Vadodara

ભરથાણા ટોલનાકા પાસેથી ગાંજાના જથ્થા સાથે જામનગરનો શખ્સ ઝબ્બે

વડોદરા: રૂરલ એસઓજી પોલીસે કરજણ તાલુકાના ભરથાણા ગામની સમીમાં એલ એન્ડ ટી ટોલનાકા પાસે ખાનગી બસમાં મુસાફરી કરતા જામનગરના શખ્સ પાસેથી પોલીસે 9.908 કિગ્રા વજનનો રૂ. 99,080ની મતાનો ગાંજોનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરી હતી. રૂરલ એસઓજી પોલીસે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. રૂરલ એસઓજી પોલીસ વડોદરા જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ભરૂચથી  શિવાલી ટ્રાવેલ્સ લકઝરી બસમાં છેલ્લી સીટ પર બેસીને આવતો એક યુવક ગાંજાના જથ્થો લઇ કરજણના ભરથાણા ગામની સીમમાં એલએન્ડીટી ટોલનાકા પાસેથી હેરાફેરી કરવાનો છે.

જેથી ટીમે ભરૂચથી વડોદરા જતા રોડ પર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન લકઝરી બસ આવતા તેને રકાવી તપાસ કરતા છેલ્લી સીટ પર બેસેલો તૌકીર ઉર્ફે સાજીદ કાદર બ્લોચ(રહે.ચમન ટેકરી, જામનગર) મળી આવ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા તેની પાસે થેલામાંથી 9.908 કિગ્રા વજનનો રૂ. 99,080ની મતાના ગાંજોનો જથ્થો મળ્યો હતો. જેથી પોલીસે તૌકીર ઉર્ફે સાજીદ કાદર બ્લોચની ધરપકડ કરી વધુ પુછપરછ કરી હતી.

પુછપરછ દરમિયાન તૌકીરે જણાવ્યું હતું કે, આ નશાયુક્ત ગાંજાનો જથ્થો જામનગર ખાતે રહેતા મુન્ના ઉર્ફે અલ્તાફ ઉર્ફે મુનાફ ગુલામહુસેને મંગાવ્યો હતો. અને આ નશાયુક્ત ગાંજાનો જથ્થો તેણે  સાગરબારા તરફના અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો. જેથી પોલીસે  તૌકીર ઉર્ફે સાજીદ કાદર બ્લોચની ધરપકડ કરી હતી. જયારે મુન્ના ઉર્ફે અલ્તાફ ઉર્ફે મુનાફ ગુલામહુસે અને  સાગરબારા તરફના અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી હતી. તેમજ પોલીસે તમામ વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top