SURAT

ઇ-વ્હીકલ પોલિસીને બુસ્ટર ડોઝ : મનપાના 149 કર્મચારીઓએ ઈ-વ્હીકલ બુક કરાવી

સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ (E-Vehicle) તરફ શહેરીજનો જાય તેવા આશય સાથે પોલિસીમાં મનપા દ્વારા ઈ-વ્હીકલ ખરીદનારને પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

  • શહેરમાં વર્ષ 2019-2020માં 147 ઈ-વ્હીકલ હતા
  • પોલિસીની જાહેરાત બાદ ઈ-વ્હીકલની સંખ્યા વધીને 1043 થઈ હતી અને હાલમાં આ આંકડો વધીને 5631 પર પહોંચ્યો
  • મનપાના કર્મચારીઓને જીરો ડાઉન પેમેન્ટ પર કર્મચારી મંડળી લોન ઉપલબ્ધ કરે તેવું આયોજન ગોઠવાયું

જોગવાઈના કારણે સુરત શહેરમાં ઈ-વ્હીકલની સંખ્યા વધી છે તેમજ સુરત શહેરને ઈ-વ્હીકલ શહેર બનાવવાના મહાનગરપાલિકાના આ અભિયાનમાં મનપાના કર્મચારીઓ પણ જોડાઇ શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેકચરરો પાસેથી સીધે સીધો ડીસ્કાઉન્ટ મેળવીને કર્મચારીઓને સસ્તા દરે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપબ્ધ થઇ શકે તેમજ કર્મચારીઓને ઝીરો ડાઉન પેમેન્ટ પર કર્મચારીઓની ક્રેડીટ સોસાયટી દ્વારા લોન ઉપલબ્ધ થઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સુરત મહાનગર પાલિકાના 149 કર્મચારીઓએ દિવાળી નિમિત્તે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદીને સુરતને ઇલેક્ટ્રિક વ્હીકલનું શહેર બનાવવામાં સહયોગ આપવાની કટિબદ્ધતા બતાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વર્ષ 2019-2020માં 147 ઈ-વ્હીકલ હતા. પોલિસીની જાહેરાત બાદ ઈ-વ્હીકલની સંખ્યા વધીને 1043 થઈ હતી અને હાલમાં આ આંકડો વધીને 5631 પર પહોંચ્યો છે. અનુમાન છે કે, વર્ષ 2030 સુધીમાં 20 ટકા ગ્રોથ પ્રમાણે સુરતમાં 11 લાખ ઈ-વ્હીકલ દોડશે. ભારત દેશમાં ઈ-વ્હીકલ ઈકો-સીસ્ટમ માટે 9 શહેરોની પસંદગી થઈ છે. જેમાં સુરત શહેરની પણ પસંદગી કરાઈ છે અને તે સિવાય મુંબઈ, દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, પુણે, ચેન્નઈ, કલકત્તા અને અમદાવાદની પણ પસંદગી કરવામાં આવી છે.

Most Popular

To Top