Top News

More Posts

   The Latest

Most Popular

જાણે CCTV કેમેરા ઈશ્વરનો મોનિટર, જ્યારથી CCTV કેમેરા આવ્યા છે ત્યારથી મોટા ભાગનાં  મંદિરોમાં CCTV કેમેરા સાથે આવી સૂચના લખેલી જોવા મળે કે ‘તમે CCTV કેમેરાની નજરમાં છો’. જયારે જયારે આવું વાંચતો હોઉં ત્યારે મારી શ્રદ્ધા શુગરની જેમ ઘટી  જતી કે ભગવાન તમારા ઘરમાં પણ આવું? બબડતો કે તમે મોટા કે CCTV કેમેરા? ચાલો સ્વીકારી લઈએ કે વ્યવહાર અને સલામતીની દ્રષ્ટિએ કદાચ આ યોગ્ય માની લઈએ પણ સાચા  શ્રદ્ધાળુને મન ગળે ન ઊતરે તેવી વાત છે,  હા પણ એક એપાર્ટમેન્ટના પ્રવેશદ્વારે ઉપરની તસ્વીર જોઈને મન પ્રસન્ન થયું જ્યાં માત્ર CCTV કેમેરાને જ નહીં ઈશ્વરને પહેલું મહત્ત્વ અપાયું હતું. લખ્યું  હતું,

New Doc 2021-06-08 12.27.25

‘સાવધાન,  આપ ઈશ્વર ઓર CCTV કેમેરા કી નઝરમેં હો’ બાકી મંદિરોમાં તો માત્ર CCTV કેમેરાને જ મહત્ત્વ અપાય છે. મને હંમેશ એ વાતનું આશ્ચર્ય રહ્યું છે કે ભગવાનને તાળામાં મૂકી આપણે CCTV કેમેરા પર ભરોસો  મૂકીએ છીએ. સારું છે કૃષ્ણજન્મ વખતે કંસને CCTV કેમેરાની ખબર નહોતી નહીં તો કૃષ્ણ બહાર જ ન આવ્યા હોત. અરે એ તો કૃષ્ણ હતા, તેમને તાળા હોવા પછી પણ બહાર આવવાનું હતું અને તે વાસુદેવની ટોપલીમાં સૂઈને બહાર આવ્યા સાથે જગત આખાને સવાસો વર્ષ સુધી પોતાનું તેજ આપ્યું, આજે પણ આપી રહ્યા છે. એ વાત ખરી કે  ભગવાન આજકાલ તાળું તોડીને બહાર નથી આવતાં એટલે CCTV કેમેરા નામનો મોનિટર રાખ્યો છે. એ આપણે માટે ઘટી ગયેલી શ્રદ્ધાની વાત છે. બાકી આ જ ભગવાન ધગધગતા થાંભલામાંથી નૃસિંહ અવતાર સાથે પ્રહલાદને પણ બચાવે  છે, નરસિંહ મહેતાના ઘરનું શ્રાદ્ધ અને મામેરું પૂરું કરે છે. આ અને આવાં આધ્યાત્મિક ઉદાહરણ ખૂબ છે એટલે પહેલો સ્વીકાર પ્રભુનો જ હોવો જોઈએ, CCTV કેમેરા એ વ્યવસ્થા છે એનાથી ચેતીએ એના કરતાં પ્રભુથી ન ડરીએ?   ચાલો એક  સાદું ઉદાહરણ જોઈએ.  જો કે એમાં જે ગુરુનો ઉલ્લેખ છે તે મારી વ્યાખ્યામાં એટલે નથી બેસતા કે તે શિષ્યોની પરીક્ષામાં કોઈને મારવાની વાત કરે છે.

