Top News

More Posts

   The Latest

Most Popular

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સર્વે મુજબ કોરોનાના કારણે આ વર્ષે જીડીપીમાં 7.7%ના ઘટાડાનો અંદાજ છે. જો કે ત્યારબાદ વી શૅપ રિકવરીથી 2021-22માં જીડીપીમાં 11% વિકાસની આશા છે. છતાં પણ મહામારી પૂર્વેના સ્તરે આવતા અર્થતંત્રને બે વર્ષ લાગશે.

કોરોનાને લીધે લૉકડાઉન લદાતા એપ્રિલ-જૂન 2020 દરમ્યાન જીડીપીમાં 23.9% ઘટાડો થયેલો. અનલૉક બાદ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ ઘટાડો 7.5% રહી ગયો. 2020-21ના પ્રથમ છ મહિનામાં જીડીપીમાં 15.7%નો ઘટાડો તથયો છે. સર્વેમાં અંદાજ છે કે બીજા છ મહિનામાં આ ઘટાડો 0.1% જ રહેશે. આની પાછળનું કારણ સરકારી ખર્ચમાં વધારો છે.

આ ઉપરાંત 16મીથી શરૂ થયેલા રસીકરણથી પણ અર્થતંત્રમાં ફરી ઉર્જા આવશે. 20 જાન્યુઆરી સુધી સરકારી કંપનીઓના શૅર વેચીને-ડિસઇન્વેસ્ટમેન્ટ થકી સરકારને માત્ર 15220 કરોડ રૂ. મળ્યા છે. બજેટમાં આ માટે 2.1 લાખ કરોડ રૂ.નો ટાર્ગેટ રખાયો હતો.
ભારતમાં છેલ્લે જીડીપીમાં વાર્ષિક ઘટાડો 1979-80માં 5.2% નોંધાયો હતો. 7.7%નો ઘટાડો સ્વતંત્ર ભારતના ઇતિહાસનો સૌથી મોટો હશે.

આઇએમએફે પણ આ સપ્તાહના આરંભે ભારત માટે 2021માં 11.5%નો વિકાસ દર અંદાજ્યો હતો. વિશ્વમાં ભારત જ મુખ્ય અર્થતંત્રોમાનું એક હશે જ્યાં દ્વિઅંકી વિકાસ દર નોંધાશે.

ખેતી પર જ ભરોસો
આર્થિક સર્વેમાં જણાવાયું કે આ વર્ષે અર્થતંત્ર માટે સૌથી વધારે આશા ખેતી પર જ છે. ઘોર અંધકારમાં ખેતી ક્ષેત્રે જ રૂપેરી કોર દેખાય છે. તેનો વિકાસ દર 3.4% રહેવાની રહેવાની આશા છે અને જીડીપીમાં એનો હિસ્સો પણ વધશે. ગયા વર્ષે જીડીપીમાં ખેતીનો હિસ્સો 17.8% હતો તે આ વર્ષે 19.9% રહેશે. ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષે 9.6% અને સર્વિસ સેક્ટરમાં 8.8%ના ઘટાડાનો અંદેશો છે.

એસેટ ક્વૉલિટી રિવ્યુ માટે ભાર
આર્થિક સર્વેમાં જણાવ્યા મુજબ રાહત પાછી ખેંચાય કે તરત એસેટ ક્વોલિટી રિવ્યુ કરવા પર ભાર મૂકાયો છે. આરબીઆઇનો હેવાલ કહે છે કે એનપીએ સપ્ટેમ્બર 2021 સુધીમાં વધીને 13.5% થવાની ધારણા છે.

મહાભારતમાંથી પ્રેરણા લઈ લૉકડાઉન કરીને એક લાખ જિંદગી બચાવાઇ
સર્વે મુજબ મહાભારતમાં કહેવાયું કે સંકટમાં પડેલા જીવનને બચાવવું જ મૂળ ધર્મ છે. કોરોના વખતે આ ધર્મનું પાલન કરીને અર્થતંત્રની પરવા ન કરીને લોકોના જીવ બચાવાયા. લૉકડાઉનથી એક લાખથી વધુ જિંદગીઓ બચી. ભારત હાલ લૉકડાઉન ડિવિડન્ડના ફળ મેળવી રહ્યું છે.

નવા કૃષિ કાયદાથી ફાયદો
સર્વેમાં કૃષિ કાયદાઓના વખાણ કરાયા છે અને તેનાથી બજાર સ્વતંત્રતાના નવા યુગના મંડાણ તો થશે જ, સાથે નાના અને સીમાંત ખેડૂતોની આવક વધશે. દેશમાં 85% ખેડૂતો નાના છે.

To Top