી હતી. પરંતુ ખૂબ જ હલકી કક્ષાની મૂકી હોય માંડ છ મહિના પણ ચાલી ન હતી. તેને યુઝ એન્ડ થ્રો પોલિસીની જેમ કચરાપેટીમાં નાંખી દેવી પડી છે. તેથી ગ્રામજનોને ફરી અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે. વર્ષો પછી ગામમાં સ્ટ્રીટ લાઈટ લાખો રૂપિયાના ખર્ચે મોહિની ગામમાં સુવિધા કરવામાં આવી હતી. પરંતુ આ યોજના વર્ષ ચાલી નથી. ઉચ્છલ તાલુકાનું એકમાત્ર ગામ શિક્ષણના ધામ તરીકે ઊભરી રહ્યું છે. વળી, આ ગામ સ્ટેટ ધોરી માર્ગ પર આવેલ હોય, સતત વાહનોની અવરજવર ચાલતી રહે છે. રસ્તાની બંને બાજુએ ઘરો આવેલાં હોવાથી વૃદ્ધો, નાનાં બાળકો, મૂંગાં પશુઓ રસ્તા પર અવરજવર થતી રહે છે. રાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે ચાલતાં વાહનોથી અકસ્માત થવાનો ભય રહેલો હોય છે. તેથી સ્ટ્રીટ લાઈટ મૂકવાની ખૂબ જ તાતી જરૂરિયાત વર્તાઈ છે.

ગામનું સામાજિક-સાંસ્કૃતિક જીવન, પ્રાચીનતમ આદિમ સમાજનાં માનવીય મૂલ્યનાં દર્શન કરાવે છે

પ્રાચીન ભારતમાં ગામડાંને ગાંવ ગણ રાજ્યની કલ્પનાઓથી શાસન વ્યવસ્થા હતી. આવાં ગામડાંમાં પોતાની પરંપરાગત શાસનની ધૂરા સંભાળવા માટે ગામના વડીલોની ‘પંચપ્રથા’ પ્રચલિત હતી. ઉચ્છલ તાલુકાના મોહિની ગામમાં આવી પરંપરાગત ગાંવ ગણ રાજ્યની કલ્પનાને સાકાર કરતા વર્તમાન સમયમાં પરંપરાગત પંચપ્રથા જોવા મળે છે. જેના લીધે ગ્રામપંચો લોકોની પડતી મુશ્કેલી, ગામની સમસ્યા અને વ્યવસ્થા ચલાવવા માટે સમયે સમયે આયોજન નિયોજન કરતા હોય છે. ગામમાં જ્યારે ઝઘડો, સામાજિક મૂલ્ય, ધારાધોરણો વિરુદ્વ કોઇ ગતિવિધિ હાથ ધરી હોય તો ગ્રામપંચ દ્વારા દંડ પણ કરવામાં આવે છે. અને એ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. જ્યારે નવદંપતીના ઘરે બાળકનો જન્મ થયો હોય જન્મના પાંચમા દિવસે ‘પેચેરો’ પાંચેરોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગામના આગેવાનો સહિત આખા ગામના લોકો ભેગા થાય છે. દાયણ દ્વારા આ દિવસે પૂજાવિધિ કરી પાંચમાં કે છઠ્ઠીની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે લગ્નની ગોઠવણી કરવામાં આવે છે ત્યારે પરંપરાગત વિધિ વિધાનો દ્વારા લગ્ન કરવામાં આવે છે. મૃત્યુ પ્રસંગે પણ આખા ગામનાં લોકો જોડાઇ છે. પ્રકૃતિની ગોદમાં વસવાટ કરતા આદિમ સમુદાય વર્ષનાં ઋતુચક્ર પ્રમાણે આવતા અલગ અલગ તહેવારોની સામૂહિક રીતે ઉજવણી કરાય છે. આમ, સાંસ્કૃતિક વૈવિધ્યતાનો વારસો ધરાવતા ભારતમાં આદિવાસીઓની સામાજિક- સાંસ્કૃતિકમાં પ્રાચીનતમ આદિમ સમાજનાં માનવીય મૂલ્યનાં દર્શન થાય છે.

પ્રાથમિક શાળામાં ત્રણ શિક્ષકની ઘટ

મોહિની ગામની પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકની ઘટ છે. આદિવાસી વિસ્તારમાં કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણની સુવિધાથી શિક્ષણનું સ્તર ગગડ્યું છે. ત્યારે ત્રણ શિક્ષકની ઘટથી શિક્ષણના હકથી વંચિત રહી જાય તો નવાઇ નહીં. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. તો બીજી તરફ શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂર્તતા કરવામાં આવતી નથી. સરકારી તંત્ર સહિત નેતાઓ મોહિની ગામને શૈક્ષણિક ધામનું વિકસીત કર્યાનાં ગાણાં ગાઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ શિક્ષકોની ઘટની ખાલી ભરવામાં આવી નથી. સરકારની બેવડી નીતિ આ વિસ્તારની ભોળી આદિવાસી પ્રજા સમજી શકી નથી. આવું ઓરમાયું વર્તન કેમ દાખવી રહી છે ? તેવા ગામના લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. આ વિસ્તારનાં બાળકોને શિક્ષણથી વંચિત રહી ન જાય તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા શિક્ષકોની વહેલી તકે પૂર્તતા કરે તેવી માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.

Most Popular

To Top