Top News

More Posts

   The Latest

Most Popular

નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક મહોત્સવ છે. શકિતપૂજન, આરાધના, સાધનાનો મંગળ અવસર છે. આસો સુદ પડવાથી આસો સુદ દશમ વિજયાદશમી સુધી માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મહાસાગર ઉમટે છે. જય માતાજીનો નાદ ગૂંજે છે. માતાજીના આ શકિતપૂજનનું આ સમયે બહુ મહત્ત્વ છે. પૌરાણિક કથાનુસાર, મહિષાસુર નામક એક મહાપાપી રાક્ષસ ઉન્મત્ત થઇને દેવ-દેવતા અને માનવીને  ત્રાસ આપી રહ્યો હતો ત્યારે બધાએ એકત્વ સાધીને બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સથવારે એક પ્રચંડ શકિતને નિર્માણ કરી. એ શકિતનું નામ જ ‘નવદુર્ગા’ છે. અંબિકા ભવાની છે.

દેવોએ પોતાના પવિત્ર, ઉપયુકત શસ્ત્રો, અસ્ત્રો, શકિત દેવીને અર્પણ કર્યા. શકિતનું નિષ્ઠા, શ્રધ્ધા સાથે પૂજન કર્યું અને દિવ્ય આયુધોથી સંપન્ન દેવીએ રાતદિવસ, ભૂમિ, આકાશ, પાતાળમાં નવ દિવસ પરાક્રમી યુધ્ધ કરીને પાપી મહિષાસુરનો વધ કર્યો. આસુરી વૃત્તિનો નાશ કરીને દૈવી આલમની પુન:સ્થાપના કરી. દેવોને અભય આપ્યું. માનવીને રક્ષણ આપ્યું અને સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરાની જીવન યાત્રા પૂર્વવત શરૂ થઇ. આ એકત્વ શકિત એ જ મા જગદંબા ભવાની છે. સંઘભાવના દૈવી રંગ આપે છે.

મહિષાસુર, મહિષ એટલે પાડો, પાડાના રૂપમાં રહેનારો સ્વચ્છંદી, ઘાતક, માનવભક્ષી, સ્વાર્થી અને નિર્લજ્જ આસુર, જે ફકત વૈમનસ્ય જ કરે છે. ભાવનાશૂન્ય, અતિરેકી, બળાત્કારી, અવ્યવહારુ અને સ્ત્રી લંપટ, ધર્મવિરોધી, રકતપિપાસુ, જીવ હત્યારો તથા નવપલ્લવિત સૃષ્ટિને ખેદાનમેદાન કરવાની વિનાશી વૃત્તિવાળો, આવા ભયંકર પ્રમાદીને હણવાનું મહાન દૈવી કાર્ય મા જગદંબાએ કર્યું અને તે ‘મહિષાસુર મર્દિની’ કહેવાયા. નવદુર્ગાએ અનેક રૂપો લઇને અનેક દૈત્યોનો નાશ કર્યો છે અને ધર્મને બચાવ્યો છે. આજની દુનિયામાં પણ આવા જ દુષ્ટ મહિષાસુરો ગુપિત રૂપે રહીને માનવહાનિ કરી રહ્યા છે. આજુબાજુ, ચારો તરફ આવા શેતાનો રૂપ બદલીને વસી ગયા છે એટલે માનવતા પીડિત છે. ત્રાસ ભોગવે છે. નારી ભયયુકત છે, ધર્મ ખંડિત થઇ રહ્યો છે. જ્ઞાન ઉદાસીન છે. શૌર્ય કુંઠિત છે, સ્વતંત્રતા પર કાળાં વાદળો ભમી રહ્યાં છે.

નવરાત્રીના આ શકિતપૂજનમાં મા ભવાની દેવી પાસે અમારે એકત્વની, સમરસતાની, પુણ્ય પ્રભાવી સંઘટનની માંગણી કરવાની છે. અમારા આયુધોની, શસ્ત્ર,અસ્ત્રોની પૂજા કરીને તેજપુંજ બનાવવાનો છે. અમારા શૌર્યને, શકિતને, સંઘભાવનાને પ્રજવલિત કરીને માતાની આરતી ઉતારવાની છે.હાલમાં પાકેલા મહિષાસુરોને નાથવાની યુકિતપ્રયુકિતઓ મા દુર્ગા પાસે માંગવાની છે. અમને સુસજ્જ, જાગ્રત રહેવા માટેના નવરાત્રીના દિવસો છે. તમે માનો ગરબો ગાવ, રાસ રમો, ભજનો ગાવ પણ તમારી તેજસ્વી ખુમારી, તમારા ઐતિહાસિક શૌર્યની ઝાંખી, તમારા ઓદ્ધાઓની રણનીતિનું દર્શન પણ માની સેવામાં બતાવવાનું ભૂલશો નહિ. તમારા પૂજનઅર્ચનથી મા ભગવતી પ્રસન્ન થશે પછી તો તમને ઉપરનીચેથી કે આડોશપાડોશથી આવનારા નીતિશૂન્ય મહિષાસુરોનો ભય લાગશે જ નહિ. તમારા અંદરના વૈમનસ્યને મટાડો, ભેદાભેદ દૂર કરો, દેશનિષ્ઠ બનો એ જ મા દુર્ગાને ફૂલ ચઢાવવા બરાબર છે. એક બનો, નેક બનો સૂત્ર જાળવશો.

To Top