SURAT

કરોડોની છેતરપિંડીનો ભોગ બનેલાઓની સાયબર ક્રાઈમ અને CIDની દિવાળી ગિફ્ટ

સુરત : શહેરના અલગ અલગ છેતરપિંડીમાં (Fraud) ભોગ બનેલાઓ સાથે નાણાકીય છેતરેપિંડી થતા એનસીસીઆરપી તેમજ આઈઆરયુની હેલ્પલાઈન (IRU Helpline) ઉપર ફોન કરી નોંધાયેલી ફરીયાદો અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ દ્વારા અલગ અલગ કુલ 47 બેંકોના 859 એકાઉન્ટોમાં ફ્રિઝ કરાવેલા 1.60 કરોડ રૂપિયાની રકમ નાગરિકોને રિફન્ડ અપાવવામાં આવી હતી. સામી દિવાળીએ ભોગ બનનારાઓને તેમના રૂપિયા પરત મળતા જાણે દિવાળીની ગિફ્ટ મળી હતી.

સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને સુચના આપી હતી
સુરત શહેરના અનેક લોકો સાથે જાન્યુઆરી-2010 થી જુન-2022 સુધીમાં નાણાકીય છેતરપિંડી થતા સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર 1930 અથવા 100 ઉપર ફોન કરી ફરિયાદો નોંધાવી હતી. નોંધાયેલી ફરીયાદો અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં ફ્રિઝ કરાવેલા નાણાં નાગરિકોને રિફન્ડ અપાવવા માટે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને સુચના આપી હતી.

સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરના પરામર્શમાં રહી કોર્ટના હુકમો મેળવ્યા હતા
જે અંગે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા સુરત શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા એનસીસીઆરપીના કુલ 66 તેમજ આઈઆરયુના કુલ 593 મળી 859 અરજદારોને કુલ 1,60,45,720 પરત અપાવવા સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરના પરામર્શમાં રહી કોર્ટના હુકમો મેળવ્યા હતા. અને ત્વરીત કામગીરી હાથ ધરી વિવિધ રાજ્યોની કુલ-47 બેંકોને 859 અરજદારોના ખાતામાં નાણા જમા કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે નાણા ટુંક સમયમાં જ બેન્ક દ્વારા અરજદારોના ખાતામાં જમા કરવામાં આવશે.

બે વર્ષમાં 1101 ભોગ બનનારાઓના 5.01 કરોડ પરત કરાવ્યા
વર્ષ 2020 થી 2022 સુધી સાયબર ક્રાઇમ સેલ દ્વારા દાખલ કરવામાં આવેલા કુલ 55 ફાયનાન્સિયલ ફ્રોડના ગુન્હામાં કુલ 126 સાયબર ગુનેગારોને પકડી કુલ 2.45 કરોડ ફ્રીઝ કરી રીકવર કરવામાં આવ્યા છે. તથા આ સમયમાં તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરનાર કુલ 116 નાગરીકોને રજુઆત કર્યાના 24 કલાકની અંદર કુલ 95.63 લાખ રિફંડ કરાવ્યા હતા. બે વર્ષમાં સાયબર ક્રાઈમના અલગ અલગ ગુનામાં કુલ 1101 અરજદાર અને ભોગ
બનનારનાઓને 5.01 કરોડ પરત અપાવ્યા છે.

Most Popular

To Top