Charchapatra

‘તેરી મિટ્ટીમેં  મિલ જાવાં’

 ‘ગુજરાતમિત્ર’ અખબારની 26 મી મે ની ‘શો ટાઈમ’ રંગીન પૂર્તિના ‘હૃદયને ગાતાં ગીતો’ વિભાગમાં 2019 ની અક્ષયકુમારની દેશભક્તિની ફિલ્મ ‘કેસરી’ના ગીતકાર મનોજ મુન્તાસીરની કલમે લખાયેલા શૌર્યગીતની ‘તેરી મિટ્ટીમેં મિલ જાવાં’ ગીતનું વિસ્તારથી વિશ્લેષણ કરીને  કમાલ કરી બતાવી છે. બાકી આ ગીત રેડિયો પર ટી.વી. પર એક વાર નહીં અનેક વાર સાંભળ્યું છે. પરંતુ આવી વિસ્તારથી ગીતની સમજ આ પહેલાં આવી નહોતી. હા, એક વાત કહેવી જોઈએ કે ગીત સાંભળતાં હાથનાં રૂંવાડાં જરૂરથી ખડાં થઈ જતાં હતાં.

આ ફિલ્મ પહેલાં જોઈ નહોતી, પરંતુ બાદમાં જોવી પડી. મને કહેવા દો કે આ બેમિસાલ દેશદાઝ ફિલ્મ પ્રત્યેક હિન્દુસ્તાનીએ એક વાર જોવી જોઈએ. જરાક હટકે આ વિશિષ્ટ ગીતની રચના એવી છે કે જૂની ફિલ્મોની દેશભકિત ફિલ્મોના ગીતની યાદ આવી જાય છે. આ ગીત પર કલમ ચલાવનારે પણ ગીતના અંતમાં ‘હકીકત’ ફિલ્મના ‘કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથીઓ’ સાથે લતા મંગેશકર જાણીતા ‘એ મેરે વતનકે લોગો’ની યાદ પણ તાજી કરી છે.

એકવીસમી સદીની ‘સંદેશે આતે હૈ’ ‘બોર્ડર’ ફિલ્મના ગીતની પણ યાદ કરી છે. ગીતકારે આ ગીતમાં પંજાબી, શીખ પ્રજાની ઉર્દૂ મિશ્રિત હિન્દી શબ્દોની ભાષાનો પણ ઉચિત રીતે ઉપયોગ કરીને શહીદ થયેલા, વિદાય લઈ રહેલા જાંબાઝ સૈનિકની કથા-વ્યથા દર્દભરી રીતે આબાદ પ્રગટ કરી જાણી છે. આ ગીતકાર અવારનવાર ટી.વી.ના નાના પરદા પર રિયાલિટી શો માં પણ જોવા મળે છે. એની હાજરીથી શો માં જાન આવી જાય છે. નવી પેઢીનો એ શેર-ઓ-શાયરીના બેતાજ બાદશાહ ગણાય છે.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top