Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો કરી ૫૦,૦૦૦ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કમિટિની રચના કરી સહાય ચુકવાશે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.

મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાનો મૃત્યુદર પ્રમાણમાં ખૂબ જ ઓછો નોંધાયો છે. ગુજરાતમાં પણ જ્યારથી કોવિડનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ રાજ્ય સરકારની અસરકારક કામગીરી અને સમયબધ્ધ આયોજનના પરિણામે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોવિડનો મૃત્યુદર ખૂબ જ ઓછો છે. રાજ્યમાં છેલ્લા બે એક વર્ષથી પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ અંતર્ગત ૧૦,૦૮૨ જેટલા મૃત્યુ નોંધાયા છે.

કોવિડ-૧૯ માં નોંધાયેલા મૃત્યુ સંદર્ભે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના તા.૨૫-૦૯-૨૦૨૧ના પત્રથી SDRFની હાલની જોગવાઇઓમાં ઉમેરો કરી રૂ. ૫૦,૦૦૦ની સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે. જે સંદર્ભે ગુજરાતમાં આ સહાય ચુકવવા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી ભારત સરકારની સુચના મુજબ રૂ.૫૦,૦૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લાઓમાં કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલો કાર્યરત કરીને પુરતી પથારીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. મંગળવારે વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરીમાં કેટલાક પ્રશ્નમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં થયેલ મૃત્યુના આંકડા તેમજ કેટલાક પ્રશ્નોમાં જિલ્લાઓના મૃત્યુના આંકડા માગવામાં આવેલા છે. રાજ્ય સરકારે કોવિડ-૧૯ના કારણે મૃત્યુના જે આંકડા જાહેર કર્યા છે. તેમાં મહાનગરપાલિકા વિસ્તારની વિગતો તેમજ કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર, તેમજ હોમ આઇસોલેશનમાં થયેલા મૃત્યુના આંકડાઓનો સમાવેશ થાય છે. અમુક જિલ્લાઓમાં પ્રશ્નોત્તરીમાં માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જ થયેલા મૃત્યુના આંકડાઓ માંગવામાં આવેલા છે. તેમાં ખાનગી હોસ્પિટલ તેમજ આઇસોલેશનમાં રહેલા દર્દીઓના મૃત્યુના આંકડાઓનો સમાવેશ થતો નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે આણંદ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, વલસાડ, દાહોદ, પોરબંદર, ભરૂચ, નર્મદા, મહેસાણા પાટણ, છોટાઉદેપુર, વડોદરા, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્ધારકા જિલ્લાઓની માત્ર ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં થયેલા મૃત્યુના આંકડાની વિગતો તારાંકિત પ્રશ્નોમાં આપવામાં આવી છે. મહાનગરપાલિમાં કોવિડ-૧૯ના કારણે થયેલા મૃત્યુના આંકડાઓમાં કોઇ વિગતો માંગેલી નથી.

કોવિડ કાળ દરમિયાન કોવિડ-૧૯ અને અન્ય ગંભીર બિમારીના કારણોસર મૃત્યુ નોંધાયુ હોય તેવા તમામ મૃતકોના સંતાનોને સહાયરૂપ થવા માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી બાલ સખા યોજના જાહેર કરીને આવા બાળકોને સહાયરૂપ થવાનો નિર્ણય કરાયો હતો. જે હેઠળ મૃતકના એક કરતાં વધુ પ્રત્યેક બાળકોને લાભાર્થી તરીકે સહાય આપવામાં આવે છે.

To Top