SURAT

સુરત: વિદ્યાર્થી અને તેની માતાની પરીક્ષામાં બેસવા દેવા અને માર્ક્સ વધારી આપવા પ્રોફેસરને ધમકી

સુરત : સ્કેટ કોલેજમાં (SCAT Collage) કેમિકલ એન્જિનિયરીંગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ મહિલા પ્રોફેસરને વિદ્યાર્થી (Student) અને તેની માતાએ (Mother) પરીક્ષામાં (Exam) બેસવા દેવા અને માર્ક્સ વધારી આપવા મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ હતી.

ઉમરા ગામમાં જમનાનગર રો હાઉસમાં રહેતી 41 વર્ષીય ડો.વૈશાલીબેન ઉમરીગર સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજિમાં કેમિકલ એન્જિનિયરીંગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ 2019 થી તેમની કોલેજમાં અનુરાગ સુશિલકુમાર શ્રીવાસ્તવ નામનો વિદ્યાર્થી કેમિકલ એન્જિનિયરીંગ કોર્સમાં અભ્યાસ કરે છે. અનુરાગ કોલેજમાં અનિયમિત હોવાની સાથે માત્ર પરીક્ષા આપવા કોલેજ આવે છે. અને પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા કોલેજમાં અન્ય પ્રોફેસરો સાથે પણ બોલાચાલી કરે છે. જેથી કોલેજના પ્રિન્સિપલને આ અંગે રજૂઆત કરાઈ હતી.

વર્ષ 2021 થી અનુરાગ અને તેની માતા કોલેજમાં આવી ધાક ધમકી આપી હતી. આ વર્ષે જુન મહિનામાં એક્ષ્ટર્નલ પ્રેક્ટિકલ પરીક્ષા ચાલુ હતી ત્યારે 24 જુને અનુરાગ અને તેની માતા રંજનાબેન અને તેનો ભાઈ મોહીત કોલેજમાં આવ્યા હતા. અનુરાગ અને તેની માતાએ ડો.વૈશાલીબેનને ફાઈલમાં સહી કરો અને મને પરીક્ષામાં બેસવા દો એવુ કહીને ગાળાગાળી કરી હતી. તથા હુ જોઈ લઈશ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે બીજા પ્રોફેસરો પણ આવી જતા અનુરાગ અને તેની માતા ત્યાંથી જતા રહ્યા હતા.

ત્યારબાદ 15 સપ્ટેમ્બરે કોલેજની ઇન્ટર્નલ કમિટી બની હતી. કમિટીએ અનુરાગને બોલાવતા તે માતા સાથે આવ્યો હતો. કોલેજની લોબીમાં અનુરાગ અને તેની માતાએ વો રહી ઉસકો બહાર નીકલને દે, તેવી ધમકી ડો.વૈશાલીબેનને આપી હતી. 30 તારીખે પણ ગેટની બહાર વૈશાલીબેનને જોઈને આટા મારતો હતો. સાંજે ઘરે જવા નીકળ્યા ત્યારે અનુરાગે મારવાના ઇરાદે ઘર સુધી પીછો કર્યો હતો. જેથી ગભરાઈને અંતે વૈશાલીબેને ઉમરા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી અનુરાગ અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top