Top News Main

Corona effect: ભારતથી જતા લોકો માટે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ દરવાજા બંધ કર્યા

વૉશિંગ્ટન: પ્રમુખ જો બાઇડને ભારતથી થનારા પ્રવાસો પર નિયંત્રણો મૂક્યા છે જે મોટા ભાગના બિન-અમેરિકન નાગરિકોને ૪ મેથી અચોક્કસ મુદ્ત સુધી અમેરિકામાં (America) પ્રવેશતા અટકાવે છે, ભારતમાં (India) કોવિડ-૧૯ના વકરતા રોગચાળાના કારણે આ નિયંત્રણો મૂકાયા છે. બાઇડને એક જાહેરનામુ બહાર પાડ્યું છે જેમાં ૪ મેના રોજથી શરૂ થાય તે રીતે ભારતથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયા છે. જો કે આ પ્રતિબંધમાંથી કેટલાક ચોક્કસ કક્ષાના વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, પત્રકારો અને જેમને અપવાદ અપાયો હોય તેવા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે એમ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે. અમેરિકી નાગરિકો, જેમની પાસે ગ્રીન કાર્ડ હોય તેવા લોકો, તેમના નોન-સિટિઝન જીવનસાથીઓ અને ૨૧ વર્ષથી નીચેની વયના તેમના બાળકોને પણ આ નિયંત્રણોમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે આ નવા પ્રવાસ નિયંત્રણો અચોક્કસ સમયગાળા માટે લાદવામાં આવ્યા છે અને તેના અંત માટે વધુ એક પ્રમુખીય જાહેરનામાની જરૂર રહેશે.

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ(સીડીસી)ની ભલામણને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે સીડીસી માને છે કે ભારતમાં કોવિડ-૧૯ માટે કારણભૂત સાર્સ કોવ-ટુ વાયરસનું સંક્રમણ વ્યાપક અને વ્યક્તિથી વ્યક્તિમાં થઇ રહ્યું છે. ભારતમાં રોગાચાળાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સીડીસી દ્વારા અમેરિકી સરકારને ભારત પર પ્રવાસ નિયંત્રણ લાદવાની ભલામણ કરવામાં આવી હતી.

ભારતથી આવતા લોકો પર ઑસ્ટ્રેલિયામાં પ્રવેશબંધી: ભંગ કરનારને પાંચ વર્ષની જેલની સજા થશે

મેલબોર્ન: ઑસ્ટ્રેલિયન નાગરિકોને પાંચ વર્ષની જેલની સજા અથવા તો ૬૬૦૦૦ ડૉલરનો જંગી દંડ થઇ શકે છે જો તેઓ ભારતથી સ્વદેશ પરત ફરવાનો પ્રયાસ કરશે કારણ કે ઓસ્ટ્રેલિયન સરકારે ભારતના ઘાતક વાયરસના ફેલાવાને રોકવાના પ્રયાસના ભાગરૂપે ભારતથી આવતા પ્રવાસીઓના પ્રવેશને હંગામી રીતે ગેરકાયદે જાહેર કર્યો છે.

આ હંગામી પ્રતિબંધ સોમવારથી શરૂ થશે અને તેવા તમામ પ્રવાસીઓને લાગુ પડશે જેઓ ઓસ્ટ્રેલિયામાં તેમના આગમનની નિર્ધારીત તારીખના ૧૪ દિવસની અંદર ભારતની મુલાકાત લઇ ચુકયા હોય. આ નિર્ણય શુક્રવારે રાષ્ટ્રીય મંત્રીમંડળની બેઠક પછી આરોગ્ય મંત્રાલય દ્વારા લેવાયો હતો. તેનો હેતુ ઓસ્ટ્રેલિયામાં (Australia) કોરોનાવાયરસના કેસોનો ફેલાવો રોકવાનો છે જેના કેસોમાં ઉછાળાનો સામનો ભારત કરી રહ્યું છે. ભારતમાં અંદાજે ૯૦૦૦ ઓસ્ટ્રેલિયનો છે અને તેમનામાંના ૬૦૦ને જોખમ ધરાવતા લોકોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે એમ સીડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે જણાવ્યું હતું.

આ પ્રતિબંધનો ભંગ કરનારને પાંચ વર્ષ સુધીની જેલની સજા, ૬૬૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર(૫૦૮૭૬ અમેરિકન ડોલર)નો દંડ અથવા બંને થશે એમ આ અહેવાલમાં જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ આ જ સપ્તાહે ભારતથી આવતી તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ મૂક્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણયની ૧પમી મેએ સમીક્ષા કરવામાં આવશે.

Most Popular

To Top