
સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓલણ કાંઠે આવેલું વસતીની દૃષ્ટિએ નાનું પણ આઝાદીના સંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપનાર ગામ એટલે પુના. મહુવા તાલુકાના અનાવલ મહુવા સ્ટેટ હાઈવે પર જ આવેલા પુના ગામમાં મહત્તમ ધોડિયા જાતીની વસતી આવેલી છે. પુના ગામમાં આશ્રમ ફળિયું, પટેલ ફળિયું, નેવા ફળિયું, સડક ફળિયું આવેલું છે. પ્રમાણમાં નાનું કહી શકાય એમ આ ગામમાં વસતી ૧૫૬૫ અને ૧૧૬૮ જેટલા મતદારો છે. ગામમાં વિકાસની સારી એવી શરૂઆત થઈ ચૂકી હોવાનું જણાય રહ્યું છે. આંતરિક રસ્તા પણ સારા બની ગયેલા જોવા મળી રહ્યા છે.
આ ગામમાં વસતા પરિવારોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મોટા ભાગના પરિવારો કૃષિ સાથે સંકળાયેલા છે. કૂવા, બોર તેમજ ઓલણ નદીના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી ખેતીના પાકોનું ઉત્પાદન લઇ રહ્યા છે. શેરડી, ડાંગર તેમજ શાકભાજી મુખ્ય પાક તરીકે લોકો પસંદ કરી રહ્યા છે. પુનામાં મહિલાઓની વ્યવસાય પશુપાલન છે. મહિલાઓ પણ પરિવાર માટે રોજગારીના વિકલ્પમાં પશુપાલનને મહત્ત્વ આપ્યું છે. ગ્રામજનો દ્વારા ઉત્પાદિત દૂધના પોષાય તેવા ભાવો મળી રહે એ માટે ગ્રામજનો દ્વારા એક સહકારી દૂધ ઉત્પાદક મંડળી પુના બનાવવામાં આવી છે. પુનામાં બાળકોના ભણતરના પાયા માટે બે આંગણવાડી આવેલી છે. તો એક જિલ્લા પંચાયત સંચાલિત એક પ્રાથમિક શાળા આવેલી છે. ગામના વિદ્યાર્થીઓ ત્યાંથી જ અભ્યાસ લઇ રહ્યા છે. જ્યારે પુનામાં જ એક આશ્રમશાળા આવેલી છે. જ્યાં આ વિસ્તારનાં બાળકો રહીને અભ્યાસ કરી રહ્યાં છે. આ નાનકડા ગામમાંથી એમબીએ, ઈજનેર જેવા ડિગ્રીધારીઓ તેમજ સરકારી નોકરિયાત વર્ગ પણ છે. જે ગામનું ગૌરવ વધારી રહ્યા છે.
આઝાદી પૂર્વે સાતમી રાનીપરજ પરિષદ તા.૨૯-૪-૨૮ના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખ પદે મહુવા તાલુકાના પુના ગામે ત્યાંના સ્વરાજ આશ્રમ સામેના મેદાનમાં મળી હતી. આ પરિષદમાં સંપૂર્ણ ખાદીધારી ૫૦૦૦ રાનીપરજો હાજર રહ્યા હતા. પુના ખાતે યોજાયેલી રાનીપરજ પરિષદમાં ગાંધીજી આવી શક્યા નહોતા. ત્યારે તેમણે આ પરિષદમાં નહીં આવી શકાયું હોવાનું દુઃખ વ્યક્ત કરતાં તેમણે મોકલેલા સંદેશામાં રાનીપરજનાં ભાઈ-બહેનોની બારડોલી લડતમાં ભાગ લેવાની વાતને શોભાવનારી જણાવી હતી. તો તેમણે નિર્ભયતા કેળવી શુદ્ધતાની લડતમાં માનતા હોવાનું જણાવ્યું હતું. સાથે રાનીપરજ માટે સવાલો કર્યા હતા કે જેઓ પોતાને રાનીપરજ કહેડાવે છે તેઓ ભય તો કેમ જ રાખે? આત્મશુદ્ધિના યજ્ઞમાં દારૂ, જુગાર કે અન્ય વ્યસનો અથવા પરદેશી કાપડ શોભે જ કેમ?
ગામમાં જાણીતા મંદિરો પણ આવેલાં છે. ગામમાં નવરાત્રિ, ગણેશ ચતુર્થી સહિતના તહેવારો અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. તો આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને અસ્મિતા ટકાવી રાખવા અને આદિવાસીઓના હક્કો અધિકારો માટે આગળ આવતા જાગૃત આદિવાસી યુવાનો પણ અહીં જોવા મળશે.
