ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુને પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા પછી શિક્ષિત કરનાર ગુરુનું જ્ઞાન વિશિષ્ટ છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે પણ જરૂરી નથી કે ગુરુ એટલે જ્ઞાની પુરુષ કે પછી મોટા જ હોવા જોઈએ, જીવનમાં જે શીખ આપે એ ગુરુ. આપણી આસપાસ રોજિંદા જીવનમાં અનેક નાનીમોટી વ્યક્તિને મળવાનું થતું હોય છે અને જાણ્યેઅજાણ્યે આવા લોકો પણ કંઈક ને કંઈક શીખ આપી જાય છે. તે ઘરનું બાળક પણ હોય શકે કે પછી આપણા ઘરે કામ કરતી બાઈ પણ હોઈ શકે, ત્યારે આજે ગુરુપૂર્ણિમા નિમિતે આપણે મળીશું કેટલાંક લોકોને અને જાણીશું કે તેમને જીવનમાં કોઈ આવી વ્યક્તિની નાની વાત કે પ્રયત્ન પણ કંઈક શીખ આપી ગયું છે? કે પછી કોઈ નાની કે અણધારી વ્યક્તિને પોતાના ગુરુ માની લીધા હોય? ચાલો જાણીએ…
29 વર્ષીય હેમાંગી પટેલ જણાવે છે કે, ‘‘મારા માટે તો મારી ગુરુ મારી 7 વર્ષની દીકરી છે. જોવા જઈએ તો એ ઉંમરમાં હજુ ઘણી નાની છે પણ મને એની પાસેથી ઘણી શીખ મળે છે. એ રમકડાં રમતી વખતે કે ભણતી વખતે પણ એકને એક કામ જ્યાં સુધી તેનાથી પરફેક્ટ થાય નહીં કે આવડે નહીં ત્યાં સુધી કર્યા જ કરે કે ભણવામાં પણ નહીં આવડે ત્યાં સુધી ટીચરને કે મને પૂછ્યા જ કરે. એના પરથી મને એમ થાય કે કોઈ પણ વાતને છોડી દેવાને બદલે પ્રયત્ન કર્યા જ કરવો જોઈએ. નાની દીકરીએ મને શીખવાડયું કે નાની વાત પરથી હાર ના માનવી જોઈએ, જયાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ.’’
28 વર્ષીય ફોરમ મહેતા હાઉસવાઈફ છે, ફોરમબેન જણાવે છે કે, ‘મારા ઘરે એક કામવાળાં માસી ઘણા વખતથી આવે છે. એમને જોઈને મારી લાઈફમાં મને ઘણી શીખ મળે છે. એમના હસબન્ડ નથી તેઓ એકલા હાથે કમાવાવાળા છતાંય ક્યારેય એમના ચહેરા પર મેં નિરાશા કે હતાશા નથી જોઈ, તેઓ હંમેશાં હસતાં જ હોય છે. એમનાં બે બાળકો છે એમને તેઓ એકલા હાથે ભણાવે છે, જેથી તેમણે ભોગવી એવી પરિસ્થિતિનો સામનો બાળકોએ ના કરવો પડે. હું જ્યારે પણ નિરાશ કે હતાશ હોઉં તો એ મારા કામવાળા માસીને યાદ કરું જેથી મારી નિરાશા એમ જ દૂર થઈ જાય. એમને જોઈને મને ઘણી પ્રેરણા મળે છે કે તેઓ જો આટલી ખરાબ પરિસ્થિતિ ધરાવતાં હોવા છતાં જો આટલા ખુશ રહેતાં હોય તો હું કેમ ના રહી શકું ?’’
44 વર્ષીય વિરલ જોગાણી વર્કિંગ વુમન છે. વિરલબેન જણાવે છે કે, ‘‘મારા માટે સૌથી મોટો ગુરુ મારો દીકરો છે કેમ કે મને પહેલાં એવી ટેવ હતી કે મારો દીકરો કોઇની પણ વાત કરે તો હું એમ જ કહેતી કોણ પેલો એ ડોબો હતો તે…એ જાડિયો હતો તે… અને મારો દીકરો મને સતત ટોકયા કરતો કે મમ્મી તારે હંબલ બનવાની જરૂર છે અને હું તેની વાત પરથી હંબલ બનવાની કોશિશ કરતી ગઈ અને તેની આ વાત આજે મને મારા બિઝનેસમાં પણ ઘણી મદદરૂપ નીવડે છે. બીજી એક શીખની વાત કરું તો હું હેલ્થ અને ફિટનેસ માટે ખૂબ જ કેરલેસ હતી. પણ લોકડાઉનમાં દીકરો મારી સાથે રહ્યો તો એણે આ બાબતે મને ટોકી અને ફિટનેસ બાબતે મને ખૂબ સમજાવતો છેલ્લા 6 મહિનામાં મેં મારું 15 કિલો વજન ઉતાર્યું અને મારામાં પહેલાં કરતાં વધારે સ્ટ્રેંથ આવી ગઈ. ઉપરાંત નવી નવી ટેક્નોલૉજી જાણવા, શીખવા અને એપ્લિકેશનના ગુરુ પણ એ જ છે.’’
