SURAT

સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષે ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા, તો શાસકોએ કહ્યું: ‘ખાલીસ્તાન મુર્દાબાદ’

સુરત: દિવાળી (Diwali) બાદ ગમે ત્યારે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થવાની શક્યતા છે. જેના પગલે સુરત મનપામાં (SMC) વિવિધ સમિતિનાં કામો તાબડતોબ મંજૂર કરાયાં હતાં. જેથી શુક્રવારે સામાન્ય સભા યોજી કામોને મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાની છેલ્લી સામાન્ય સભામાં પણ શાસક-વિપક્ષના સભ્યોએ લોકોને લાભ કરે તેવા વિષયો પર ચર્ચા કરવાને બદલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ સાથે શોરબકોરનું વાતાવરણ ઊભું કર્યુ હતું. દરમિયાન શૂન્યકાળમાં વિપક્ષના એકપણ સભ્યને રજૂઆતની તક નહીં અપાતાં વિપક્ષના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ડાયસ સામે આવી જઇ ધરણાં પર બેસી જતાં મેયર હેમાલી બોઘાવાલાએ અધ્યક્ષ સ્થાનેથી એકસાથે તમામ કામો મંજૂર કરતાં સભા પૂર્ણ થઈ હતી.

ઝીરો અવર્સની ચર્ચામાં વિપક્ષના એકપણ સભ્યને બોલવાની તક ન મળતાં વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વિરોધ કર્યો હતો કે તેઓને સતત બે સામાન્ય સભામાં ઝીરો અવર્સમાં બોલવા દેવામાં આવતા નથી. તમે ભાજપના અધ્યક્ષ છો કે સામાન્ય સભા? તેવો વેધક સવાલ સાથે કહ્યું હતું કે અમને પણ લોકોએ મત આપી અહીં બેસાડ્યા છે, તો અમને પૂરતી તક મળવી જોઇએ. દરમિયાન વિપક્ષે ‘જયશ્રી રામ’ ‘વંદે માતરમ’ના નારા લગાવતાં ભાજપના સભ્યો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. જો કે, થોડીવારમાં જ વિપક્ષનો સામનો કરવા ભાજપના સભ્યો ગુજરાત કે સુરત સાથે જેને કોઇ લેવાદેવા નથી તે ‘ખાલીસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવવા માંડ્યા હતા. મેયરે હોબાળા વચ્ચે તમામ કામો એકસાથે મંજૂર કરી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી દીધી હતી. પણ વિપક્ષના સભ્યો સભાખંડમાં ડાયસ સામે ધરણાં પર બેસી રહ્યા હતા અને શાસકો સમક્ષ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

‘આજે દિવાળી…કાલે દિવાળી…ભાજપ તારી છેલ્લી દિવાળી’ : વિપક્ષના સૂત્રોચ્ચાર
મેયરે વિપક્ષને સામાન્ય સભામાં રજૂઆતની તક નહીં આપતાં થયેલા હોબાળા બાદ વિપક્ષે કરેલી નારેબાજી રોચક રહી હતી. સાવ નવા જ સૂત્રોચ્ચાર ‘‘આજે દિવાળી…કાલે દિવાળી…ભાજપ તારી છેલ્લી દિવાળી’’, ‘‘ભાગે છે ભાઈ ભાગે છે કાયર મેયર ભાગે છે’’ બોલાયા હતા. જ્યારે ભાજપે ‘‘ખાલીસ્તાન મુર્દાબાદ’’ના નારા લગાવ્યા હતા.

વિપક્ષે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડસ સાથે અપમાનજનક વર્તન કર્યુ : બચકાં પણ ભર્યાં
સામાન્ય સભા પૂરી થયા બાદ પણ સભાગૃહમાંથી બહાર નીકળવાનો ઇન્કાર કરનાર વિપક્ષી સભ્યોને મેયરના આદેશના પગલે સિક્યુરિટી ગાર્ડસ દ્વારા ટીંગાટોળી કરીને બહાર કઢાયા હતા. જો કે, વિપક્ષના સભ્યોએ સિક્યુરિટી ગાર્ડ સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરતાં નારાજગી પણ ફેલાઇ હતી. એક મહિલા કોર્પોરેટરે મહિલા સિક્યુરિટીને બચકું ભરી લીધું હતું. તો સભાગૃહની બહાર ધરણાં પર બેસી ગયેલા વિપક્ષના સભ્યોની આસપાસ ફરજના ભાગરૂપે ગોઠવાયેલા સિક્યુરિટી ગાર્ડસને અપમાનજનક શબ્દો કહી તેની હાલત દયનીય કરી નાંખી હતી.

