Surat Main

સુરતમાં રહેતા કાશ્મીરી પંડીતો એ દિવસોને યાદ કરી આજે પણ ધ્રુજી ઉઠે છે, પરત કાશ્મીર જવા અંગે કહ્યું..

સુરત (Surat): કાશ્મીરી પંડીતોના (Kashmiri Pandit) પુર્નવસનની વાતો ચાલી રહી છે ત્યારે વર્ષો પહેલા કાશ્મીર છોડીને સુરતમાં આવીને વસેલા કાશ્મીરી પંડીતો આજે પણ કાશ્મીરને અસુરક્ષિત ગણાવી રહ્યા છે. પરિવારના સભ્યોની હત્યા અને કાશ્મીરમાં પંડીતોને યાતના આપવામાં આવી હોવાથી કલમ 370 હટી છે ત્યારે હજી પણ કાશ્મીર સુરક્ષિત નહીં હોવાનું કાશ્મીરી પંડીતો જણાવી રહ્યા છે. કેટલાક કાશ્મીરી પંડીતો વિદેશમાં પણ સેટલ થઇ ગયા છે અને તેઓ પરત કાશ્મીર જવા ઇચ્છતા નથી.

1989માં મારા પરિવારને ભનક આવી જતા અમે કાશ્મીર છોડી દીધું, ત્યારથી જ સ્થિતિ વણસવા લાગી હતી : રૂચી કાચરૂ
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કાશ્મીરી પંડીત રૂચી કાચરૂએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડીતો ઇચ્છે છે કે કાશ્મીર પાછા જઇએ. પરંતુ બધાને એક ડર છે કે, કાશ્મીર હજી સુરક્ષિત છે કે નહીં, દર બે ત્રણ મહિને કાશ્મીરમાં હત્યા થાય છે. થોડા સમય પહેલા ટીકાલાલ બિંદ અને ભટ નામના કાશ્મીરી પંડીતની હત્યા કરાઇ હતી. કાશ્મીરી પંડીતો પરત વતન જવા તો ઇચ્છે છે પણ પ્રશ્ન સુરક્ષાનો છે. મારા પતિ સુમંથ કાચરૂ શ્રીનગરના રૈનાવારીમાં રહેતા હતા. તેમણે નારેબાજી કરતા ટોળા અને તોફાનો જોયા છે. મારા પરિવારનું મકાન ચાર થી પાંચ મુસ્લિમોએ દબાણ લાવીને ખરીદવાની વાત કરી હતી. રૂચી કાચરૂ 10 વર્ષથી વધુ સમયથી સુરતમાં છે. 1990માં કાશ્મીરની સ્થિતિ બગડી હતી. મારા પતિ-પિતાજી સહિતનો પરિવાર 1989માં કાશ્મીરમાં જ હતો પરંતુ ભનક આવી જતા તેમણે કાશ્મીર છોડી દીધું હતું. તમે કોઇપણ કાશ્મીરી પંડીત જોડે વાત કરો તે સંવેદનશીલ થઇ જશે.દરેક પરિવારની એક દર્દનાક કહાની છે. મારી માતાના સંબંધીને ગોળી મારીને હત્યા કરી નંખાઇ, મદદ કરવાવાળા પણ હતા. પરંતુ તેની સાથે કાશ્મીરી પંડીતોને ભગાડનારા લોકો પણ હતા. આર્ટિકલ 370 હટ્યા બાદ મને ભારત પ્રત્યે લગાવ થઇ ગયો. અમારી માટે પણ કોઇ આશાની કિરણ છે.

મારા પરિવારના બે સભ્યોની હત્યા કરાઇ હતી : કાશ્મીરી વિજય શિરૂ
કાશ્મીરી પંડીત વિજયભાઇ શિરૂએ જણાવ્યું હતું કે, 1983માં કાશ્મીર છોડી દીધું હતું. ગર્વમેન્ટ નોકરી માટે એપ્લાય કરતા હતા ત્યારે હિન્દુઓને સિલેકશન બાદ લેટર આપવામાં આવતા હતા. કાશ્મીરનાં લોકો કાશ્મીરી પંડીતોને દરેક રીતે કનડગત કરવામાં આવતા હતા. અમારા માતા-પિતા 1990માં સુરત આવ્યા હતા. હજી પણ અમારૂ ત્યાં મકાન છે. અમારા પરિવારના બે સભ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. શ્રીનગરના કરણનગરમાં અમારા ઘર હતા. આર્ટિકલ 370 હટ્યું છે અને પુર્નવસન બાબતે વિજય શિરૂએ જણાવ્યું હતું કે, કલમ હટી તે માત્ર કાગળ ઉપર છે. કાશ્મીરમાં 10 હજાર કાશ્મીરી પંડીતોને રહેવાની વ્યવસ્થા થઇ જાય તો કહેવાય કે કલમ 370 હટી છે. અત્યારે હું કાશ્મીર જવાનું વિચાર તો નથી કારણ કે મારા પરિવારના સભ્યો અને સંતાનો દેશના અલગ-અલગ ભાગોમાં તેમજ કેટલાક વિદેશમાં સેટ થઇ ગયા છે.

દેશમાં દરેક લોકોને સમાન હકો મળવા જોઇએ
એસવીએનઆઇટી કોલેજના સિવિલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર પ્રશિત અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતી બ્રાહ્મણ છે. તેમના પૂર્વજોએ નર્મદા કિનારે શુકલતિર્થ નજીકના ગામમાં વિધી વિધાન પ્રમાણે વર્ષો પહેલા અગ્નિ પ્રગટાવ્યો હતો. ત્યારથી તેમની સરનેમ અગ્નિહોત્રી છે. કાશ્મીર મુદ્દે બ્રાહ્મણ હોવાને નાતે તેમણે કહ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકને સમાન હક મળવા જોઇએ. અને જે લોકોએ પોતાના હકો ગુમાવ્યા છે તે તેમને મળે તો સૌ કોઇ માટે સારૂ છે.

Most Popular

To Top