Sports

રોહિત-દ્રવિડની આ રણનીતિના ફેન બન્યા પૂર્વ PAK કેપ્ટન

નવી દિલ્હી: વર્ક લોડ મેનેજમેન્ટને (Work load management) જોઈએ તો ટીમ ઈન્ડિયાએ (Team India) છેલ્લા કેટલાક સમયમાં ઘણા પ્રયોગો કર્યા છે. છેલ્લા 6 મહિનામાં ઘણાં કેપ્ટનો (Captains) બદલાયા છે, ઘણાં ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા આ પ્રકારની રણનીતિએ ઘણા લોકોને મૂંઝવણમાં મૂકી દીધા હતા, પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ટીમ ઈન્ડિયાના આ અભિગમની પ્રશંસા કરી છે. સલમાન બટ્ટનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાની રોટેશન પોલિસી ઘણી સારી છે, તેનાથી ખેલાડીઓને આરામ મળી રહ્યો છે અને સાથે જ બેન્ચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાની તક પણ મળી રહી છે. આનાથી ખેલાડીઓને પોતાનું ધ્યાન રાખવાની તક મળે છે, સાથે જ કારકિર્દી પણ લાંબી ચાલશે.

સલમાન બટ્ટે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે મને લાગે છે કે ટીમ ઈન્ડિયા માટે હવે રોટેશન પોલિસી સામાન્ય થઈ ગઈ છે, કારણ કે દરેક શ્રેણીમાં અલગ-અલગ ખેલાડીઓ રમી રહ્યા છે. સિનિયર ખેલાડીઓને આરામ મળે છે, યુવાઓને તક મળે છે. આ અમુક સમયે પડકાર ઉભો કરે છે, પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત બને છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કહ્યું કે આવું માત્ર ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ સાથે પણ થઈ રહ્યું છે. VVS લક્ષ્મણ જે રીતે રાહુલ દ્રવિડની જેમ ઝિમ્બાબ્વે જઈ રહ્યો છે, તેને પણ એક પ્રકારનો આરામ મળી રહ્યો છે. આગળ જઈને આ વાતને વધારી શકાય છે અને આઈપીએલ જેવું ફોર્મેટ આવી શકે છે.

નોંધનીય છે કે જ્યારથી રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો છે ત્યારથી ટીમ ઈન્ડિયામાં રોટેશન પોલિસી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રોહિત શર્મા હજુ પણ ટીમનો નિયમિત કેપ્ટન છે, પરંતુ તેના સિવાય રિષભ પંત, કેએલ રાહુલ, શિખર ધવન, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓએ પણ ટીમની કમાન સંભાળી છે, આ માત્ર રોટેશનના કારણે થયું છે.

Most Popular

To Top