મહેશ અણઘડે મેયરને લખ્યું: ‘જો પ્રશ્નોના જવાબ ના આપી શકતાં હો તો અમારી સાથે બેસી જાવ’
સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે, પરંતુ મોટા ભાગે તેમના પ્રશ્નોના ઉત્તર તેમને મળતા નથી. જેથી આપના નગરસેવક મહેશ અણઘડે મેયરે તેનો સવાલ ડીસક્વોલિફાઇ કર્યો હોવાથી એવા લખાણ સાથે પત્ર પરત કર્યો હતો કે, ‘‘જો જવાબ દેવાની તમારી પાસે તાકાત ના હોય તો મેયર પદ પરથી રાજીનામું આપીને નીચે અમારી સાથે બેસી જવું જોઈએ’’ તેવું લખી આપતાં મેયરે તેમને સામાન્ય સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

અમિત રાજપૂત, દિપેન દેસાઈ, ગેમર દેસાઈ, કુણાલ સેલરે બાજી સંભાળી
વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકો સુધી શાસકોનાં કામો પહોંચાડવાની તક હોવાથી વિપક્ષના આક્રમક તેવરને કાબૂમાં રાખી શાસકોનાં કામોની ચર્ચા કરવા ઝીરો અવર્સમાં ચાર કોર્પોરેટરે બાજી સંભાળી હતી. ઝીરો અવર્સમાં ગેમર દેસાઇએ શહેરમાં રસ્તા અને અન્ય કામો બાબતે વિકાસગાથા રજૂ કરી હતી તેમજ કાળી ચૌદશમાં કકળાટની સાથે ચાર રસ્તા પર ઝાડુ નાંખવામાં આવે છે તેવો કટાક્ષ કરીને આ વખતે ગુજરાતમાંથી કકળાટ કાઢવાનો છે તેવો વ્યંગ કર્યો હતો.

દિપેન દેસાઇએ લોકસુખાકારીને ધ્યાને રાખી વિવિધ સમિતિઓ અને સ્થાયી સમિતિઓમાં ફટાફટ કરોડોનાં કામો અને અંદાજો મંજૂર કરાયા તેની વાત કરતાં સુરતમાં સ્વચ્છતા બાબતે થયેલાં કામો, સુરતની સ્કૂલો વગેરે બાબતે ભાજપ શાસનમાં થયેલાં કામોનો ઉલ્લેખ કરી ‘આપ’ના દિલ્હી મોડેલ પર પ્રહારો કર્યા હતા. શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે દિલ્હીમાં બહુગાજેલા આપના ધારાસભ્યના બૌધ્ધ સંમેલનમાં લેવાયોલા શપથના વિરોધમાં કહ્યું કે, હું શપથ લઉં છું કે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તમામ ભગવાનને માનું છું. તેમણે દિલ્હીમાં આપના મંત્રી પર પ્રહાર કર્યા હતા. સાથે જ કહ્યું કે, ભાજપ એક હાથમાં વિકાસ તો બીજા હાથમાં ધર્મ લઇને ચાલે છે. આ અંગે વિરોધ પક્ષે ધર્મની રાજનીતિ બંધ કરીને ચૂંટણી પછી આપના નેતા મંદિરમાં નહીં દેખાય તેની ગેરંટી આપું છે. જો કે, વિપક્ષના સભ્યોએ પણ સામે રોકડું પરખાવ્યું હતું કે, અમે પણ પહેલેથી જ મંદિરે જઇએ છીએ. ધર્મ પર રાજનીતિ બંધ કરો.

Most Popular

To Top