Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: હજીરામાં મલ્ટિ નેશનલ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપોનએ સવિર્સ ચાર્જ ભર્યા વગર જ જમીન માંગણી કરેલી પ્રકિયા ઉપર તાજેતરમાં જિલ્લા કલેકટરે બ્રેક મારી દીધી છે.

હજીરા પટ્ટીમાં હજીરા તેમજ શિવરામપુર ગામ આસપાસની આશરે 19 લાખ ચોરસમીટર જમીન માટે આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીએ માંગણી કરી હતી. આ જમીનની કિંમત 450 કરોડ આસપાસની થાય છે. આ જમીન માટે કંપનીએ અગાઉ સરકારમાં પણ ભારે લોબિંગ પણ કર્યું હતું. પરંતુ આ કંપની સામે અગાઉ પણ ઘણા લેણા બાકી હોય સરકારે પણ ફુંકી ફુંકીને આ કંપનીમાં આગળ વધવા વ્યૂહરચના ગોઠવી છે. જમીન ફાળવણી માટે આ કંપનીએ પાટનગરથી મોટાપાયે દબાણ કર્યું હતું. કંપનીએ સવિર્સ ચાર્જ ભરવાની દરકાર નહીં રાખી બારોબાર ફાઇલ ચલાવવા તજવીજ કરી હતી.

આ કંપનીએ હજીરામાં એસ્સાર સ્ટીલ કંપનીને 42 હજાર કરોડ રૂપિયામાં ટેકઓવર કરી હતી અને હવે હજીરામાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે જમીનની માંગણી કરી હતી. આ કંપનીએ હજીરા વિસ્તરામાં આવેલી અલગ અલગ સરકારી નંબરો વાળી ચારેક જમીન માંગી હતી. આ જમીન માંગણી કરતા પહેલા સરકારી નિયમો મુજબ કંપનીએ પહેલા જંત્રીની કિંમતના એક ટકો રકમ સરકારી તિજોરીને ભરવાની હોય છે. આશરે 450 કરોડની આ જમીન કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ એકસ્પાન્સનના હેતુથી માંગી હતી. પરંતુ કંપનીએ એક ટકો સવિર્સ ચાર્જ લેખે 4.5 કરોડ સરકારી તિજોરીને ભર્યા નહોતાં. જેથી જિલ્લા કલેકટરે આ કંપની પહેલા સવિર્સ ચાર્જ રકમ ભરવા સાફ શબ્દો જણાવી સમગ્ર કામગીરી ઉપર અટકાવી દીધી છે.

ચોર્યાસી મામલતદાર સકસેનાએ ફાઇલ કલેકટર પાસે મોકલી હતી

હજીરામાં જમીન માંગણી સાથે સ્ટીલ કંપની આર્સેલર મિત્તલ નિપોન તરફથી અરજી કરાઇ હતી. આ અરજીની તપાસ કરી ચોર્યાસી મામલતદાર સકસેનાએ અરજી કલેકટરને મોકલી હતી અને કલેકટરના કાને આ કંપનીએ એક ટકો સર્વિસ ચાર્જ ભર્યો નહીં હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે કલેકટરે આ અરજી ઉપર આગળની કાર્યવાહી પહેલા નિયમોનુસાર સર્વિસ ચાર્જની રકમ ભરવા માટે જણાવ્યું હતું. જોકે કલેકટરના આ આદેશ પછી પણ કંપની તરફથી કોઇ સળવળાટ નહિં જોવા મળતા આગામી દિવસોમાં આ અરજી દફતરે પણ થઇ શકે છે.

નિયમો મુજબ પહેલા રકમ સરકારી તિજોરીને ભરવી પડે: જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ

સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ટેલિફોનિક પુછપરછમાં જણાવ્યું હતું કે કોઇ પણ કંપની સરકારી જમીનની માંગણી કરે તો તેમણે સરકારે નકકી કરેલા દર મુજબ સૌપ્રથમ 1 ટકો રકમ સેવા શુલ્ક પેટે ભરવા પડે છે. જો કોઇ પણ કંપની આ રકમ ન ભરે તો તેમને પહેલા આ રકમ ભરવા જણાવવામાં આવે છે.

To Top