SURAT

હીરા ઉદ્યોગમાં 15 દિવસને બદલે 25 થી 30 દિવસનું લાબું વેકેશન રહેશે

સુરત : કોરોના (Corona) કાળમાંથી વેપાર-ધંધા અને અર્થતંત્ર બહાર આવી ગયાં પછી અમેરિકા (America) અને યુરોપનાં દેશોમાં સ્લો ડાઉનની અસર હીરા (Diamond) ઉદ્યોગ પર પડી છે. રશિયા (Russia) અને યુક્રેન (Ukrain) યુદ્ધની અસર ઉદ્યોગ પર વધુ વર્તાઈ છે. રફ મોંઘી થવા સાથે તૈયાર હીરાના ભાવો નહીં ઊંચકાતા ચાલુ વર્ષે દિવાળીના 10 દિવસ અગાઉ જ કેટલાક કારખાનાં બંધ થઈ ગયા હતાં. મોટી ડાયમંડ કંપનીઓએ પણ નાતાલની સિઝન માટે મોટી ડિમાન્ડ નીકળી નહીં હોવાનું ભાળી નવું ઉત્પાદન ટાળ્યું છે. માલનો ભરાવો વધુ હોવાથી આ દિવાળીએ આવતીકાલથી શરૂ થતું દિવાળી વેકેશન 15 દિવસને બદલે 25 થી 30 દિવસનું રહેશે. જોબવર્ક પર ચાલતાં કારખાનાં દિવાળી વેકેશન પછી પણ ઉઘડે છે કે કેમ એને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.

વૈશ્ર્વિક આર્થિક મંદી જોતાં મોરબીનાં સિરામીક ઉદ્યોગે પણ એક મહિનાનું વેકેશન જાહેર કર્યું છે. વિવિંગ ઉદ્યોગ પણ ઓવર પ્રોડક્શનની સ્થિતિ ટાળવા 20 થી 30 દિવસ વેકેશન રાખી રહ્યું છે તે જોતાં આ વર્ષે લાભ પાચમ પછી પણ મોટાભાગની માર્કેટની દુકાનો બંધ રહેશે. કામદારોની છટણી રોકવા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાવવામાં આવ્યું છે. સુરતના હીરા કટીંગ ઉદ્યોગમાં 21 ઓકટોબરથી 15 નવેમ્બરનું 25 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજયનના ચેરમેન વિજય માંગુકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપના માર્કેટમાં ડિમાન્ડ ઘટી છે. ક્રિસમસની સિઝન કેવી રહે છે એને આધારે વેપારની દિશા નક્કી થશે.

વેકેશન પહેલા પગાર મામલે રત્નકલાકારોની 23 ફરિયાદ મળી : ડાયમંડ વર્કર યુનિયન
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન પહેલા રત્નકલાકારોએ કરેલા કામનો પગાર આપવા બાબતે 23 ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદોનું યુનિયન દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યુ છે. કુલ 10,83,593 રૂપિયાનો બાકી પગાર રત્નકલાકારોને અપાવવામાં યુનિયનને સફળતા મળી છે. મોંઘવારી ખૂબ વધી ગઈ છે. એની સામે ઘણા કારખાનાઓમાં કારીગરોના પગાર વધ્યા નથી.

બે કંપનીઓમાં રત્નકલાકારોએ પગાર વધારા બાબતે હડતાળ પાડી હતી. જેમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતએ મધ્યસ્થી કરી અંદાજે 450 કારીગરોને પગાર વધારા સાથે કામ ઉપર બેસાડવામાં સફળતા મળી હતી. યુનિયન દ્વારા ગ્રેજ્યુઇટીના ટોટલ 6 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એક કેસમાં યુનિયને જીત મેળવી છે અને અન્ય પાંચ કેસો હાલ ચાલી રહ્યા છે. હીરાઉદ્યોગમાં ગેરકાયદેસર રીતે રત્નકલાકારોને છુટા કરી દેવાના કિસ્સાઓ મોટી સંખ્યામા બનતા હોય છે તે બાબતની યુનિયનને ટોટલ 13 ફરિયાદો મળી હતી. જેમાંથી 12 ફરિયાદોનુ સુખદ નિરાકરણ કરવામાં આવ્યુ હતુ. લેબર વિભાગનો પણ આ મામલે સારો સહકાર મળ્યો હતો.

Most Popular

To Top