પુનાનોa વિકાસ વિકાસ ધીમે પરંતુ મક્કમ રીતે આગળ વધી રહ્યો છે. ગામમાં આંતરિક રસ્તાથી લઇ પાણીની સુવિધા તેમજ અન્ય પાયાની જરૂરિયાતો સંતોષવામાં સરપંચ સ્નેહલ પટેલ અને તેની ટીમ ખરી ઊતરી છે. સરકારની આવાસથી લઈ તમામ યોજનાઓ ગ્રામજનોને મળી રહે એ માટે ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલ જે રીતે ગામનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં આવનારાં વર્ષોમાં પુનાની રોનક કંઈક અલગ જ હશે તેમાં કોઈ બેમત નથી. આંકડાકીય માહિતી
# વસતી-૧૫૬૮
# ક્ષેત્રફળ-૩૦૩-૯૨-૫૯
# વોર્ડ-૮
# મતદાર-૧૧૬૮=પુરુષ ૭૪૭, સ્ત્રી-૮૧૭
# આંગણવાડી-૧
# શાળા-૧
# ઘર-૪૩૩
મહુવા તાલુકામાં દીપડાના અભયારણ્યસમાન જો કોઈ સ્થળ હોય તો તે છે પુના. આ ગામમાં દીપડા દેખા દેવાના બનાવની કોઈ જ નવાઇ નથી. ખુલ્લેઆમ દીપડા આ ગામમાં ઘણીવાર જોવા મળ્યા હતા. જેના પરિણામે ગ્રામજનોની રજૂઆતને પગલે વનવિભાગ દ્વારા વારંવાર દીપડાને કેદ કરવા પાંજરું ગોઠવવામાં આવે છે. અત્યાર સુધી અધધ કહી શકાય એટલા ૩૦થી વધુ દીપડા પુના ગામમાંથી જ પકડવામાં આવ્યા છે. અને હાલ પણ દીપડા દેખા દેવાના બનાવો યથાવત જ છે. ત્યારે આ આંક ક્યાં પહોંચે એ જોવું રહ્યું.
પુના ગામના યુવાનો દ્વારા દર વર્ષે કબડ્ડી રમતનું આયોજન કરવામાં આવે છે. પરંપરાગત અને રાષ્ટ્રીય રમત કબડ્ડી ગ્રામ્ય વિસ્તારોમાં ધીરે ધીરે ભુલાઈ રહી છે. ત્યારે પુના ગામના યુવાનોને આ રમતનું પ્રોત્સાહન મળે એ માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં આ વિસ્તારનાં ગામોની ટીમો ઉત્સાહભેર ભાગ લે છે. અને વિજેતા બનનાર ટીમને ઇનામો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં અભિનેતા-અભિનેત્રીનાં લગ્ન ગામમાં થયાં હતાં
સુપ્રસિદ્ધ ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં અભિનેતા રાજકુમાર અને અભિનેત્રી નરગીસનાં લગ્નનાં દૃશ્યો પૂનામાં જ ભજવવામાં આવ્યાં હતાં. પુના ગામના રસ્તા ઉપર લગ્નની જાન નીકળી હતી તે રસ્તા હયાત છે. તો ગામમાં જે ઘરઆંગણે આ લગ્નનાં દૃશ્યો દર્શાવવામાં આવ્યાં તે ઘર હજી પણ નવીનીકરણ સાથે હયાત છે. હાલ તો આ ગામની મોટા ભાગની જગ્યાઓ ‘મધર ઈન્ડિયા’ ફિલ્મ સાથે જોડાયેલી છે.

પુના ગામનું બળદગાડું જે સુપરહિટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’માં વપરાયું હતું એ આ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ‘મધર ઇન્ડિયા’ ફિલ્મનું નામ આવતા જ મહુવા તાલુકાના રમણીય વિસ્તારની ઝલક સામે આવી જાય છે અને ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના કેમેરામાં કંડેરાયેલી એક એક વસ્તુ કે જગ્યા આજે એક અનોખું સ્થાન ધરાવે છે. એ વસ્તુમાંની એક હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલ સવારી એટલે બળદગાડું. ૧૯૫૨માં બનેલી આ સવારી પુનાના રહીશ દેવજીભાઈ વૈદની છે. દેવજીભાઈ વૈદ એ સમયના આ વિસ્તારમાં વૈદ તરીકેની ભૂમિકા ભજવી લોકોની સારવાર કરતા હતા. આ સવારી હાલ તેમના પુત્ર પ્રવીણભાઈ દેવજીભાઈએ એક અણમોલ યાદગીરીના સ્વરૂપે સાચવી રાખી છે. આ સવારીનું મહત્ત્વ એટલે વધી જવા પામ્યું છે કે સુપ્રસિદ્ધ-સુપરહિટ ફિલ્મમાં આ સવારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં મહત્ત્વનાં કેટલાંક દૃશ્યો પૂના ગામમાં ભજવવામાં આવ્યાં હતાં. ત્યારે આ સવારીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજકુમાર અને અભિનેત્રી નરગીસ પણ આ સવારીમાં બેઠાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
પુના ગામમાં પગ મૂકતાં જ આઝાદી માટેની લડતની યાદ તાજી થાય છે. પુના ગામ અગાઉ ગાયકવાડી શાસનકાળ ધરાવતું હતું. ગામના કેટલાક સપૂતોએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાનો ફાળો આપ્યો હતો. ગામમાં શિક્ષણની સુવિધા તરીકે પ્રાથમિક શાળા તથા આંગણવાડી આવેલી છે. તેમાં ગામનાં બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. ગામમાં જે પ્રાથમિક શાળા આવેલી છે તેની શરૂઆત તા.૧૯.૦૧.૧૯૦૭ના રોજ થઇ હતી. જે સૌપ્રથમ બુનિયાદી સર્વોદય શાળા તરીકે ઓળખાતી હતી. પરંતુ ઇ.સ. ૧૯૬૦માં ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના થઇ ત્યારબાદ પણ ઇ.સ. ૧૯૭૯ સુધી સર્વોદય શાળા જ પુના ગામમાં ચાલી રહી હતી. ત્યારબાદ ઇ.સ. ૧૯૭૯થી આ શાળા જિલ્લા પંચાયત હસ્તક લેવામાં આવી હતી.

હાલ ધોરણ-૧થી ૮ સુધી શિક્ષણ કાર્ય અપાઈ રહ્યું છે. શાળામાં તમામ પ્રકારની ભૌતિક-શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લા પંચાયત શાળા ઉપરાંત ગામમાં આશ્રમ શાળા પણ આવેલી છે. આ આશ્રમ શાળાની સ્થાપના ૩૦.૦૬.૧૯૯૪ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક છગનભાઈ કેદારિયા હતા. આ આશ્રમ શાળામાં આદિવાસી વિસ્તારનાં બાળકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે. અહીં સુરત જિલ્લા ઉપરાંત ડાંગ, નવસારી, કપરાડા, તાપી તેમજ અન્ય આજુબાજુના વિસ્તારમાંથી બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. હાલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે. તેમજ સુરક્ષાને ધ્યાનમાં લઈ આ આશ્રમ શાળામાં સી.સી.ટીવીથી લઈ ટેક્નોલોજીની તમામ સુવિધા ઉપલબ્ધ છે.

આ બાબતે ગામના સરપંચ સ્નેહલ પટેલે જણાવ્યું કે, પુના ગામ એટલે ઐતિહાસિક ગામ અને એની સેવા કરવાની તક મળી એ ગામના વડીલોનાં આશીર્વાદ છે. આવનારા દિવસોમાં પુના ગામને વાઇફાઇ, સી.સી.ટીવી, સ્ટ્રીટ લાઈટથી જોડાશે. વીજ બિલ ગ્રામ પંચાયતમાં સ્વીકારવામાં આવશે. અમારા ગામમાં મિની એટીએમની વ્યવસ્થા હાલમાં કાર્યરત છે. ગામના હિત માટે મારા ગામના તમામ યુવાનો હંમેશાં સહકારની ભાવના સાથે ગામનું હિત વિચારી રહ્યા છે. જે હાલના સંજોગોમાં કાબિલેતારીફ ગણી શકાય છે. હું ગામની એકતા માટે માનું છું. અમારા તાલુકામાં પુના મોખરે છે. કોરોના કાળમાં ગ્રામજનોની સૂચનાઓનો અમલ કરી ગામને આરોગ્યથી સુરક્ષિત રાખવામાં ઘણો સહકાર મળ્યો છે. અને આજે વેક્સિનેશનમાં પણ ગામ ૧૦૦ % સિદ્ધિ મેળવી ચૂક્યું છે.
