Madhya Gujarat

આણંદમાં ગરનાળા સાફ કરવા રૂ. 25 લાખ ખર્ચાશે

આણંદ : આણંદ શહેરમાં દર વરસે પ્રથમ વરસાદમાં જ પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી પડી જાય છે. થોડા ઘણા વરસાદમાં પણ ગોઠણસમા પાણી ભરાઇ જાય છે, જે ઉતરતા કલાકોનો સમય લાગે છે. આ વખતે પણ પાલિકાએ પ્રિ-મોન્સૂનના ભાગરૂપે 25 લાખના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનની ચેમ્બર, ગરનાળા સફાઇ માટે રૂ.25 લાખનું ટેન્ડરીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ખર્ચની અસર પ્રથમ વરસાદમાં જ જોવા મળશે. કારણ કે,  ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો શહેરી લોકોને કરવો પડતો હોય છે,

આણંદ પાલિકા દ્વારા ચોમાસામાં પાણીનો નીકાલ બરાબર થાય અને પાણી ભરાવાની સમસ્યાના હલ રુપે 25 લાખના ખર્ચે સફાઈકામ કરવામાં આવશે. જેમાં 10 લાખના ખર્ચે વિદ્યાનગર રોડ, ગણેશ ચોકડી, અરક્ષફાર્મ, બોરસદ ચોકડી, બાકરોલ ઝોન, શીખોડ, ઈસ્માયલનગર અને અન્ય વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનની ચેમ્બરની સફાય કરવામાં આવશે. અમીન ઓટોની સામેની કાંસના ગરનાળાની સફાય કામ કરવા માટે 5 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ બોક્સ ડ્રેઈન અને ગરનાળા 10 લાખના ખર્ચે સાફ કરવામાં આવશે.

રેલ્વે વિભાગ દ્વારા તુલસી સિનેમા પાસે નવીન બોક્સ ડ્રેઈનની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન કામગીરીમાં પાણી બંધ કરવા માટીની પાળ બનાવામાં આવી હતી જેના કારણે બોક્સમાં થયેલા કાદવની સફાય 9 લાખના ખર્ચે કરવામાં આવશે. આણંદ પાલિકાએ કાગળ પર પ્રિ-મોન્સૂનની કામગીરી શરૂ કરી દીધી છે અને તેના ટેન્ડરીંગ કરવાની કામગીરી હાથ ધરી છે. દર વરસે પ્રથમ વરસાદમાં જ વિદ્યાનગર રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, પાયોનિયર ચોકડી, ગણેશ ચોકડી સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ જાય છે. આ વરસે પાલિકાનો ખર્ચ કેટલો લેખે લાગે છે ? પાણી ભરાશે કે નહી તેના પર શહેરીજનોની નજર રહેશે.

કાચા રસ્તાની જગ્યાએ 7 લાખના ખર્ચે સીસી રોડ બનાવામાં આવશે
આણંદ પાલિકા દ્વારા ચોમાસામાં કાચા રસ્તાના કારણે કાદવ કીચડ થતા લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે 7,12,810ના ખર્ચે નવા સીસી રોડ બનાવામાં આવશે. જેમાં બાકરોલ ઝોનમાં મેકલવાડી વિસ્તારમાં 3,24,800ના ખર્ચે, ગામતળમાં હોળી ચકલા પાસે આંગણવાડી તરફ જતો કાચો રસ્તો 3,93,600ના ખર્ચે, આત્મીય ઈચ્છા કોમ્પલેક્ષની સામે 2,91,910ના ખર્ચે અને ગામતળા જુના પાણીની ટાંકી પાસે 4,20,900ના ખર્ચે નવા સીસી રોડ બનાવામાં આવશે.

તુલસી આંગનના પાછળ પાણીના નિકાલ માટે રીચાર્જ બોર બનાવામાં આવશે
બાકરોલ ઝોન વિસ્તારમાં તુલસી આંગનના પાછળના ભાગમાં આવેલા વૈશાલીનગર અને કૈલાશનગરમાં રસ્તો ખાડાવાળો હોવાથી ચોમાસામાં પાણી ભરાય જાય છે. જેના કારણે સ્કુલે જતા બાળકોને અને રાહદારીને ખુબ તકલીફ પડે છે. આથી પાલિકા દ્વારા પાણીના નીકાલ માટે રીચાર્જ બોર બનાવામાં આવશે.

Most Popular

To Top