SURAT

કોવિડના ગંભીર દર્દીઓની સંખ્યામાં ઘટાડો, 10 દિવસમાં હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીની સંખ્યા ઘટીને 150થી 100 થઈ

સુરતઃ (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં હજી એટલો ઘટાડો થયો નથી. પરંતુ હોસ્પિટલમાં (Hospital) દાખલ થતા દર્દીઓની સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. શહેરમાં 1 માર્ચથી કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી છે. એટલે કે, કોરોનામાં પોઝિટિવ આવતાની સાથે જ લોકોને સીધા હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે. ઘણા લોકોને ઓકિસજન (Oxygen) લેવલ અચાનક જ ઘટી જતું હોવાના કેસો સામે આવ્યા હતા. જેના કારણે શહેરની હોસ્પિટલો પણ ભરાઈ રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવી ગંભીર કેસો પ્રમાણમાં ઓછા આવી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. શહેરમાં દિવસ-રાત કામ કરતી 108 એમ્બ્યુલન્સના આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે કે, છેલ્લા 10 દિવસથી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, જે તંત્ર માટે રાહતના સમાચાર છે.

1 એપ્રિલથી શહેરમાં પ્રતિદિન હોસ્પિટલમાં 108 મારફત દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થતો ગયો હતો. એપ્રિલ માસની શરૂઆતમાં પ્રતિદિન 160થી 250 જેટલા દર્દીને હોસ્પિટલમાં લઈ જવાતા હતા. પરંતુ એપ્રિલના બીજા અઠવાડિયામાં એટલે કે, 8 એપ્રિલથી તે સંખ્યામાં ધરખમ વધારો થયો હતો. એમ્બ્યુલન્સ મારફત પ્રતિદિન 300થી વધુ કોવિડ દર્દીઓને હોસ્પિટલોમાં લઈ જવાતા હતા. સૌથી વધુ 10મી એપ્રિલે કુલ 331 કોવિડ દર્દીને હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. જે સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે. પ્રતિદિન તે સંખ્યા ઘટીને 250થી 200 પર આવી હતી અને હવે એપ્રિલ માસના છેલ્લા 10 દિવસોમાં હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીની સંખ્યા ઘટીને 150થી 100 પર આવી ચૂકી છે. 28મી એપ્રિલે હોસ્પિટલોમાં 106 દર્દીને દાખલ કરાયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થતાં 31 દર્દીને દાખલ કરાયા

સુરત: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજિંદા સરેરાશ વપરાશ ૫૫થી ૬૦ મે.ટન સામે ૪૬ મે.ટન પૂરો પાડવામાં આવી રહ્યો છે. જ્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજિંદા ૩૫ મે.ટન સામે ૨૫ મે.ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજન પૂરવઠો ઓછો મળતાં વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજનની જરૂરિયાતમંદ ગંભીર દર્દીઓને સારવાર માટે દાખલ કરવા અશક્ય હોવાના કારણે હોસ્પિટલના દરવાજા બંધ કરી દેવાયા હતા. જેમાં શુક્રવારે સવારથી બંને હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આવેલા નવા દર્દીઓને દાખલ કરાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે ૬૮ દર્દીને સારવાર આપીને ૩૧ ગંભીર દર્દીને દાખલ કર્યા છે.

Most Popular

To Top