Top News

More Posts

   The Latest

Most Popular

પલસાણા: તાંતીથૈયામાં (Tantithaya) ચાની લારી પર વસ્તુ ખરીદવા આવેલી 9 વર્ષીય બાળકીને બદઈરાદાથી નજીક રૂમમાં ઘસડી જઈ ધાકધમકી આપી ગાલ પર બચકું ભર્યું હતું. બાળકી રડતાં આસપાસના લોકોએ યુવકને ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને (Police) સોંપ્યો હતો. આ બનાવમાં બાળકીના પિતાની ફરિયાદના આધારે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

  • તાંતીથૈયામાં ધોળે દિવસે બનેલો ચોંકાવનારો કિસ્સો

શનિવારે સવારે તાંતીથૈયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. સામાન્ય રીતે મજૂરીકામ કરતો અને તાંતીથૈયામાં મહેશ ડાઈંગ મિલની સામે ચાની લારી પર રહેતો ક્રિષ્નાકુમાર લલનપ્રસાદ પંડિત નામનો ઇસમ ચાની લારી ઉપર વસ્તુ ખરીદવા આવેલી 9 વર્ષીય બાળકીને બળજબરી નજીક આવેલી રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, ‘ચીસ પાડશે તો ગળું દબાવી દઈશ. આ વાત મમ્મી-પપ્પાને કહીશ તો જાનથી મારી નાંખીશ’ એમ કહી ગાલ પર બચકું ભર્યું હતું. બાળકીનો રડવાનો અવાજ આવતાં આસપાસના લોકોએ ભેગા મળી યુવકને ઢોરમાર માર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. આ ઘટના અંગે બાળકીના પિતાએ કડોદરા પોલીસમથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વંઠેવાડમાં ઘર ખાલી કરવા બાબતે બે ઇસમે માતા-પુત્રને માર મારતાં પોલીસ ફરિયાદ
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે બે ઇસમોએ ઘર ખાલી કરવાનું કહી માતા-પુત્રને માર મારવાની ઘટના બની હતી.

વંઠેવાડના નિશાળ ફળિયા ખાતે ૫૨ વર્ષીય લલિતા વસાવાએ વીસ વર્ષ અગાઉ પતિને છૂટાછેડા આપ્યા બાદ હાલ પોતાના પુત્ર દિલીપ ઉર્ફે લાલા સાથે રહે છે. તા.૧૪મી મેના રોજ બપોરે એક વાગ્યાના અરસામાં ફળિયામાં રહેતા ગૌતમ ગોકુળ વસાવા અને વિજય દલસુખ વસાવા તેણીના ઘરે આવ્યા હતા. આવીને લલિતાબેનને ઘરની બહાર નીકળી જવા કહ્યું હતું. આમ જણાવતાં લલિતાબેન ઘરની બહાર આવ્યાં હતાં. બંને ઇસમે લલિતાબેનને કહ્યું હતું કે તમે ઘર ખાલી કરીને જતા રહો, આ અમારી જગ્યા છે. એમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા.

લલિતાબેને ગાળો બોલવાની ના પાડતાં ગૌતમભાઇએ ઉશ્કેરાઇ જઈ લોખંડના સળિયા વડે તેણીના પગનાં નળાં પર મારી દેતાં ચામડી ફાટીને લોહી નીકળવા માંડ્યું હતું. ગૌતમ વસાવા સાથે વિજય વસાવાએ પણ લલિતાબેનની પીઠ પર લાકડીના ત્રણ-ચાર સપાટા માર્યા હતા. એ વેળા દિલીપ ઉર્ફે લાલો ઘરે આવતાં બંને ઇસમે ગાળાગાળી કરી તેને પણ માર માર્યો હતો. ઈજાગસ્ત માતા-પુત્રએ અવિધા સરકારી દવાખાને સારવાર લીધા બાદ લલિતાબેનને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. આ ઘટના અંગે ઈજાગસ્ત લલિતાબેને ઝઘડિયા પોલીસમાં ફરિયાદ આપતાં વંઠેવાડનો ગૌતમ ગોકુળ વસાવા તેમજ વિજય દલસુખ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

To Top