ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત મહાસોદાને લઈને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં ભારત અમેરિકા પાસેથી આશરે 500 અબજ ડૉલર (લગભગ 41 લાખ કરોડ રૂપિયા)નો માલસામાન ખરીદી શકે છે. આ વ્યાપક ટ્રેડ ડીલની બ્લુપ્રિન્ટ પર માર્ચ મહિનામાં મહોર વાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઊર્જા, હાઈ-ટેક ઉપકરણો અને એવિએશન સેક્ટર આ સમજૂતીના કેન્દ્રમાં રહેશે. ગોયલે સ્પષ્ટ કર્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મર્યાદિત દેશો પર નિર્ભર રહેવા ઇચ્છતું નથી. ખાસ કરીને ક્રૂડ તેલ અને કોલસાની ખરીદી માટે નવા સ્રોતો વિકસાવવા પર ભાર મૂકાયો છે. તેમણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ માટે જરૂરી કોકિંગ કોલ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હાલ ભારત માત્ર બે-ત્રણ દેશો પર નિર્ભર છે, જ્યારે તેની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા પાસેથી ઉચ્ચ ગુણવત્તાવાળા કોકિંગ કોલની આયાત ઉદ્યોગોને સ્થિરતા અને સ્પર્ધાત્મકતા આપી શકે છે.
આ ડીલનો મહત્વપૂર્ણ પાસો એ પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Donald Trumpએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત રશિયાથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે, જે વેપાર સંબંધોને નવી દિશા આપી શકે છે. વેપાર સમજૂતી માત્ર પરંપરાગત કોમોડિટી પૂરતી મર્યાદિત નથી. ભારત એવિએશન ક્ષેત્રે ઝડપી વૃદ્ધિ માટે આગામી પાંચ વર્ષમાં આશરે 100 અબજ ડૉલરના વિમાનો ખરીદવા ઇચ્છે છે. સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરૂરી ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU), ડેટા સેન્ટર સાધનો અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટર સિસ્ટમ્સ જેવી અદ્યતન ટેકનોલોજી પણ અમેરિકાથી મેળવવા ભારત પ્રયત્નશીલ છે. અંતિમ વેપાર સમજૂતી અને કાયદાકીય ડ્રાફ્ટને પૂર્ણ સ્વરૂપ આપવા માટે ભારતીય પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે અમેરિકા જશે. ગોયલે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતે નવ મહત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે અને હવે દેશ પોતાની શરતો પર મજબૂત રીતે વૈશ્વિક મંચ પર વાટાઘાટ કરી રહ્યો છે.