Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કાપોદ્રામાં હીરાના કારખાનામાં (Diamond factory) કામ કરતા એક કારીગરે કારખાનાના મેનેજરની (Manager) પાસેથી રૂા. 30 હજાર 20 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે 2 લાખ વ્યાજ વસૂલવા છતાં વધુ રૂપિયાની માંગણી કરી મારી નાંખવાની ધમકી આપતાં મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. કાપોદ્રા સીએનજી પંપની પાછળ મિલેનીયમ ડાયમંડના પાર્કિંગમાં વરાછા લંબે હનુમાન રોડ ઉપર ભગીરથ નગર સોસાયટીમાં રહેતા હરેશ હિંમતભાઇ ડાભી હીરાના કારખાનામાં કામ કરે છે.

હરેશભાઇના કારખાનામાં જ મેનેજર તરીકે કામ કરતા અને કાપોદ્રા મરઘાકેન્દ્ર પાસે રવિપાર્ક સોસાયટીમાં રહેતા હરસુરભાઇ રબારીની પાસેથી ત્રણ અલગ અલગ સમયે રૂા. 30 હજાર 20 ટકાના વ્યાજે લીધા હતા. દર રવિવારે હરસુખભાઇ હરેશભાઇની પાસેથી વ્યાજ લઇ જતા હતા, જો મોડું થાય તો વ્યાજનું વ્યાજ પણ વસૂલવામાં આવતું હતું. હરસુખ રબારીએ હરેશભાઇની પાસેથી વધારે વ્યાજ સહિત રૂપિયાની માંગણી કરતા હરેશભાઇએ દિવાળી પછી રૂપિયા આપવાનું કહ્યું હતું. ત્યારે હરસુખ રબારીએ હરેશભાઇને કાપોદ્રા હેવમોર મોબાઇલની દુકાન પાસે બોલાવીને મારી નાંખવાની ધમકી આપી હતી, આ ઉપરાંત 30 હજારની સામે 2 લાખ વસૂલી લીધા હતા. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

લિંબાયતમાં જ્વેલર્સને આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટનો નિષ્ફળ પ્રયાસ

સુરત : લિંબાયતમાં એક જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, જ્વેલર્સે ચશ્મા પહેર્યા હોવાથી લૂંટારુનો સામનો કર્યો હતો અને જ્વેલરી બચાવી લીધી હતી. બીજી તરફ અજાણ્યો ભાગીને ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત મીઠીખાડી પાસે આવેલી એ.બી. જ્વેલર્સમાં સોમવારે સાંજના સમયે એક અજાણ્યો યુવક આવ્યો હતો. આ યુવકે જ્વેલરી જોવા માંગી હતી. જેથી જ્વેલર્સે જ્વેલરી બતાવી હતી અને તે દરમિયાન જ અજાણ્યાએ જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી દીધી હતી અને જ્વેલરી લઇને ભાગી ગયો હતો. બીજી તરફ જ્વેલર્સે ચશ્મા પહેર્યા હોવાથી મરચાની થોડી જ ભુકી આંખમાં ગઇ હતી, તેમ છતાં જ્વેલર્સે હિંમતભેર સામનો કરીને ટેબલની ઉપરથી કુદીને અજાણ્યાને પકડવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યો જ્વેલરી મુકીને જ ભાગી ગયો હતો, જ્વેલર્સે બહાર નીકળીને બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

To Top