Editorial

રાજપક્ષે પરિવાર અને ચીને શ્રીલંકાને બરબાદ કરી નાખ્યું

આખરે ચીનએ શ્રીલંકાને બરબાદ કરી નાખ્યું ખરૂં. શ્રીલંકા હાલમાં ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની આ સ્થિતિ માટે તેમાં ચાલી રહેલો પરિવારવાદને જવાબદાર માનવામાં આવે છે. રાજપક્ષે પરિવાર દ્વારા શ્રીલંકામાં છેલ્લા ઘણા વર્ષોથી શાસન કરવામાં આવ્યું છે અને તેને કારણે શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જવા પામી છે. અધુરામાં પુરૂં ચીનએ શ્રીલંકામાં રોકાણના નામે ઘણુંબધું પડાવી લીધું છે. આ કારણે જ શ્રીલંકામાં તાકીદના ધોરણે સ્થાનિક સરકારે ઈમરજન્સી લગાડી અને આખા દેશમાં વિરોધ પ્રદર્શન થતાં તાકીદના ધોરણે સરકારે ઈમરજન્સી ઉઠાવી લેવી પડી છે. શ્રીલંકાની સરકારની આ બેદરકારી અને ચીન સાથેની ભાગીદારીને કારણે શ્રીલંકાના લોકો ભારે રોષમાં છે અને તેને કારણે શ્રીલંકા આર્થિક  દેવાળિયું થઈ જવાની અણી પર આવી ગયું છે. લોકો દ્વારા રાજપક્ષે પરિવાર પર રોષની લાગણી ઉતારવામાં આવી રહી છે. મંગળવારે હજારો વિદ્યાર્થીઓ દ્વારા રાજધાની કોલંબોમાં ભારે વરસાદની વચ્ચે પણ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેના ઘર સુધી માર્ચ કાઢવામાં આવી હતી.

એ જાણવા જેવું છે કે રાજપક્ષે પરિવાર દ્વારા કેવી રીતે શ્રીલંકાને બરબાદ કરવામાં આવ્યું. હકીકતમાં રાજપક્ષે પરિવારનો ઉદય સરપંચના પદથી થયો છે. જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે શ્રીલંકાને સિલોન તરીકે ઓળખવામાં આવતું હતું. સિલોનમાં તે સમયે સરપંચની પ્રથા અમલમાં હતી. આ સરપંચની જવાબદારી રાજકીય મહેસૂલ એકઠી કરવાથી માંડીને ન્યાયિક કાર્યોમાં મદદગારી અને શાંતિ જાળવવા માટેનું હતું. તે સમયે ડોન ડેવિડ રાજપક્ષે પણ એક સરપંચ હતા. ડોન ડેવિડ રાજપક્ષે રાજકારણમાં હોવાથી સ્વાભાવિક રીતે તેમના પુત્રો પણ રાજકારણમાં આવ્યા. ડોનને આમ તો ચાર દીકરા હતા પરંતુ તેમાંથી બે ડોન મેથ્યુ અને ડોન અલ્વિન રાજકારણમાં આવ્યા. પહેલા ડોન મેથ્યુ 1936થી 1945 સુધી રાજકારણમાં રહ્યા. મેથ્યુ તે સમયે હમ્બટોટામાં રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકે કાર્યરત હતા. બાદમાં ડોન અલ્વિન દેશ આઝાદ થયા બાદ સંસદમાં પહોંચેલા નેતાઓ પૈકી એક હતા. ડોન અલ્વિન અને અન્યો દ્વારા શ્રીલંકામાં ફ્રીડમ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી.

ડોન અલ્વિન ત્યારબાદ શ્રીલંકાના પાંચમા વડાપ્રધાન વિજયાનંદ દહનાયકની સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. ડોન અલ્વિનને નવ બાળકો હતા. જે પૈકી મહિંદા રાજકારણમાં ખૂબ આગળ આવ્યા. ડોન અલ્વિનના નવ સંતાનોમાં મહિંદા રાજપક્ષે છ ભાઈઓમાં બીજા નંબરે હતા. મહિંદા 1970માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા અને ત્યારબાદ ઘણો સમય અનેક સરકારોમાં મંત્રી રહ્યા. 2004માં મહિંદા દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ 2005માં તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ બની ગયા. 2015 સુધી રાષ્ટ્રપતિ રહ્યા બાદ મહિંદા ચૂંટણી હારી જતાં તેણે અલગ પાર્ટી બનાવી નાખી. મહિંદાના નાનાભાઈ ગોતબાયા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા તો તેણે મહિંદાને ફરી દેશના વડાપ્રધાન બનાવી દીધા. જોવા જેવી વાત એ છે કે શ્રીલંકાનું જેટલું બજેટ છે તે પૈકી આશરે 80 ટકા હિસ્સો ધરાવતા મંત્રાલયો રાજપક્ષે પરિવાર પાસે જ છે. 3જી માર્ચે જ્યારે શ્રીલંકાની આખી સરકારે રાજીનામા આપી દીધા પરંતુ તે પહેલા મહિંદાના મોટાભાઈ ચામલ શ્રીલંકાના ગૃહ, રક્ષા અને સિંચાઈ મંત્રી પણ હતા. જ્યારે અન્ય ભાઈ બાસિક નાણામંત્રી હતા.

આટલું પુરતું નથી. મહિંદાના પુત્ર નમલ શ્રીલંકાના રમતગમત મંત્રી અને બીજા પુત્ર યોશિકા વડાપ્રધાનના ચીફ ઓફ સ્ટાફ છે. મની લોન્ડરિંગના એક કેસમાં નમલ અને યોશિખાની ધરપકડ પણ થઈ હતી. મહિંદાના ભત્રીજા શશિન્દ્રા પણ મંત્રી રહી ચૂક્યા છે. સાંસદ નિપુણ રાણાવકા મહિંદાનો ભાણેજ છે. આમ મહિંદાના પુત્ર-ભત્રીજા અને ભાણેજ જ શ્રીલંકાની સરકારમાં મંત્રી હતા. અગાઉ પેંડોરા પેપરમાં પણ મહિંદાના ભત્રીજાનું નામ બહાર આવ્યું હતું. સરવાળો કરવામાં આવે તો રાજપક્ષે પરિવારના એક-બે નહીં પરંતુ 8-8 સભ્યો શ્રીલંકાની સરકારમાં હિસ્સો હતા. જે રીતે રાજપક્ષે પરિવાર દ્વારા શ્રીલંકાની સરકારનો ભરડો લેવામાં આવ્યો હતો તે જોતાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરીને શ્રીલંકાની ઘોર રાજપક્ષે પરિવાર દ્વારા ખોદી નાખવામાં આવી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. બાકી હતું તે રાજપક્ષે પરિવારને ચીનએ પોતાના પડખામાં લઈને શ્રીલંકાની રહીસહી સમૃદ્ધિ પણ છીનવી લીધી હતી. શ્રીલંકાની પ્રજા દેશના દેવાળિયો બનાવી દેવા બદલ રાજપક્ષે  પરિવાર અને ચીનને જવાબદાર માની રહી છે ત્યારે આગામી દિવસો શ્રીલંકા માટે ભારે કટોકટીના રહેશે. જ્યાં સુધી રાજપક્ષે પરિવાર દ્વારા શ્રીલંકાનો પીછો છોડવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીલંકાનો હવે ઉદ્દાર થાય તેમ નથી એ ચોક્કસ.

Most Popular

To Top