Columns

હું જ મહાન હું જ નાદાન

ભગવાન તથાગત બુદ્ધના આશ્રમમાં તેમનો પિતરાઈ ભાઈ સુભગ રહેવા આવ્યો.પોતે ભગવાન બુદ્ધનો નજીકનો સંબંધી છે એ વાતને આગળ કરી, તેનો ગર્વ કરી તે આશ્રમના બીજા ભિખ્ખુઓ સાથે બરાબર વર્તન ન કરતો.તેમની સાથે ઉદ્ધતાઈ કરતો. ભગવાન બુદ્ધના કાને આ વાત ગઈ. તેમણે સુભગને બોલાવીને કંઈ પણ બોલ્યા વિના સીધી ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ અને આશ્રમની છેલ્લી કુટિરમાં એકાંતવાસની સજા આપી.ભગવાન બુદ્ધના શિષ્ય આનંદે કહ્યું, ‘પ્રભુ, આપ તો કોઈ પર ગુસ્સે થતાં નથી, છતાં તમને આજે સુભગ પર ક્રોધ આવ્યો અને તમે તેને સીધી સજા ફરમાવી દીધી.’ ભગવાન બુદ્ધ મર્માળું હસ્યા અને બોલ્યા, ‘હું ગુસ્સે થાઉં? હું કોઈને સજા કરું? મેં સુભગને સજા કરી છે કે દિવ્ય આશિષ આપ્યા છે તે તો ત્રણ દિવસ પછી ખબર પડશે.’

ત્રણ દિવસ વીત્યા. સુભગ એકાંતવાસમાંથી બહાર આવ્યો.આનંદ અને બીજા ભિખ્ખુઓને લાગતું હતું કે કદાચ સુભગ આ સજાને અપમાન ગણી આશ્રમ છોડી ચાલ્યો જશે અથવા અન્ય  ભિખ્ખુઓને કારણે સજા થઈ એમ વિચારીને બધા સાથે વધુ ખરાબ વર્તન કરશે. પણ બધાંના આશ્ચર્ય વચ્ચે સુભગ બહાર આવ્યો. તેના મુખ પર પરમ શાંતિ હતી.ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ હતા છતાં પાણી પીધા વિના તે સીધો ભગવાન બુદ્ધની કુટિર તરફ દોડ્યો અને તેમનાં ચરણોમાં પડીને કહેવા લાગ્યો, ‘પ્રભુ ધન્યવાદ. આપે સજા કરીને મારી પર બહુ કૃપા કરી.આપનો ખૂબ ખૂબ આભાર.’ ભગવાન બુદ્ધે તેને ખભા પકડી ઊભો કર્યો અને કહ્યું, ‘વત્સ, તારી આંખો ખૂલી ,મન સાફ થયું અને નવચેતના સાથે સત્ય સ્ફુરણા થઈ એટલે હું બહુ ખુશ છું.ચાલ, બધી વાતો પછી, પહેલાં ભોજન કરી લે.’પછી ભોજન મંગાવીને પ્રભુએ સુભગને પોતાના હાથે ભોજન કરાવ્યું.બધાને બહુ નવાઈ લાગી, પણ કારણ સમજાયું નહિ.

એ દિવસે બપોરે ભોજન બાદ આનંદ સુભગને મળવા ગયો અને તેણે સુભગને તેના એકાંતવાસના અનુભવ વિષે પૂછ્યું, ‘સુભગ, તને ત્રણ દિવસમાં શું અનુભવ થયો.’ સુભગ બોલ્યો, ‘અરે ભિખ્ખુ આનંદ, ત્રણ દિવસમાં મારું જીવન બદલાઈ ગયું છે.મન શુદ્ધ થયું છે. હું તો ભગવાન તથાગતની રજા લઈને આઠ દિવસના નિર્જળ ઉપવાસ અને એકાંતવાસમાં જવા માંગું છું.’ આનંદે કહ્યું, ‘પણ તારો અનુભવ તો કહે.’ સુભગે કહ્યું, ‘ત્રણ દિવસ મેં સતત વિચારો કર્યા.ઘણા વિચારો કર્યા.બીજા વિષે.ભગવાન વિષે.મારા વિષે.સંજોગો વિષે.જીવન વિષે ઘણું વિચાર્યું ત્યારે એક ઝબકારા રૂપે મને એક રહસ્ય સમજાયું કે જગતમાં હું જ મહાન છું અને હું જ નાદાન છું.એકાંતમાં મેં મારી ખામીઓ વિષે વિચાર્યું ત્યારે મને આ સત્ય સમજાયું અને જે દિવસે આ સમજાઈ જાય તે દિવસથી નવજીવન શરૂ થાય છે.’ સુભગે જાતતપાસ કરી પોતાના વર્તનની સમીક્ષા અને સમજણ કેળવી મનની શાંતિ મળે છે તે સમજાવ્યું.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top