37 વર્ષીય તેજલ પટેલ હાઉસવાઈફ છે. તેજલ પટેલ જણાવે છે, ”મારા પપ્પા જ મારા ગુરુ છે,કેમ કે મારા પપ્પા નાયબ મામલતદાર હતા છતાં અમને સારું જીવન આપવા માટે આટલી સારી પોસ્ટ છતાં સવારે પાંચ વાગ્યે રિક્ષા પણ ચલાવતા. એમણે ઘણો સંઘર્ષ કર્યો, જેથી એમના બાળકો સારું ભણી શકે અને સારું જીવન જીવી શકે. હું નાની હતી ત્યારે મને તેમને જોઈને એ શીખ મળતી કે ઈમાનદારીથી કરેલું કોઈ પણ કામ નાનુંમોટું નથી હોતું. મહેનતથી કમાણી કરતાં ક્યારેય શરમાવું ના જોઈએ. આજે એમની એ શીખને મેં મારા જીવન સાથે વણી લીધી છે.”
37 વર્ષીય કોમલ વિશાલ શાહ સેવન સ્ટેપ્સ સ્કૂલના પ્રિન્સિપાલ છે. કોમલબેન જણાવે છે કે, ‘‘હું પહેલાં બોમ્બે હતી તો બોમ્બેમાં જોબ કરતી અને મારે ડેઇલી ટ્રેનમાં અપડાઉન કરવું પડતું. હું જે ડબ્બામાં બેસતી તે જ ડબ્બામાં મારી સાથે એક ફૂલવાળાં બેન ફૂલનો ટોપલો લઈને આવતાં. એક અઠવાડિયાથી હું એમને જોયા કરતી કે એ જે સ્ટેશન પરથી બેસતાં ત્યારે ટ્રેન ખાલી હોય આથી એ સીટ ઉપર બેસી જાય પણ આગળ જતાં જેમ જેમ સ્ટેશન આવે અને પેસેન્જર આવે જેમ કે કોઈ ઓલ્ડ વ્યક્તિ હોય તો તેમને સીટ આપી દે. એ ઓલ્ડ વ્યક્તિ સ્ટેશન આવતા નીચે ઊતરે એટલે એ બહેન એમની સીટ ઉપર બેસતાં નહીં. બીજી જરૂરિયાતવાળી વ્યક્તિ હોય જેમ કે પ્રેગ્નન્ટ મહિલા હોય, બાળકો હોય એમને એ સીટ ઓફર કરે, આમ ટર્ન બાઈ ટર્ન એ બધાને સીટ આપે. એક દિવસ મેં તો સામેથી પૂછી લીધું કે તમારી પાસે આટલો ભારે ફૂલનો ટોપલો છે છતાંય તમે દરરોજ કેમ બીજાને સીટ આપો છો? એમણે જવાબ આપ્યો કે, હું મારાથી બની શકે એટલી બધાને મદદ કરવા માંગું છું પણ આનાથી વિશેષ કોઈ હેલ્પ ના થઈ શકે, કેમ કે હું ખૂબ જ નાની વ્યક્તિ છું. એ વાત મને દિલમાં લાગી આવી કે ખુશી એ ફકત તમે કોઇને પણ ફ્રીમાં વહેંચી શકો. મેં તેને મારો ગુરુમંત્ર બનાવ્યો ને મારાથી બની શકે એટલા લોકોને હું હેલ્પ કરું છું.’’
આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિની જિંદગીમાં કોઈ ને કોઈ એવી વ્યક્તિ હોય જ છે જે જાણતાં કે અજાણતાં આપણને શીખ ચોક્કસ આપી જાય છે. જરૂરી નથી શીખ આપનાર તમારાથી મોટો જ હોવો જોઈએ. ભગવાને રચેલ દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી દરેક કુદરતી તત્ત્વો માનવીને જીવન જીવવા માટે શીખવાડતું હોય છે. એ સમયે જરૂર હોય છે ફક્ત માનવીએ પોતાની આંખો ખોલવાની અને જ્યાંથી મળી શકે ત્યાંથી જ્ઞાન મેળવીને જીવનનો ગુરુ મંત્ર બનાવીને ચાલવાથી ચોક્કસ તેમના જીવનનો માર્ગ આસાન થઈ શકે છે. ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામના…