Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: (Bardoli) કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સમગ્ર જિલ્લામાં દૈનિક 600થી વધુ કેસો હતા, તે હવે 250થી 300ની આજુબાજુ, જ્યારે બારડોલીમાં દૈનિક 100થી વધુ કેસો (Case) નોંધાયા હતા તે હવે 40થી 60ની આસપાસ જોવા મળી રહ્યા છે. જો કે, સંક્રમણ ન વધે તે હેતુથી ફરી એક વખત તકેદારીના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકા તેમજ બારડોલી અને મહુવા તાલુકાનાં 16 જેટલાં ગામોમાં વિકેન્ડ લોકડાઉન (Lock Down) માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

સુરત જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના બારડોલી શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં તો કોરોનાએ કાળો કેર વાર્તાવ્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં પણ હવે રાહત થઈ છે. કેસોમાં થઈ રહેલા ઘટાડાથી લોકોની સાથે તંત્રએ પણ થોડો રાહતનો શ્વાસ લીધો છે. કેસ ઘટ્યા હોવા છતાં તકેદારીના ભાગરૂપે આ અઠવાડિયે પણ વિકેન્ડ કરફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, હજી પણ બારડોલી સહિત જિલ્લામાં કેસો એકદમ ઓછા થયા નથી. એપ્રિલના મધ્યમાં નોંધાયેલા કેસો કરતાં હવે અડધા જરૂર થયા છે. પરંતુ હજી પણ સંક્રમણ ઘટાડો જરૂરી છે. જેને કારણે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં 10 ગામો અને મહુવા તાલુકાનાં 6 ગામોમાં ફરી વખત વીક એન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 14 મી મે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી 17મી મે સોમવાર સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો અને બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. બારડોલી શહેર ઉપરાંત તાલુકાનાં વધુ સંક્રમણ ધરાવતા ગામો તેન, બાબેન, ઇસરોલી, ધામડોદ લુંભા, કડોદ, મઢી, સુરાલી, મોતા, વાંકાનેર અને સરભોણમાં બે દિવસ માટે બજારો બંધ રહેશે. એ જ રીતે મહુવા તાલુકામાં તાલુકા મુખ્ય મથક મહુવા, અનાવલ, વલવાડા, કરચેલીયા, ઓંડચ અને શેખપુર ગામના બજારો બંધ રાખવાની પણ અપીલ એસ.ડી.એમ. દ્વારા કરવામાં આવી છે.

To Top