  ખેર વાત માંડીને કરીએ. જેમાં એક ગુરુ ત્રણ શિષ્યની પરીક્ષા લેતાં કહે છે કે હું તમને એક એક કબૂતર આપું છું જેને એવી રીતે મારવાનું કે તમને કોઈ જુએ નહીં. ત્રણેય શરત સાથે નીકળી પડે છે. પાછા આવે છે. ગુરુ પૂછે છે કે, ‘‘બોલો  કેવી રીતે કબૂતરને માર્યાં?’’ એકે કહ્યું કે દૂર તળાવને કિનારે કોઈ ન હતું ત્યાં મેં કબૂતરને માર્યું, બીજો કહે કે મેં કોઈ ન જુએ એવી ઊંચી  ટેકરી પર માર્યું જયારે ત્રીજો કબૂતરને જીવતો પાછો લાવ્યો. ગુરુએ પૂછ્યું કે  તે કેમ આમ કર્યું? શિષ્યે કહ્યું કે, ‘‘મને કોઈ જોતું નહોતું પણ એક જીવને મારીને મારે પદ નહોતું જોઈતું. બીજું કે કોઈ ભલે ન જોતું હતું પણ ભગવાન તો જોતાં જ હતા ને એટલે મેં કબૂતરને ન માર્યું.’’ પેલા ગુરુએ તુરંત કબૂતરને ન મારનારને પોતાનો અનુગામી બનાવ્યો પણ પેલા બે કબૂતરના ભોગે. કહેવાનું તાત્પર્ય એ જ કે કોઈ જુએ કે ન જુએ શક્ય એટલું પાપ અને જૂઠથી દૂર રહેવું કદાચ  CCTV કેમેરા એ વાત નોંધે કે ન નોંધે પણ ઈશ્વર તો નોંધશે જ.  રહી વાત CCTV કેમેરાની તો આપણે ઉદાર હૈયે માની લઈએ  કે ભગવાને તેમના કક્ષમાં મોનિટર મૂક્યા છે જેથી કરીને તેઓ આરામ કરી શકે અને માત્ર સાચા શ્રદ્ધાળુઓનું જ ધ્યાન વધુ  રાખી શકે.

  અમારી ઘારીવાલાની શેરીમાં પ્રેમિલાબેન ગાંધી નામના એક સન્નlરી રહેતાં. પાક્કા વૈષ્ણવ  તેમની સામે હનુમાનજીનું મંદિર પણ મેં તેમને ત્યાં ક્યારેય દર્શન કરતાં જોયાં ન હતાં. હા પણ મોટા મંદિર રોજ  જાય. ભટ્ટ હોસ્પિટલમાં જોબ કરે એ જોબ કરતાં કરતાં તેઓ છોકરાને ભણાવે. જે આજે નથી પણ બંને  છોકરાઓ લંડનમાં સુખી છે.  તેમની એક વાત મેં મંત્રની જેમ યાદ રાખી છે કે, ‘મંદિરમાં જઈને ક્યારેય જૂઠું કરવું નહીં, ખોટું બોલવું નહીં’. તેમની એ વાતમાં મેં ઉમેરો કર્યો છે કે મંદિર તરફ જતાં પણ ક્યારેય જૂઠું બોલવું નહીં ખોટું કરવું નહીં કારણ કે ઉપરવાળાના CCTV કેમેરા 24 કલાક  ચાલે જ છે. અરે આપણે વાતવાતમાં નથી બોલતા કે ભગવાન બધું જુએ છે એનાથી તો ડર. ખેર આગળ કહ્યું તેમ CCTV કેમેરા  વ્યવસ્થા અને સલામતી માટે આ કળિયુગમાં જરૂરી હશે પણ ભગવાનના મંદિરને તાળાં મારવા એમાં આપણી  પૂરી શ્રદ્ધાનો અભાવ જ માનવો. હા સાદું બંધ કરી શકાય પણ તાળાં તો કદાચ ભગવાનને પણ મંજૂર ન હશે…..પણ એ પણ માણસની આ વ્યવસ્થા સામે લાચાર બન્યા હશે.  બાકી હું તો બાળપણથી એવું સાંભળતો  આવ્યો છું કે શિવની વાડી સદા ઉઘાડી…. શું કહે છે તમારી ઉઘાડી શ્રદ્ધા?

To Top