National

UP ATSને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના આતંકી હબીબુલની કાનપુરમાંથી ધરપકડ

કાનપુર: UP ATSએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાહની કાનપુરથી ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે ભૂતકાળમાં ધરપકડ કરાયેલા આતંકવાદી મોહમ્મદ નદીમ સાથે જોડાયેલો હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેનું ફેક આઈડી બનાવ્યું હતું.

આતંકવાદી સૈફુલ્લાહે સ્વીકાર્યું કે તે નદીમને ઓળખતો હતો અને બંને એક જ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. સૈફુલ્લાહ વર્ચ્યુઅલ આઈડી બનાવવામાં નિષ્ણાત છે અને તેણે નદીમ સહિત ઘણા પાકિસ્તાની અને અફઘાન આતંકવાદીઓને લગભગ 50 આઈડી આપ્યા હતા. હબીબુલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક મેસેન્જર જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા હેન્ડલર્સ સાથે જોડાયેલો હતો.

તે સોશિયલ મીડિયા પરના જૂથોમાં જેહાદી વીડિયો મોકલતો હતો અને અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરતો હતો. ATSએ તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક છરી કબજે કરી છે. તે હાલમાં ફતેહપુર જિલ્લાના મોહલ્લા સૈયદબારામાં રહેતો હતો જ્યારે બિહારના મોતિહારીમાં કાયમી ધોરણે રહેતો હતો.

આતંકવાદી નદીમને 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે
જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન, પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી અને નુપુર શર્માની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી મોહમ્મદ નદીમને શનિવારે રિમાન્ડ મેજિસ્ટ્રેટ અંકિતા શર્મા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ મેજિસ્ટ્રેટે નદીમને 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ATSએ શુક્રવારે નદીમની સહારનપુરથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન નદીમે જણાવ્યું કે તેને નૂપુર શર્માની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સિવાય સ્વતંત્રતા દિવસ પહેલા દેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની હતી. ATSએ આતંકી પાસેથી IED અને બોમ્બ બનાવવાની સામગ્રી પણ જપ્ત કરી છે. કોર્ટમાં રજા હોવાથી આરોપીને રિમાન્ડ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top