Dakshin Gujarat

વાપી GIDCની એક કંપનીમાં નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ અમદાવાદ NCBએ ઝડપી પાડ્યું

વાપી, અમદાવાદ : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત એક કંપનીની (Company) લેબમાંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ (Drugs racket) અમદાવાદની એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)ની ટીમે ઝડપી પાડ્યું છે. એનસીબીની (NCB) ટીમે કંપનીની લેબમાં નશીલા પદાર્થ બનાવવાના રેકેટમાં સામેલ ચાર શખ્સોને અટકમાં લઈને કંપનીને સીલ કરી છે. 68 કિલોગ્રામ નશીલા પદાર્થનો જથ્થો કબજે લઈ એનસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. જોકે એનસીબીએ સત્તાવાર રીતે હજી કોઈ વિગત આપી નથી.

  • અમદાવાદ એનસીબીની ટીમે ચાર શખ્સોની અટકાયત કરી
  • છેલ્લા એક સપ્તાહથી એનસીબીની ટીમ દ્વારા તપાસ ચાલતી હતી
  • એનસીબીની ટીમે વિશ્વ પર્યાવરણ દિવસે કંપનીમાં દરોડો પાડીને કંપનીને સીલ કરી

આ આખી તપાસમાં હાલ તો કંપનીની લેબમાંથી નશીલા પદાર્થ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ સહિતની સામગ્રી પણ એનસીબીએ કબજે લીધી છે. આ આખા રેકેટના પર્દાફાશ પાછળ અમદાવાદ એનસીબીની ટીમ છેલ્લા એક સપ્તાહથી વાપીમાં રહીને સંબંધિત કંપનીમાં ચાલતા ડ્રગ્સ બનાવવાના રેકેટની માહિતી ભેગી કરી હતી. નશીલા પદાર્થને બનાવવા સંબંધમાં એનસીબીની ટીમે વોચ રાખી માહિતી મેળવી રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસે કંપનીમાં દરોડો પાડીને નશીલા પદાર્થ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અનસીબીની ટીમ હમણાં તો વાપીની કંપનીની લેબમાં ચાલતા રેકેટની તમામ કડીઓ મેળવવા માટે ચાર શખ્સોની અટક કરીને અમદાવાદ નીકળી ગઈ છે.

એનસીબીની ટીમે કંપનીને સીલ કરીને લેબમાંથી નશીલા પદાર્થનો ૬૮ કિલોગ્રામ જથ્થો કબજે લીધો હતો. આ ઉપરાંત કંપનીની લેબમાં નશીલા પદાર્થ બનાવવા માટે વપરાતા કેમિકલ સહિતના જથ્થાને પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ચાર આરોપી પૈકી બે મહારાષ્ટ્રના અને બે તેલંગાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો અમદાવાદના ઝોનલ ડાયરેક્ટર શૈલેન્દ્રકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે વાપીની ડ્રગ્સની ટેબલેટ બનાવવાની ફેક્ટરી- લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સની ટેબલેટમાં મુખ્યત્વે આલ્પ્રાઝોલમ – નોર્ડાઝેપામ હોવાની શંકા છે. એનસીબીએ ચારે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.

વાપી અને સરીગામમાં એક સમયે મેન્ડ્રેક્સ પકડાયું હતું
એક સમયે વાપીની કંપનીમાં મેન્ડ્રેક્સ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું. સરીગામમાં અગરબત્તી બનાવતી કંપનીમાંથી પણ મેન્ડ્રેક્સ નામના નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ એક સમયે ઝડપાયું હતું. હવે વાપીની કંપનીની લેબમાંથી ઝડપાયેલા નશીલો પદાર્થ શું છે તે તપાસ બાદ બહાર આવશે. જ્યારે ચીખલી પાસે બામણવેલમાં પણ એક કંપનીમાં મેન્ડ્રેક્સ બનાવવાનું મસમોટું રેકેટ ઝડપાયું હતું. મેન્ડ્રેક્સ બનાવીને તેનો જથ્થો વિદેશ મોકલાતો હતો.

Most Popular

To Top