આઝાદીની લડતના રંગે રંગાયેલા મહુવા તાલુકા સુરત જિલ્લાના લડતના કેન્દ્રરૂપ બનેલા એવા ઐતિહાસિક પુના ગામે આદિવાસી ધોડિયા કોમના આઝાદીના લડવૈયા અને પરિશ્રમી કિસાન સોમાભાઈ ભેકડિયાભાઈ પટેલને ત્યાં તા.૩૧-૧૨-૧૯૧૬ના દિને માતા ઝીણીબેનની કુખે એમનો જન્મ થયો હતો.મહુવા તાલુકાના પુના ગામનું વિરલ વ્યક્તિત્વ, પનોતા પુત્ર કે મૂઠ્ઠી ઊંચેરા માનવી જેવા બધાં જ વિશેષણો એમના માટે ઓછાં પડે છે. પ્રેમાળ અને મિલનસાર હસ્તી એટલે સ્વ.હાકાભાઈ સોમાભાઈ પટેલ. જેમનું નામ પડતાં ગૌરવની લાગણી જન્મે છે. એ પરોપકારી કર્મઠ વ્યક્તિએ આદિવાસી સંસ્કારી કુટુંબમાં જન્મી નિષ્કામ કર્મના સથવારે જિંદગી સુવાસિત અને પ્રેરણાદાયી બનાવી હતી. ધોડિયા જ્ઞાતિના ગરીબ કુટુંબમાં ભલે જન્મ થયો હોય, પરંતુ વિચારોથી ખૂબ જ ખાનદાન હતા. મિલનસાર સ્વભાવ, પરોપકારી, માયાળુ અને દયાળુ હતા. તેઓ મીતભાષી હતા. ધોરણ-૪ સુધીનો અભ્યાસ પુના ખાતે કર્યો હતો. ત્યારબાદ ગાયકવાડ સરકારે પ્રસ્થાપિત કરેલી તાલુકા મહુવા ખાતે અનાવલ બોર્ડિંગમાં રહી ધો.૬ ઉત્તીર્ણ કર્યું હતું. એ સમયે છઠ્ઠું ધોરણ પાસ કરનાર શિક્ષક થઈ શકતા હતા. પરંતુ એ વ્યવસાય પસંદ ન કરતાં બહુજન સમાજના સેવાભાવી બની ગયા. મહુવા તાલુકાની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં હંમેશાં અગ્રેસર રહી એ સંસ્થાને પ્રગતિના પંથે લઈ જવા સુધીની અસાધારણ પ્રવૃત્તિના તેઓ કર્મઠ આચાર્ય બન્યા હતા. લગભગ ત્રણ દાયકા સુધી પુના ગામના સરપંચ તરીકે નિષ્ઠાભરી સેવા કરી હતી. સહકારી મંડળી, જંગલ કામદાર મંડળી, ધોડિયા સમાજના પુના ચોરાના પણ પ્રમુખ રહ્યા હતા. મહુવા સુગર ફેક્ટરીના સ્થાપક, પ્રયોજક, મહુવા તાલુકા કામદારમંડળના પ્રમુખ, મહુવા તાલુકાના પ્રિન્ટિંગ પ્રેસના પ્રમુખ તથા વલવાડા વિભાગ કેળવણીમંડળના સ્થાપક અને ટ્રસ્ટી હતા. એમની ગેરહાજરીમાં સેવા માટેની સ્મૃતિ લોકહૃદયમાં જીવંત રાખવા વલવાડા હાઈસ્કૂલમાં એમની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. મહુવા તાલુકા આદિવાસી સેવા સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. જેના દ્વારા મહુવરિયા ગામે અંબિકા સાર્વજનિક હાયસ્કૂલ ચાલે છે. આમ, ઘણી સંસ્થાઓમાં સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવનાર એવા એમનાં કાર્યોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલી છે. તેઓ હયાત હતા ત્યારે તેમણે કરેલા સમાજના અને સહકારી તથા શૈક્ષણિક કાર્યોને બિરદાવતા શ્રી સમસ્ત ધોડિયા સમાજ, કરચેલિયા દ્વારા નિષ્ઠાવાન અને નિ:સ્પૃહી બહુજન સમાજના સેવાવૃત્તિ તરીકે સન્માન કરતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી. “જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો” પંક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી તા.૨૨-૧૨-૧૯૯૭ના દિવસે ટૂંકી માંદગી બાદ તેમણે જીવનલીલા સંકેલી લીધી હતી.
પુના ગામની સીમમાં તાડનાં વૃક્ષની સંખ્યા પ્રમાણમાં ઘણી છે. આ ગામમાં તાડનાં ઝાડ હોય ત્યારે સિઝનમાં ગલેલીનું આકર્ષણ પણ જોવા મળતું હોય છે. તો કેટલાક લોકો આ તાડનાં ઝાડ થકી ગલેલીનું વેચાણ કરી આવક પણ મેળવી લે છે. હાલ તો પુના ગામના લોકો માટે તાડ એ કલ્પવૃક્ષ કહી શકાય એમ છે. ત્યારે તાડ આ ગામના લોકો માટે આવકનો સ્ત્રોત છે. હાલ તો ગામમાં તાડમંડળી બનાવી તાડથી ઉત્પાદિત ચીજવસ્તુઓ માટે વધુ રોજગારીનો વિકલ્પ બનાવવામાં આવે તે ગ્રામજનોની માંગ છે.
દક્ષિણ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો રાવણતાડ પણ પુના ગામમાં જોવા મળ્યો હતો. તાડમાં મુખ્યત્વે એક જ સીધા થડ જોવા મળે. પરંતુ આ રાવણતાડમાં ડાળની પ્રશાખાઓ નીકળવા પામી છે. જેને લીધે તેનું નામ રાવણતાડ રાખવામાં આવ્યું હતું. એ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
