National

ચીનનો લદ્દાખ નજીક પાવર ગ્રીડ પર સાયબર હુમલો, ખાનગી ઇન્ટેલિજન્સ ફર્મ કંપનીનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હી: ચીન લદ્દાખમાં પોતાની આપત્તિજનક અને અનઉચિત હરકતો કરવાનું બંધ નથી કરી રહ્યું. બંને દેશો વચ્ચે પહેલેથી જ આ ક્ષેત્રનાં LCને લઈ વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે એક ખાનગી ઇન્ટેલિજન્સ ફર્મ કંપનીએ ચોંકાવનારો દાવો કર્યો છે તેઓના જણાવ્યા અનુસાર, ચીનના હેકર્સે લદ્દાખ નજીક પાવર ગ્રીડને નિશાન બનાવ્યું હતું. આ ઘટના થોડા મહિના પહેલાની જ છે. તેમનો હેતુ મહત્વની માહિતી ચોરી કરવાનો હતો. તેણે ભારત સરકારને આ માહિતી આપ્યા બાદ જ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રીપોર્ટ આવ્યા બાદ કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે સિંહએ પણ સ્વીકાર કર્યો છે કે ચીની હેકર્સોએ બે વાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફર્મ કંપનીએ દાવો કર્યો છે ઓગસ્ટ થી માર્ચ સુધી ઓછામાં ઓછા સાત સ્ટેટ લોડ સેન્ટરમાં ચીની હેકર્સોની ઘુસણખોરીની માહિતી મેળવી હતી. આ કેન્દ્રો સંબંધિત રાજ્યોમાં વીજ પુરવઠાની વાસ્તવિક સમયની દેખરેખ રાખે છે. આ હુમલા ખાસ કરીને ઉત્તર ભારત કેન્દ્રો પર કરવામાં આવ્યા હતા. એમાં પણ ખાસ લદ્દાખને અડીને આવેલી ભારત-ચીન સરહદનાં વિસ્તારમાં આવેલા કેન્દ્રોને વધારે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

બે વાર કરાયેલો હુમલો નિષ્ફળ ગયો: આર.કે સિંહ
રીપોર્ટ આવ્યા બાદ કેન્દ્રીય ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ચીનના હેકર્સે લદ્દાખ નજીક બે વખત હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા. સિંહે કહ્યું કે અમે આવા હુમલાઓનો સામનો કરવા માટે પહેલાથી જ અમારા સુરક્ષા તંત્રને મજબૂત કરી દીધા છે.

ભારતની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પર પણ હુમલો કર્યો હતો: ઇન્ટેલિજન્સ ફર્મ
સુત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઓગસ્ટથી માર્ચની વચ્ચે આ સાયબર હુમલા થયા હતા. તેમણે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય લોડ ડિસ્પેચ સેન્ટરોથી વિશ્વભરમાં ફેલાયેલા ચીની સરકારના કમાન્ડ અને કંટ્રોલ સર્વર્સને ડેટા મોકલવામાં આવી રહ્યો છે. રેકોર્ડેડ ફ્યુચરે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કેન્દ્રોને નિશાન બનાવવા ઉપરાંત, ચીનના રાજ્ય હેકર્સે ભારતની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પર પણ હુમલો કર્યો હતો. ફર્મે કહ્યું કે તેણે આ રિપોર્ટ જાહેર કરતા પહેલા કેન્દ્ર સરકારને તેના તારણો વિશે ચેતવણી આપી હતી. સરકારે તેના અહેવાલ પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

આ ફર્મ વિશ્વમાં સરકારી હેકર્સને ટ્રેક કરતી સૌથી મોટી ઇન્ટેલિજન્સ કંપનીઓમાંની એક છે. તેઓના જણાવ્યા અનુસાર ચાઇનીઝ હેકર્સ પાવર ગ્રીડના કેન્દ્રોની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાવર સ્ટેશનોમાં ચાઈનીઝ ઘૂસણખોરીનો હેતુ આ જટિલ પ્રણાલીઓની સમજ મેળવવા, ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવવાનો પણ હોઈ શકે છે.

મુંબઈમાં બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાનો ખુલાસો
વિશ્વભરમાં સાયબર હુમલા વધી રહ્યા છે. આ ફર્મે જ મુંબઈમાં 12 ઓક્ટોબર 2020માં થયેલા 12 કલાકના બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાનો ખુલાસો કર્યો છે. અત્યારસુધી ચીની હેકર્સે ભારતમાં વીજ સપ્લાયને વધુ ટાર્ગેટ કર્યું છે. તેમનો હેતુ દેશની ઈન્ટરનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવાનો છે. તે જ દિવસે તેલંગાણામાં પણ 40 સબ સ્ટેશનને પણ આ હેકર્સે ટાર્ગેટ કર્યા હતા. જોકે કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)થી એલર્ટ મળ્યા પછી આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગયા વર્ષે યુ.એસ.માં રેન્સમવેર હુમલાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. ઑસ્ટ્રેલિયામાં, વીજળી નેટવર્ક પર સાયબર હુમલાઓને કારણે લાખો લોકો પાવર આઉટ થવાના આરે હતા. રેકોર્ડેડ ફ્યુચર કહે છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેણે 10 અલગ-અલગ ભારતીય સંસ્થાઓની સિસ્ટમ પર સાયબર હુમલાની જાણ કરી હતી.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે 3500 કિલોમીટર લાંબી સરહદ છે. ચીન તેની નજીકના કેટલાક વિસ્તારો પર દાવો કરી રહ્યું છે. 1962માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થઈ ચૂક્યું છે. 2020 માં, એકવાર ફરીથી બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો, જ્યારે ચીની સેનાએ લદ્દાખમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ગાલવાન ઘાટીમાં આ સંઘર્ષમાં ચીનને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું, જ્યારે ભારતના 20 સૈનિકો પણ શહીદ થયા હતા. આ પછી બંને દેશોની સેના ત્યાં મોટી સંખ્યામાં તૈનાત છે. તણાવ અને સેનાને દૂર કરવા માટે 15 વખત સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ છે, કેટલાક વિસ્તારોમાંથી સૈન્ય પાછું ખેંચવામાં આવ્યું છે, બાકીના વિશે ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top